Advertisement
Author: નોબત સમાચાર

દેશના વિવિધ રાજ્યોમાં ગરમીના પ્રકોપ સાથે ભારે વરસાદની આગાહીઃ રેડ એલર્ટ

૧૬ વર્ષમાં પહેલી વખત ચોમાસું અઠવાડિયુ વહેલુઃ કેરળમાં ચોમાસાની એન્ટ્રી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૪: આ વર્ષે નિર્ધારિત તારીખથી એક અઠવાડિયુ વહેલુ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આવું ૧૬ વર્ષમાં પહેલી વખત બન્યું છે. હવામાન ખાતાએ દેશના વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે, અને કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કેરળમાં આજે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. એ એના નિર્ધારિત સમય ૧ જૂનથી ૮ દિવસ વહેલું કેરળ પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૬ વર્ષમાં આ પહેલીવાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું. વર્ષ ૨૦૨૪માં ૩૦ મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું.

છેલ્લા ચાર દિવસથી દેશથી લગભગ ૪૦-૫૦ કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું. શનિવાર કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને આવરી લેશે એવી શક્યતા છે. ૪ જૂન સુધીમાં એ મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચશે.

હવામાન વિભાગે આ માટે આજે બે પ્રકારનાં રેડ એલર્ટ જારી કર્યાં છે. પહેલું ભારે વરસાદનું છે, બીજું ભીષણ ગરમીનું છે. દેશના પશ્ચિમ કિનારા (ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ) પર ૨૪ કલાકમાં ૨૦૦ મિમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકવાની શક્યતાને કારણે ૨૭ મે સુધી રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં રેડ એલર્ટ છે. શુક્રવારે જેસલમેરમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી હતું. આજે એમાં વધુ વધારો થઈ શકે છે. આજે ૨ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, ૭ જિલ્લામાં ઓરેન્જ અને ૨ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

શનિવારે હવામાન વિભાગે દેશના કુલ ૨૮ રાજ્યમાં વાવાઝોડા અને વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૩ દિવસમાં વાવાઝોડા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક ૬૦ પર પહોંચી ગયો છે. વરસાદને કારણે લખનઉ અને દિલ્હી વચ્ચેની ૪ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આઈએમડીના ડેટા અનુસાર, છેલ્લાં ૧૫૦ વર્ષમાં, કેરળમાં ચોમાસાના આગમનની તારીખો ઘણી અલગ રહી છે.૧૯૧૮માં ચોમાસું સૌથી પહેલા ૧૧ મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જ્યારે ૧૯૭૨માં સૌથી મોડું ૧૮ જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું.

હવામાન વિભાગે એપ્રિલમાં કહૃાું હતું કે ૨૦૨૫ના ચોમાસા દરમિયાન, એટલે કે આ વર્ષે અલ નિનોની કોઈ શક્યતા નથી. સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ઓછો વરસાદ થવાની શક્યતા લગભગ નથી. ૨૦૨૩માં અલ નિનો સક્રિય હતું, જેના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં ૬ ટકા ઓછો વરસાદ પડ્યો હતો.

કેરળમાં માછીમારી પર પ્રતિબંધ હવામાન વિભાગે કેરળના દરિયાકાંઠાના અને આંતરિક વિસ્તારોમાં ભારે વાવાઝોડાની ચેતવણી આપી છે. માછીમારો સહિત સામાન્ય લોકોને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. ૨૩થી ૨૭ મે સુધી કેરળ-કર્ણાટક-લક્ષદ્વીપ દરિયાકાંઠે માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન આકરો તડકો રહે છે, જોકે રાત્રે હવામાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગે મોડી સાંજે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યાં ભેજવાળી ગરમી લોકોને પરેશાન કરી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદ અને ભારે પવનથી થોડી રાહત મળી શકે છે, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીની લહેર ચાલુ રહેશે. શુક્રવારે પણ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહૃાું. બિહારના પટણા સહિત ઘણા વિસ્તારોમાં ભેજવાળી ગરમી અનુભવાશે, પરંતુ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય.

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી વચ્ચે, કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. શાહપુરા (ભીલવાડા) માં સૌથી વધુ ૩૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૮ ડિગ્રી વધારે છે. આગામી દિવસોમાં પણ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh