Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાભારતકાળમાં ભગવાન દ્વારકાધીશે જ્યાં વિશ્રામ કર્યો અને શાંતિ પ્રાપ્ત કરી તે પાવન સ્થળની તવારીખ
રાવલ તા. ૨૨: રાવલથી નજીકમાં પોરબંદર જિલ્લાની સરહદે સીમ વિસ્તારમાં શિંગડા ગામ પાસે આવેલા વિશ્રામ દ્વારિકા શેષમઠમાં જ્યારે સ્વામી સર્વેશ્વરાચાર્યએ પદાભિષેક થવાનો છે. ત્યારે આ પાવન સ્થળની તવારીખ પર નજર કરીએ.
પોરબંદરથી આશરે ૩૫ કિમી ખંભાળિયા હાઈવે પર મજીવાણાથી ૫ કિમીનો અંતરે રાવલની તદ્દન નજીક શિંગડાનો વિસ્તાર પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓના આશ્રમથી સુશોભિત હતો. તેમાં શ્રૃંગી ઋષિનો આશ્રમ અહીં હોવાના કારણે આ વિસ્તાર તેમના આશ્રમમના નામે ઓળખાય છે. આ વિસ્તાર તેમના આશ્રમના નામથી પ્રખ્યાત થયો હતો. કાળક્રમે શ્રૃંગી ઋષિના નામમાંથી અપભ્રંશ થઈ કેવલ શ્રૃંગી અને તે પરથી શિંગડા થયેલ છે. મહાભારતકાળમાં શ્રી કૃષ્ણ ભગવાને મથુરાપર કાળયવન, જરાસંધ આદિના અનેક હુમલાઓથી યાદવકુળને સુરક્ષિત રાખવાના હેતુથી સૌરાષ્ટ્ર આનર્ત પ્રદેશમાં નગરી વસાવવાનું નક્કી કર્યું, ત્યારે તેઓ અહીં આવીને રહ્યા હતા. અને તેમના કહેવાથી વિશ્વકર્માએ દ્વારિકાપુરીની રચના કરી અને ત્યાં તેઓ યાદવ કુળ સાથે વસ્યા હતા. કાળયવન - જરાસંધ, વિગેરે રાજાઓ સાથેની લડાઈઓ બાદ શ્રી કૃષ્ણ ભગવાને અહીં મુકામ કર્યો ત્યારપછી તેમને શાંતિનો અનુભવ થયો. આથી આ સ્થાન તેમના વિશ્રામ કરવાથી જ વિશ્રામ-દ્વારિકા તરીકે પ્રખ્યાત છે.
વિશ્વકર્મા રચિત દ્વારકાનગરી નવનિર્મિત હોવાથી તે શ્રાપમુક્ત હતી, તેથી કૃષ્ણ ભગવાન દ્વારિકાના રાજા બન્યા. તે અગાઉ માત્ર ને માત્ર યાદવકુમાર ગોપાલ જ હતા. આમ તેમના વિશ્રામસ્થળ અને યાદવકુમાર તરીકેની છેલ્લી યાદગીરી રૂપે પુરાણ કાળથી જ અહીં શ્રી ગોપાલજી મંદિર અને શ્રી રામજી મંદિરનું નિર્માણ થયેલ હોવાનું મનાય છે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાના રાજાધિરાજ બન્યા તેમના બાળસખા સુદામાજી જે પોરબંદરમાં નિવાસ કરતા હતા. તેઓ ભગવાનને મળવા પોરબંદરથી દ્વારિકા જતા રસ્તામાં અહીં રાત્રિનિવાસ કરેલો. પોતાના મિત્રની મદદ માટે શ્રી દ્વારિકાધીશ તુરંત અહીં દોડી આવ્યા અને ગરુડજી દ્વારા સુદામાજીને અહીંથી ઉપાડી સીધા દ્વારિકાપુરીના મહેલ સામે મૂકી દીધા. આ પ્રસંગના સાક્ષીરૂપે ગરુડજી અહીં અવશેષરૂપે બિરાજમાન છે. જ્યાં હાલ ફક્ત ગરુડજીની જર્જરિત મૂર્તિ સ્થાપિત છે. બાકીના અવશેષો કાળક્રમે લુપ્ત થઈ ગયેલ છે. આ સ્થાન રજવાડાઓના સમયમાં પણ તેઓનું આશ્રય પામેલું. જેથી કરીને આ સ્થાનના નિભાવ માટે ખાસ કરીને પોરબંદર રાજ્ય તરફથી ઘણાં ગામોની ઉપજ અર્પણ કરવામાં આવતી. ઘણાં ગામો આ સ્થાનના તાબામાં હતા. જેથી આ સ્થાનનું નામ શિંગડા જાગીર તરીકે પ્રખ્યાત છે અને અહીં જંગલ વિસ્તાર અને પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત દરેક જીવો મો અભિયારણ સમાન હતું.
શેષમઠ નામ કેમ પડ્યું ?
અહીં અનેક પ્રકારના જીવો વસવાટ કરતા. ખાસ કરીને સર્પો- નાગોની સંખ્યા ખૂબ જ સવિશેષ હતી. આથી શ્રી રામાનંદ સંપ્રદાયના વડા (૨૨)મા આચાર્ય જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજી દ્વારા આ જગ્યાનું નામ શ્રી શેષમઠ કરવામાં આવ્યું હતું. જે નાગોના રાજા શેષનાગ છે. જેની પર સમગ્ર પૃથ્વીનો ભાર છે. તેમની યાદમાં તેમજ ભગવાન બળદેવજી (દાઉજી) જે શ્રીકૃષ્ણ ભગવાનના મોટાભાઈ તેઓ શેષાવતાર હતા. તેમની સ્મૃતિમાં આ નામકરણ થયેલ અને પોરબંદર રાજ્ય દ્વારા આ જગ્યાનો અવારનવાર જીર્ણોદ્ધાર થતો રહેતો. તેમજ વર્ષાસન પણ અપાતું.
છેલ્લા સંવત ૧૮૦૭ માં પોરબંદર રાજ્ય દ્વારા જીર્ણોદ્ધાર થયેલ. ત્યારબાદ હાલ રાજ્ય દ્વારા મળતું વર્ષાસન આઝાદી પછી હાલ પણ ભારત સરકાર દ્વારા દર વર્ષે ચૂકવાય છે. અને વાર્ષિક સામાન્ય રકમ નિયમિત રહે છે. જે આ સ્થાનની મહત્તા અને પ્રાચીનતા અંગેનો પુરાવો છે. ભારત ભ્રમણ દરમ્યાન સ્વામી શ્રી વિવેકાનંદજીએ પણ આ સ્થળની મુલાકાત લીધેલી અને અહીં રોકાણ પણ કરેલું. અનેક સંપ્રદાયના અનેક સંતો, મહંતો, મઠાધીશો, આચાર્યો અવારનવાર અહીંની યાત્રાએ આવતા અને હજુ પણ આવતા જ રહે છે.
અહીં ભાવિક ભક્તોનો પ્રવાહ અવિરતપણે આજે પણ ચાલુ છે. આમ આ સ્થાનનું અંતરિયાળ દૂર હોવા છતાં પૌરણિક સ્થાનની મહત્તા વધારતું અનેરું પવિત્ર સ્થાન છે. અહીંના મઠાધીશશ્રીઓ શ્રીનંદરામ-દાસજી, શ્રી સદારામદાસજી, શ્રીમોહનદાસજી છે. સને ૧૯૩૦માં તે વખતના પોરબંદરના રાજા નટવરસિંહજી દ્વારા યોગ્ય તથા શ્રી સંપ્રદાયના આચાર્યશ્રીને વાઈસરોય શ્રી લોર્ડ વેવલ એવમ કાશી વિદ્વદ્પરિષદ દ્વારા મહામહોપાધ્યાયની ગરિમા જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્ય તથા જગતવિજયીની ઉપાધિથી વિભૂષિત શ્રી રામાનંદ સંપ્રદાયના ૩૯મા આચાર્ય જગદ્ગુરુ શ્રી રઘુવરાચાર્યજી વેદાંતકેસરીજીને ા મહાન ગાદીના આચાર્ય ગણીને તેઓને શ્રી શિંગડા જાગીરનો બધો અધિકાર સોંપવામાં આવ્યો. ૪૦મા આચાર્ય જગદગુરુ શ્રી રામપ્રસન્નાચાર્યજી યોગીન્દ્રજી દર્શનકેસરી ૪૧મા આચાર્ય જગતગુરુશ્રી રામેશ્વરા-નંદાચાર્યજી, ૪૨મા આચાર્ય જગદ્ગુરુ શ્રીરામાનંદાચાર્ય, સ્વામી રામાચાર્યજી તેઓના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી, ગુરુશ્રી જગદ્ગુરુ સ્વામીશ્રી રામાચાર્યજી મહારાજ વર્તમાન ગાદીપતિ તરીકે વિદ્યમાન છે. જગદ્ગુરુ શ્રી રામા-નંદાચાર્યપીઠ શ્રી વિશ્રામદ્વારિકા શ્રી શેષ મઠ શિંગડા દ્વારા અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.
પટ્ટાભિષેક અને ભવ્ય ભંડારો
આગામી તા. ૨૯મી નવેમ્બરે આ પાવન સ્થળે સવારે નવ વાગ્યે જગદ્ગુરુપદ પર પટ્ટાભિષેક થવાનો છે અને તેની સાથે ભવ્ય ભંડારો પણ યોજાનાર છે. આ માટે જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ, શ્રી વિશ્રામ દ્વારિકા, શ્રી શેષમઠ, શિંગડા દ્વારા આમંત્રણો પણ પાઠવવામાં આવી રહ્યા છે. અને આ પ્રસંગે શિંગડામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેનાર હોઈ એ અંગેની તડામાર તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે.
વિશ્વ વિદ્યાપીઠ
આ સ્થળે જ તક્ષશિલા, નાલંદા જેવી જ કાર્યરત સંસ્કૃત વિશ્વ વિદ્યાપીઠમાં દેશ-વિદેશના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ સંસ્કૃત, શાસ્ત્રો, વેદો અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ મેળવ્યું હોવાનો ઈતિહાસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial