Advertisement
Author: નોબત સમાચાર

દેશનો વિકાસ, જનતાની સુખાકારીના મુદ્દાને બદલે સામસામા આક્ષેપો સાથેનું પ્રચાર યુદ્ધ

લોકસભાની ચૂંટણીઃ

જામનગર તા. ર૯: ભારતના રાજકારણમાં ચૂંટણીઓ સમયે લોકશાહી ઢબે પ્રચાર કરવો, આચારસંહિતાના નિયમોનું પાલન કરવું, ધર્મ-જાતિ-જ્ઞાતિનો ઉલ્લેખ ન કરવો, વ્યક્તિગતરીતે કોઈ ઉપર આક્ષેપ ન કરવા કે નિવેદન નહીં કરવા જેવા મુદ્દાઓનો રીતસર છેદ ઊડી રહ્યો છે! રાજકીય પક્ષોના નેતાઓ કે રાજકીય પક્ષો વિરૂદ્ધ નગણ્ય જેવા પગલાં લેવાય છે અને આવી હરકતો સતત ચાલુ રહે છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોઈ સમાજ કે જ્ઞાતિ સમુદાય વિશે ટીપ્પણીઓ કરવાની જાણે હોડ લાગી હોય તેમ દે ધનાધન પ્રચારસભાઓમાં આડેધડ નિવેદનો-ભાષણો થઈ રહ્યા છે.

નવાઈની વાત એ છે કે ભારતના આગામી પાંચ વર્ષનું ભાવિ જેમણે નક્કી કરવાનું છે તેવા રાજકીય પક્ષો/નેતાઓ દેશની જનતાની સુખાકારી, માોંઘવારી, બોરજગારી જેવા મુદ્દાના બદલે, ભારત દેશના વિકાસ માટે વાતો બહું થોડી કરે છે, પણ બસ... સામસામા આક્ષેપો, નિવેદનો, વાંધાજનક કહી શકાય તેવી ટીપ્પણીઓ, ભાષણો કરવામાં જ વ્યસ્ત છે. સમગ્ર ચૂંટણી પ્રચાર અત્યારે દેશના વિકાસ, જનતાની સુખાકારીના મુદ્દાને સાઈડમાં રાખીને એકબીજાને હલકા પાડવામાં/દેખાડવામાં થઈ રહ્યો હોય તેમ જણાય છે.

સમગ્ર દેશમાં એસટી, એસસી, ઓબીસીના મુદ્દે, મુસ્લિમ અનામતના મુદ્દે જાતિગત જનગણના મુદ્દે રાજકીય પક્ષોના નેતાઓમાં જબરદસ્ત પ્રચારયુદ્ધ ચાલી રહ્યું છે. પરિણામે ચૂંટણીનો માહોલ ભલે ગરમાયો હોય, પણ કેટલાક પ્રદેશોમાં અશાંત વાતાવરણ પણ સર્જાયું છે, જે તંદુરસ્ત રીતે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં લોકો નિડર બનીને મોકળા મને મતદાન કરે તેવી સ્થિતિ દૂર થઈ રહે છે!

આવા પ્રચારમાં કોને ફાયદો/ગેરકાફયદો થઈ રહ્યો છે તે સૌ કોઈ જાણે જ છે, કારણ કે હાલના મીડિયામાં પછી તે ઈલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા, જેમાં વિપક્ષના નિવેદનો કે પ્રચારને બહુ જાજું કવરેજ આપવામાં આવતું નથી અથવા ન મળે તેવી ગોઠવણો થતી હોય છે!

રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પક્ષ પાસે સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્રભાઈ મોદી જેવા અતિ લોકપ્રિય વક્તા છે. આ ઉપરાંત અમિતભાઈ શાહ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, જે.પી. નડ્ડા, રાજનાથસિંહ જેવા વક્તાઓનો કાફલો છે. આ વક્તવ્યોના ભાષણો ચોક્કસપણે આમજનતામાં અસરકારક બનતા હોય છે. જે છેલ્લી ચૂંટણીઓમાં અનુભવ્યું છે, જ્યારે સામા પક્ષે વિપક્ષોમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓની ફોજ છે અને તેમના ભાષણો અને પ્રચાર પણ અસરકારક છે જ, પરંતુ તેનો અવાજ આમજનતા સુધી પહોંચાડવામાં મીડિયાનો ભાજપ જેવો સાથ મળતો નથી તે હકીકત છે. પરિણામે ભાજપનો પ્રચાર હંમેશાં બળુકો પૂરવાર થઈ રહ્યો છે, અને ભાજપના નેતાઓની નજર સતત વિપક્ષના નેતા શું બોલે છે તેના પર જ મંડરાયેલી હોય છે. બસ... ત્યારપછી તો અગાઉ ઉલ્લેખ કર્યો તેમ દેશનો વિકાસ, દેશની જનતાની સુખાકારી... બધું બાજુમાં રહી ગયું છે અને બસ... સામસામા આક્ષેપો, ખુલાસાનો જ પ્રચાર થાય છે.

આવી પરિસ્થિતિમાં ક્યાંક કોઈ સમાજ કે જ્ઞાતિ સમુદાયમાં અસંતોષ-રોષ ફેલાઈ રહ્યો છે, અને પરિણામે ચૂંટણી ટાણે જ વાતાવરણ ડહોળાઈ રહ્યું હોય તેવું લાગે છે. આમાં કોઈ રાજકીય પક્ષમાં ન હોય અને સામાન્ય માનવી તરીકે જિંદગી ગુજારતા મતદારોની હાલત દર વખતની ચૂંટણીની જેમ કફોડી થઈ જાય છે તે પણ હકીકત છે.

ઉનાળાની ગરમીનું કારણ નથી, પણ આવા પ્રચાર યુદ્ધ અને છેલ્લા થોડા વરસોમાં લાભ  ખાતર થઈ રહેલા પક્ષપલટાઓના કારણે મતદાન ઓછું થઈ રહ્યું છે અને મતદારો, બુદ્ધિજીવીઓ, શાંતિપ્રિય લોકોનો સમૂહ મતદાન કરવામાં ઉદાસીન થઈ રહ્યો છે. આ સ્થિતિ ભારત જેવા વિશાળ લોકશાહી રાષ્ટ્ર માટે ખરેખર ચિંતાજનક છે... રાજકીય પંડિતો, દેશના શાસકો સહિત સૌ કોઈએ વિચારવાનો સમય પાકી ગયો છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh