Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેર લાખનો મુદ્દામાલઃ ત્રણ શખ્સની ધરપકડઃ અન્ય બાર સાગરિતની શોધઃ
જામનગર તા.૪: જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટી તેમજ સાંઈબાબાના મંદિર નજીકની સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ હતી. તે ઉપરાંત મારૂતી રેસીડેન્સી અને શ્રીનાથજી પાર્કમાંથી બાઈકની ચોરી થઈ હતી. જીઆઈડીસી નજીક સ્વામીનારાયણ ટાઉનશીપમાં બંધ મકાનના તાળા તૂટ્યા હતા અને લાખાબાવળ પાસે ધાનિષ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા કોઈ શખ્સોએ બંગલા માલિક જાગી જતાં તેમના માથામાં ગંભીર ઈજા પહોંચાડી સોનાના દાગીના, રોકડની લૂંટ ચલાવી હતી. ઉપરોક્ત ગુન્હાઓની ફરિયાદ પોલીસમાં થયા પછી એલસીબી ટીમ તપાસમાં જોડાઈ હતી.
તે દરમિયાન પીઆઈ વી.એમ. લગારીયાએ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ જુદી જુદી ટીમની રચના કરી હતી. જેમાંથી પીએસઆઈ આર.કે. કરમટાના વડપણ હેઠળની ટીમના વનરાજ મકવાણા, ધાનાભાઈ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, કિશોરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ અને ટેકનિકલ સેલના નિર્મળસિંહ, બળવંતસિંહ ટેકનિકલ તથા હ્યુમન રિસોર્ટનો ઉપયોગ કરી તપાસ કરી રહ્યા હતા જેમાં બેડીબંદર રોડ પર મહાકાળી સર્કલ નજીક કાળા રંગની અને નંબર વગરની અર્ટીગા મોટરમાં ત્રણ શખ્સ આવ્યા હોવાની બાતમી મળી હતી. તેના આધારે ધસી ગયેલી ઉપરોક્ત ટીમે ત્યાંથી રાજુ સુમલ પંચાલ ઉર્ફે ગુડીયા, દીપક સુમલ પંચાલ અને પ્રભુ જવરસિંગ બધેલ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોની અટકાયત કરી એલસીબી કચેરીએ પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં આ શખ્સોએ રૂ. ૧ લાખ ૬ હજાર રોકડા, બે મોબાઈલ અને રૂ. ૧ર લાખની અર્ટીગા મોટર કાઢી આપી હતી. સઘન બનાવાયેલી પૂછપરછમાં આ શખ્સોએ હાલમાં ૨૭ ગુન્હાની કબૂલાત આપી છે.
એલસીબી સમક્ષ પોપટ બની ગયેલા ત્રણેય શખ્સે જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના ઘોટીયાદેવ ગામના રાજુ ઉર્ફે ગુડીયા તથા તેના ભાઈ દીપક અને પ્રભુ બધેલે અન્ય બાર સાગરિતને સાથે રાખી છેલ્લા બેએક વર્ષમાં જામનગરની ઉપરોક્ત ચોરી ઉપરાંત કાલાવડના નિકાવા, સિક્કાની ટીપીએસ કોલોની અને જામનગર એરફોર્સ સ્ટેશનની દીવાલ ટપી બંધ મકાનના નકૂચા તોડી કુલ ૯ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપવા ઉપરાંત ભૂજ, પ્રાગપર, માનકૂવા, ગાંધીગ્રામ, માનપર માધાપર તેમજ રાજકોટના પ્ર.નગર, ગાંધીગ્રામ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બાધ પોલીસ સ્ટેશન ઉપરાંત ઈન્દૌરના ચંદનનગર, છત્રીપુર, ગંધવાની પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત આપી છે અને થોડા દિવસ પહેલાં ખંભાળિયા તાલુકાના વાડીનારમાં બે સોસાયટીમાં ચોરીઓ કર્યાની વિગતો ઓકી નાખી છે.
આ શખ્સોના સાગરિત સંજય ભંવરસિંગ પંચાલ, અનિલ ગુમાન મકવાણા, રામસિંગ કાલુસિંગ અજનારી, સુખરામ, દિનેશ અલાવા, જીતેન્દ્ર, સંતોષ, રાહુલ બધેલ, વિશાલ મંડલોઈ, પ્રદીપ, રાજુ ઉર્ફે કેકડે બધેલ, લાલુ ઈન્દ્રસિંગ મંડલોઈની એલસીબીએ શોધ શરૂ કરી છે. એલસીબીએ મોટર તેમજ રોકડ, મોબાઈલ મળી કુલ રૂ. ૧૩ લાખ ૧૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
આ ગેંગના મુખ્ય સૂત્રધાર રાજુ ઉર્ફે ગુડીયાએ ૧૫થી વધુ સાગરિતોની ગેંગ બનાવી લૂંટ, ધાડ, અપહરણ, ઘરફોડ ચોરી, વાહન ચોરી જેવા ગુન્હાઓ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં આચર્યા છે. આ શખ્સોએ સોના-ચાંદીના રૂ. ૪૦ લાખના દાગીના, રૂપિયા સાતેક લાખ રોકડા, લેપટોપ તથા મોટરસાયકલ મળી રૂપિયા ત્રણેક લાખની લૂંટ વગેરે મળી અત્યાર સુધીમાં રૂપિયા પચ્ચાસેક લાખથી વધુની રકમ ગુન્હાઓ આચરી મેળવી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે, આ ટોળકી એરફોર્સ, આર્મી જેવા સિક્યોર્ડ એરિયા ઉપરાંત જે સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ હોય તેવી સોસાયટી ચોરી માટે પસંદ કરતી હતી. તે ઉપરાંત પોશ એરિયામાં પણ આ ટોળકીને ચોરી કરવાનું વધુ સવલતભર્યું લાગી રહ્યું હતું. જે સ્થળે ચોરી કરવાની હોય ત્યાં ત્રણથી ચાર સાગરિતો પ્લાન સાથે પહોંચી જતા હતા અને ચોરીને અંજામ આપી રફૂચક્કર થઈ જતાં હતા. આ આરોપીઓ સામે ધાર જિલ્લાના બાધ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મનો ગુન્હો પણ વર્ષ ૨૦૧૯માં નોંધાયેલો છે. આ ટોળકી રાત્રિના સમયે બંધ મકાનના તાળા ગણેશીયા કે ડીસમીસ વડે તોડી નાખતા હતા અને તેમાં હથોડી, પક્કડ વગેરેનો પણ ઉપયોગ કરતા હતા. આ ટોળકીના અન્ય સાગરિતોની શોધ કરવામાં આવી રહી છે.
આંતરરાજ્ય લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, અપહરણ, વાહન ચોરી જેવા ગુન્હા આચરનાર આ ટોળકીને પકડી પાડનાર એલસીબી ટીમને એસપી પ્રેમસુખ ડેલુએ અભિનંદન આપવા ઉપરાંત રૂ. પ હજારનું ઈનામ પણ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial