Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા પંથકમાં ભારે વરસાદથી અનેક ગામો જળમગ્નઃ પાનેલીમાં હેલિકોપ્ટર બોલાવાયું: હાલારમાં આજે રેડ એલર્ટ
જામનગર તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ આજે ચાર કલાકમાં ૧૧ ઈંચ જેટલો ભારે વરસાદ થતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ જવા પામ્યો છે. તો તંત્રની દોડધામ વધી જવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપર આ મોસમમાં મેઘરાજા વધુ મહેરબાન થઈ રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા રર ઈંચ જેટલો અતિભારે વરસાદ દ્વારકા પંથકમાં પડ્યો હતો, જે પાણી હજુ કેટલાક સ્થળે ઓસર્યો નથી. જ્યાં હવે મેઘરાજાએ આજે જિલ્લાના કલ્યાણપુરની પસંદગી કરી હોય તેમ માત્ર ચાર કલાકમાં ૧૧ ઈંચ જેટલો વરસાદ થયો છે.
જામકલ્યાણપુર પંથકમાં થયેલા વ્યાપક વરસાદના કારણે અસંખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.
દ્વારકામાં શુક્રવારે ૧પ ઈંચ વરસાદ પછી શનિવારે ૭ ઈંચ પછી ગઈકાલે ગુરુપૂર્ણિમાના મેઘરાજાએ હાજરી આપી હતી. આ પછી આજે સવારે પાંચ ઈંચ વરસાદ થયો હતો. આથી એવું જોવા મળે છે કે હવે આ પંથકમાં આર્થિક ફટકો પડશે અને ખેતરોમાં પાણી નદી ઓસરતા લીલા દુષ્કાળની સ્થિતિ સેવાઈ રહી છે.
છેલ્લા ચાર દિવસથી પાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી ચાલે છે. નગરના માર્ગો પાણીથી ઉભરાઈ ગયા છે. નિચાણવાળા વિસ્તારોમાં રેલવે સ્ટેશન, આવળપરા, જલારામનગર, અને ઘનશ્યાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેની અસર સામાન્ય જનજીવન ઉપર પડી છે. આજે પણ દ્વારકાધીશ મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી.
પરંતુ ધ્વજાજીનું આરોહણ સમયસર કરવામાં આવ્યું હતું. રાજાશાહી વખતના તળાવો છલકાય છે. ડેમમાં પાણી વધતા ભીમગજા તથા મીઠાખારી ડેમ ઓવરફલો થયા છે.
આ ડેમ નજીકના વિસ્તારો જેવા કે નાગેશ્વર, ગોપી, મૂળવાસર, મૂળવેલ, ખંતુબા, ટુપણી સહિતના ગામમાં હાલત કફોડી બની છે. ઉપરાંત તાલુકાના પોસીત્રા ગામ જે દરિયા કિનારે આવેલ છે તેમજ વિસ્તારમાં મીઠાના અગરો હોવાથી તેમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી આ ગામનો રસ્તો બંધ છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નહીં હોવાથી ગ્રામજનો ફસાયા છે.
આજે સવારથી બપોર સુધીમાં દ્વારકામાં વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. જ્યારે બપોરે જામનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભાટીયાના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે સમગ્ર પંથકમાં વ્યાપક વરસાદથી વ્યાપક નુકસાનીનો અંદાજ છે. પાનેલી ગામે ત્રણ જતા નદીના પ્રવાહમાં તણાયા હતાં. જેમને એનડીઆરએફ દ્વારા તેમને બચાવી લેવાની કામગીરી ચાલી રહી છે.
જામરાવલમાં સવારથી અવિરત પણે મેઘરાજા સૂપડાધારે વરસી રહ્યા છે અને બેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ટંકારીયા ગામમાં ૧૩ ઈંચ વરસાદથી આભ ફાટ્યું છે, કેડ સમા પાણી ચોતરફ ફરી વળ્યા છે. પાણીના કારણે એનડીઆરએફની ટીમને પહોંચવા પણ મુશ્કેલી નડી રહી છે.
ભાટીયા, નંદાણા, ભોગાતમાં ૬ ઈંચ વરસાદથી નીચાણવાળા ઘર-મકાનમાં-દુકાનમાં પાણી ભરાયા છે. ભાટીયાના સ્મશાનનો કચરઘાણ નિકળી ગયો છે. મેવાસા-વિરપુર આસોટા, રાણ-લીંબડી, મહાદેવીયા, સહિતના માઈનિંગ વિસ્તારમાં ભારે વરસાદથી કામકાજ બંધ થઈ ગયું છે.
મીઠાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે. આથી મીઠાપુર-સુરજકરાડી પંથકમાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
કલ્યાણપુર પંથકમાં થયેલા મેઘ તાંડવમા પાનેલી પાસે ચાર વ્યક્તિઓ પાણી વચ્ચે ફસાયા છે. તેમને ઉગારવા માટે હેલીકોપ્ટર બોલાવવામાં આવ્યા છે. તો ટંકારીયા અને કેશવપુરમાં ચાર-ચાર વ્યક્તિઓ ફસાતા તેને બચાવાયા છે પરંતુ એનડીઆરએફની ટીમ હવે કેનેડી પાસે પાણીમાં ફસાઈ તે હવે બોટ મારફત પરત ફરે તેવી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial