Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા તરૂણનું હૃદયરોગના હુમલાથી મૃત્યુઃ પરિવાર સ્તબ્ધ

કબડ્ડીની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે કરતા હતા તૈયારીઃ પરિવાર પર બીજીવાર ત્રાટકી વીજળીઃ

જામનગર તા. ૨૬: જામનગરના આહિર વિદ્યાર્થી ભવનમાં ગઈકાલે સવારે દોડવાની પ્રેક્ટિસ કરી રહેલા એક તરૂણને મેદાનમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નિષ્પ્રાણ દેહને નિહાળી તેમના પિતા તથા નાના બહેન દિગ્મુઢ બની ગયા હતા. આ તરૂણ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા. સદ્ગતના મોટાભાઈનું પણ ચારેક વર્ષ પહેલાં વીજ આંચકાથી મૃત્યુ નિપજ્યા પછી તેમના પરિવારને ટૂંકા ગાળામાં બીજો આંચકો થરથરાવી ગયો છે.

જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી અંબર ટોકિઝ સામેના ભાગમાં આહિર વિદ્યાર્થી ભવનમાં રહી ધો.૧૨માં અભ્યાસ કરતા મૂળ લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામના જય હેમતભાઈ જોગલ નામના તરૂણ ગઈકાલે સવારે સાડા પાંચેક વાગ્યે વિદ્યાર્થી ભવનના પટાંગણમાં રનીંગની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે અચાનક જ હૃદયમાં દુખાવો ઉપડતા મેદાનમાં જ ઢળી પડ્યા હતા અને ગણતરીની સેકંડોમાં મોતને શરણ થયા હતા.

આ તરૂણની સાથે રનીંગ કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતા વિદ્યાર્થી ભવનમાં હાજર વ્યક્તિઓ દોડી ગયા હતા. તે તરૂણને મૃત્યુ પામેલા જાહેર કરાતા જામનગરના આહિર અગ્રણી અને જાણીતા એડવોકેટ તેમજ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીગણના વી.એચ. કનારા સહિતના અગ્રણીઓને જાણ કરવામાં આવી હતી.

આ યુવાનની અંતિમયાત્રા ગઈકાલે તેમના ગામ મોટા ભરૂડિયામાં રાખવામાં આવી હતી. જેમાં અશ્રુનો દરિયો વહ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ હાલમાં મોટા ભરૂડિયા ગામમાં સરપંચ તરીકે સેવા આપતા હેમતભાઈ જોગલના નાના પુત્ર એવા જયભાઈ હાલમાં કબડ્ડીની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હતા અને તેના ભાગરૂપે આ યુવાન તૈયારી કરતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી ગયો હતો.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ તરૂણના પિતા હેમતભાઈ જોગલને ત્રણ સંતાન છે જેમાંથી મોટા પુત્ર પાંચેક વર્ષ પહેલાં આર્મીમાં ભરતી થવા માટે મહેનત કરતા હતા તેઓ ભરતીમાં પહોંચ્યા પણ હતા જ્યાં તેમની ઉંમર ઘટતા સિલેક્શન થયું ન હતું. ત્યારપછી આ યુવાન ખાનગી નોકરીમાં જોડાયા હતા અને તેઓનું પણ ચારેક વર્ષ પહેલાં વીજ આંચકો લાગતા કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારપછી નાના પુત્ર જયભાઈ હાલમાં ધો.૧રમાં અભ્યાસ કરતા હતા. તેઓ ચાલુ વર્ષે જ જામનગર સ્થિત આહિર વિદ્યાર્થી ભવનમાં રહેવા માટે આવ્યા હતા. આ તરૂણ તાલુકા કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ઉત્તમ ક્રમાંક મેળવ્યા પછી જિલ્લાકક્ષા એ પણ નંબર મેળવી ચૂક્યા હતા. હાલમાં તેઓ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે કમર કસી રહ્યા હતા. તેની તૈયારીના ભાગરૂપે ગઈકાલે સવારે તેઓ નિત્યક્રમ મુજબ ઉઠ્યા પછી વિદ્યાર્થી ભવનના મેદાનમાં ૧૦ રાઉન્ડ મારવા માટે દોડી રહ્યા હતા જેના ત્રીજા રાઉન્ડમાં આ તરૂણ છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા.

તેમના નિધન પછી દેહને મોટા ભરૂડિયા લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના પિતા  અને નાના બહેન દિગ્મુઢ બની ગયા હતા. તરૂણ વયના વ્યક્તિઓમાં વધતા જતાં હૃદયરોગના પ્રમાણે વધુ એક વખત વાલી વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh