Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ હજાર જેટલા લોકોએ મામલતદારને આવેદન પાઠવી વ્યક્ત કર્યાે રોષઃ બનાવનો વીડિયો વાયરલઃ
જામજોધપુર તા. ૩: જામજોધપુરના એક વેપારીએ દુકાન આડે મોટર નહીં રાખવાનું કહેતા તેમના પર દુકાનમાં ઘૂસી આઠેક શખ્સોએ ધોકા-લાકડી, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. આ બનાવ સીસીટીવીમાં કંડારાઈ ગયો હતો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. દુકાન આડે રખાતી રેંકડીઓ કે વાહનો અંગે વેપારી કંઈ કહે તો તેમના પર થતાં હુમલાથી કાળઝાળ બનેલા વેપારીઓએ ગઈકાલે આગેવાનો સાથે બેઠક યોજ્યા પછી આજે જામજોધપુર બંધનું એલાન આપ્યું હતું. તેના પગલે આજે જામજોધપુર સજ્જડ બંધ રહ્યું હતું. મામલતદારને આવેદન પાઠવી વેપારીઓએ પોતાનો રોષ વ્યકત કર્યાે છે.
જામજોધપુર શહેરમાં કુબેર કોર્નર નજીક મૂન ટ્રેડર્સ નામની ખોળ-કપાસીયાની દુકાન ધરાવતા ચિરાગભાઈ વ્રજલાલ દેલવાડીયા ગયા શનિવારે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં રાજકોટ પાસીંગની એક મોટર કોઈએ પાર્ક કરી દેતાં આ વેપારીએ તે સ્થળેથી મોટર લઈ લેવા અને સામે મૂકી દેવા કહેતા મોટરના ચાલકે તેઓને ગાળો ભાંડી હતી.
ત્યારપછી ચિરાગભાઈની દુકાનમાં ઘૂસી ગયેલા ધ્રાફા ગામના શક્તિસિંહ જાડેજા, જેડી ઉર્ફે જગદીશસિંહ જાડેજા અને અન્ય છ શખ્સે ધોકા-લાકડી, ઢીકાપાટુથી હુમલો કરી ચિરાગભાઈને માર માર્યાે હતો. તે પછી આ પ્રકરણ ઘેરૂ બની ગયું છે.
હાલમાં જામજોધપુરમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, તેવા રોષ સાથે ગઈકાલે જામજોધપુરના વેપારીઓની આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં બે વેપારી પર બે બનાવમાં આવી રીતે હુમલો કરાયો છે તે મુદ્દો ચર્ચાયો હતો. તેના અંતે આજે જામજોધપુર શહેર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદન પાઠવવા નક્કી કરવામાં આવ્યું હતું.
એલાન મુજબ આજ સવારથી જામજોધપુર શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. મોટાભાગના વેપારીઓ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા. તેના પગલે મુખ્ય બજાર સહિતના વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. એકઠા થયેલા વેપારીઓ તેમજ આગેવાનો અને નાગરિકો સહિત ત્રણ હજાર લોકોના ટોળાએ મામલતદાર કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ વ્યક્ત કર્યાે હતો.
જામજોધપુર શહેરમાં દુકાનો આડે વાહનો રાખી દેવામાં આવે છે તે ઉપરાંત રેંકડીધારકો પણ દુકાનો આડે ઉભા રહી ધંધો કરે છે જેના કારણે વેપારીઓને સહન કરવું પડી રહ્યું છે. આડેધડ પાર્કિંગ કરતા વ્યક્તિઓને કે રેંકડી ધારકોને ટપારવામાં આવે તો વેપારીઓ પર હુમલા થઈ રહ્યા છે અને પોલીસ મુકપ્રેક્ષક બની તમાશો નિહાળી રહી છે. જેના પગલે આજે વેપારીઓનો રોષ સપાટી પર આવ્યો હતો.
વેપારી પર સોમવારે દુકાનમાં ઘૂસી થયેલા હુમલાનો બનાવ તે દુકાનના જ સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો.તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial