Advertisement
Author: નોબત સમાચાર

બ્રિટનમાં સંસદની ચૂંટણી માટે મતદાન શરૂ

પી.એમ. ઋષિ સુનક અને કીર સ્ટાર્મર વચ્ચે સ્પર્ધા

લંડન તા. ૪: બ્રિટનની સંસદની જનરલ ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે, જે ભારતીય સમય મુજબ રાત્રિના અઢી વાગ્યા સુધી મતદાન ચાલશે. હાલના વડાપ્રધાન ઋષિ સુનક અને વિપક્ષના કીર સ્ટાર્મર વચ્ચે મુકાબલો છે.

બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ભારતીય મૂળના ઋષિ સુનક અને લેબર પાર્ટીના કીર સ્ટારમર વડાપ્રધાન પદ માટે એકબીજાની સામે છે. આજે પ કરોડ મતદારો આગામી પ વર્ષ માટે બ્રિટનનું ભવિષ્ય નક્કી કરવા માટે સાંસદોને ચૂંટશે. પીએમ સુનકે રર મેના રોજ દેશમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતા ૬ મહિના પહેલા યોજાઈ રહી છે.

બ્રિટનમાં મતદાન ભારતીય સમય મુજબ ૧૧.૩૦ વાગ્યે પ્રારંભ થયો છે. જે રાત્રે ૧૦ વાગ્યે (ભારતીય સમય મુજબ ર.૩૦ વાગ્યે) સમાપ્ત થશે. બ્રિટનમાં બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે. બ્રિટનના નાગરિકો જ નહીં પરંતુ યુકેમાં રહેતા કોમનવેલ્થ દેશોના નાગરિકો જેમ કે ભારતીય, પાકિસ્તાની, ઓસ્ટ્રેલિયન પણ બ્રિટિશ ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

મતદાન પુરૃં થયા પછી તરત જ વિવિધ મીડિયા હાઉસ એક્ઝિટ પોલ આપવાનું શરૂ કરશે. દેશના મતદાન મથકો પર આખી રાત મત ગણતરી ચાલશે. આ પછી, પ જુલાઈ ના વહેલી સવારે, તે સ્પષ્ટ થઈ જશે કે ચૂંટણીમાં કયો પક્ષ જીત્યો.

૧૪ વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહેલી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને ચૂંટણીમાં હારતી દેખાઈ રહી છે. ચૂંટણી પહેલા કરવામાં આવેલા વિવિધ સર્વેમાં વિપક્ષી લેબર પાર્ટીને બહુમતી મળતી દર્શાવવામાં આવી છે.

ર૦૧૯માં ૬૭.૩ ટકા મતદાન થયું હતું. ત્યારબાદ સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૬પ સીટો, કીર સ્ટારમરની લેબર પાર્ટીને ર૦ર સીટો અને લિબરલ ડેમોક્રેટ્સને ૧૧ સીટો મળી હતી. આ વખતે લગભગ તમામ સર્વેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આગાહી કરવામાં આવી છે. યુ ગોવના સર્વે અનુસાર, લેબર પાર્ટીને ૪રપ બેઠકો, કન્ઝર્વેટિવને ૧૦૮ બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સને ૬૭ બેઠકમો અને એસએનપીને ર૦ બેઠકો મળી શકે છે.

બ્રિટિશ રાજકારણમાં ભારતીય મૂળના સૌથી યુવા અને પ્રથમ વડાપ્રધાન ઋષિ સુનકની લોકપ્રિયતામાં ઘટાડાનું સૌથી મોટું કારણ ત્યાંનું અર્થતંત્ર રહ્યું છે. વાસ્તવમાં પોતાના દોઢ વર્ષના કાર્યકાળમાં સુનક અર્થતંત્રને પાટા પર લાવવામાં નિષ્ફળ રહ્યા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર દેશમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

જેના કારણે લોકોનું જીવનધોરણ ઘટી ગયું છે. ૬.૭૦ કરોડની વસ્તીવાળા બ્રિટનમાં માથાદીઠ આવક ૩૮.પ લાખ રૂપિયા છે. અહીં ફુગાવાનો દર ર ટકા છે. જ્યારે ખાદ્ય ફુગાવાનો દર ૧.૭ ટકા છે. બ્રિટનના ૭૦ વર્ષના ઈતિહાસમાં ટેકસના દર સૌથી વધુ છે. સરકાર પાસે જનતા પર ખર્ચ કરવા માટે પૈસા નથી. જેના કારણે જનસેવા વ્યવસ્થા ઠપ્પ થઈ રહી છે.

બ્રિટનમાં સામાન્ય ચૂંટણીને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન છે. તેઓ એવા સમયે પીએમ બન્યા જ્યારે બ્રેક્ઝિટ અને રંગભેદ પછી બ્રિટનની અર્થવ્યવસ્થા ડગમગી રહી હતી અને ત્યાં આસમાની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. લાખો દાવાઓ છતાં આજે પણ બ્રિટનમાં આવી પરિસ્થિતિઓમાં બહુ બદલાવ આવ્યો નથી.

વર્ષ-ર૦ર૪ માં યુકેની ચૂંટણીઓને સામાન્ય ભારતીયોના પરીપ્રેક્ષ્યમાં જોઈએ તો જાતિવાદના કારણે ભેદભાવનો ભોગ બનેલા લોકો માટે, પછી તે કન્ઝર્વેટિવ હોય કે લેબર કે અન્ય તમામ પક્ષો માટે આ વખતે એકમાત્ર રાહતના સમાચાર છે., ૧૦૭ દેશી (ભારતીય મૂળ) ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

યુકેની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં કુલ ૬પ૦ બેઠકો છે. બહુમતીનો આંકડો ૩ર૬ છે. આઉટગોઈંગ સંસદમાં ભારતીય મૂળના ૧પ સાંસદો છે. મુખ્ય મુકાબલો પીએમ ઋષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટી વચ્ચે છે. અહીં બહુમતનો આંકડો ૩ર૬ છે. બ્રિટનમાં લગભગ પ કરોડ મતદારો છે. અહીં ભારતીય મૂળના ૩૭.૩ લાખ લોકો રહે છે. અત્યારે કન્ઝર્વેટિવ પાર્ટી પાસે ૩૪૪ અને લેબર પાર્ટી પાસે ર૦પ બેઠકો છે.

બ્રિટનના પડોશી દેશો આયર્લેન્ડના વડાપ્રધાન લીઓ વરાડકર પણ ભારતીય મૂળના છે પરંતુ તેઓને ભારત તરફી ગણવામાં આવતા નથી. સુનકને પણ આ જ લાગુ પડે છે. એક સમયે લગભગ ર૦૦ વર્ષ સુધી અડધાથી વધુ વિશ્વ પર શાસન કરતી બ્રિટિશ સંસદમાં હવે એક મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. આ વખતે ૧૦૭ ભારતીય ચૂંટણી લડી રહ્યા છે, જો તેમાંથી અડધા પણ જીતી જાય તો બ્રિટિશ સંસદમાં ભારતીયોનો દબદબો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh