Advertisement
Author: નોબત સમાચાર

રૂપાલાના વિરોધમાં ભાજપને હરાવોઃ રાહુલના મુદ્દે સાતમી પછી જોઈશું!: સમિતિ

રાજા-રજવાડાના મુદ્દે રૂપાલા પછી રાહુલ ગાંધી ઘેરાયાઃ

અમદાવાદ તા. ર૯: રાજા-રજવાડા જમીનો છીનવી લેતા હતાં તેવા મતલબના રાહુલ ગાંધીના નિવેદન પછી રૂપાલાના મુદ્દે ક્ષત્રિયોનો સામનો કરી રહેલા ભાજપને ઢાલ મળી ગઈ અને ક્ષત્રિયોનો આક્રોશ ભાજપ ઉપરાંત કોંગ્રેસના વિરોધમાં પણ આક્રમક બને તો અન્ય પક્ષો, અપક્ષોને રાજકીય ફાયદો થાય, તેવા ગણિત મંડાયા, પરંતુ ગઈકાલે થોડા જ કલાકોમાં આ પ્રકારના અનુમાનો ખોટા ઠર્યા અને તેવા સપના જોનારાઓના સપનાઓની હવા નીકળી ગઈ.

રાહુલ ગાંધીએ તો દમણમાં પ્રફુલ પટેલના સંદર્ભે કદાચ આ નિવેદન કર્યું અને વર્તમાન શાસક-પ્રશાસકોને ભૂતકાળમાં રજવાડાઓ સાથે સરખાવ્યા, પરંતુ તેના કારણે હવે કોંગ્રેસ સામે પણ ક્ષત્રિયોનો વિરોધ પ્રગટે તેવી સ્થિતિ ઊભી થઈ, અને કમ-સે-કમ રૂપાલાના વિરોધમાં કોંગ્રેસને મતદાન કરવાની થતી કથિત અપીલો બંધ થઈ જાય, તેવો માહોલ સર્જાયો હતો.

તે પછી ગઈકાલે જ ક્ષત્રિયોનું આંદોલન ચલાવી રહેલી સંકલન સમિતિએ કહ્યું, કે ભાજપ જેને પપ્પુ કહે છે, તે રાહુલ ગાંધીને મહત્ત્વ આપીને ભટકી જવાનું નથી અને તે મુદ્દે ગુજરાતમાં મતદાન થઈ જાય તે પછી (સાતમી મે પછી) વિચારી શકાય છે. અત્યારે મુદ્દાથી ભટકવાનું નથી.

સંકલન સમિતિના આ પ્રકારના નિવેદનો મીડિયામાં તો આવ્યા, પરંતુ તેની અસરો સમાજમાં કેટલી થઈ હશે, તેની અટકળો વચ્ચે કેટલાક રાજવી પરિવાર તથા રાજકુંવરો તરફથી રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં પણ નવા નિવેદનો આવ્યા, અને રાહુલ ગાંધીનો અલગ સંદર્ભ હતો, તેવી ચોખવટ પણ પ્રદેશ પ્રમુખે કરી.

બીજી તરફ પદ્મીનીબા  વાળાએ રાહુલ ગાંધીએ પણ માફી માંગી જ જોઈએ, તેમ જણાવીને રૂપાલા વિરોધી આંદોલન હવે રાજકીય બની રહ્યું હોવાના ગર્ભિત શબ્દપ્રયોગો કર્યા પછી હવે એવું લાગે છે કે, આ મુદ્દે રાહુલ ગાંધીની સંભવિત ચોખવટ અને સમિતિના હવે પછીના વલણ પર આગામી સ્થિતિનો આધાર રહેવાનો છે, જો કે રાહુલ ગાંધીના નિવેદનના વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે, અને તેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું હોવાનું પણ કહેવાય છે. ત્યારે આ સમગ્ર મુદ્દો હવે પૂરેપૂરો રાજકીય બન્યો છે, અને તેની વિપરીત અસરો મતદાન પર પડ્યા વિના રહેવાની નથી, તે લગભગ નક્કી જણાય છે.

એવો તર્ક પણ રજૂ થઈ રહ્યો છે કે, રૂપાલા અને રાહુલના નિવેદનો રાજા-રજવાડાની વિરૂદ્ધમાં છે, પરંતુ રૂપાલાએ કરેલા નિવેદન પછી અસ્મિતાનો સવાલ ઊભો થયો છે. બીજીતરફ ક્ષત્રિય સમાજના રૂપાલા કે રાહુલ ગાંધીના નિવેદનો સાથે રાજકારણને કોઈ લેવાદેવા નથી તેવું માનનારો એક વર્ગ પણ છે.

ગઈકાલના ઘટનાક્રમો અને પ્રદેશ ભાજપની કવાયત તથા રાહુલ ગાંધીના નિવેદન પછી કોંગ્રેસ સામે પણ આક્રોશ ઊભો થતા ભાજપને મળેલી થોડી રાહત મળી હોવા છતાં આ મુદ્દો મતદાન સુધી એટલે કે ૭ મે સુધી તો જાગતો જ રહેવાનો છે, પરંતુ તે પછી પણ રાજા-રજવાડાઓના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામે ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ પડઘા પડી શકે છે, તેવું માનનારો એક વર્ગ પણ છે.

જો કે, આ તમામ મુદ્દાઓ વચ્ચે આજે જે કાંઈ બની રહ્યું છે, નિવેદનો આવી રહ્યા છે, અને બેક-ધ-ડોર પ્રયાસો થઈ રહ્યા છે, તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન કાંઈક નવાજુની થાય કે પછી ઘી ના ઠામમાં ઘી પડી રહે, તેવા પ્રયાસો થાય, તેવા એંધાણ મળી રહ્યા છે.

શું કહે છે જન પ્રત્યાઘાતો?

રૂપાલા પછી રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદન પછી મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે. કોઈ રાજપૂત નેતાએ કહ્યું હોય કે રાહુલ ગાંધીને ભાજપ પપ્પુ કહે છે, અને તેનું નિવેદન રૂપાલા જેવું ગંભીર નથી, તેની સામે એવી દલીલ થઈ રહી છે કે જો ભાજપ રાહુલ ગાંધીને પપ્પુ કહેતો હોય તો તે આપણે (સમિતિએ) આ માટે સ્વીકારવું જોઈએ? અને જો પપ્પુ જ હોય તો રાહુલ ગાંધીના પક્ષ તરફી મતદાનની અપીલો કે પ્રયાસ શા માટે કરવો જોઈએ? ઘણાં લોકો એવું કહે છે કે રાહુલ ગાંધીએ જુદા સંદર્ભમાં વાત કરી હતી અને તેની રજવાડાઓ વિરૂદ્ધનું નિવેદન રૂપાલાના નિવેદન જેટલું ગંભીર નથી, અને પ્રચંડ વિરોધ છતાં રૂપાલાને હટાવ્યા નહીં, તેથી ભાજપ પણ જવાબદાર ગણાય, જો કે. એવો સૂર પણ ઊઠી રહ્યો છે કે રૂપાલાને નફરત કરવા જતા પી.એમ. નરેન્દ્ર મોદીને અન્યાય થઈ ન જાય, તે પણ જોવું પડે, કારણ કે તેઓએ દેશ માટે ઘણું કામ કર્યું છે. આ આખો વિવાદ જ રાજકીય હોવાનું માનનારો એક વર્ગ છે, તો ઘણાં લોકો આ પ્રકારના નિવેદનો કરનારને સબક મળે, તે જરૂરી હોવાની વાત પણ કરી રહ્યા છે. જોઈએ, શું થાય છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh