Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ના હોદ્દેદારોના બદલે કલેક્ટરને રજૂઆત કરાઈઃ
ઓખા તા. ૨૨: ઓખામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે નિર્માણ થયેલી પુર જેવી પરિસ્થિતિમાં લોકોને પડેલી હાલાકી પછી દવાના છંટકાવ, વરસાદી પાણીના નિકાલ જેવી કામગીરી માટે નગરપાલિકાને રજૂઆતના બદલે કલેક્ટરને ઓખા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ રજૂઆત કરતા ચકચાર જાગી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ ૫હેલાં અતિવૃષ્ટિના કારણે ઓખામાં પણ પૂર જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દરમ્યાન ઓખા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા ઓખામાં વરસાદી પાણીના નિકાલ, ફોગીંગ તથા દવાનાં છંટકાવ વગેરે કામગીરી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા અંદરખાનાની હુંસાતૂંસી સામે આવી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઓખા નગરપાલિકામાં લગભગ દોઢ દાયકાથી ભાજપનું શાસન છે અને જલભરાવની સમસ્યા પણ વર્ષો જૂની છે ત્યારે અતિવૃષ્ટિના સમયે આ અંગે નગરપાલિકાનાં હોદ્દેદારોને બદલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા નગરપાલિકાના હોદ્દેદારો કાર્ય કરતા ન હોવાની ઇમેજ ઉભી કરવાનો પ્રયાસ દેખાઇ આવે છે.
નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા કામ માટે કલેક્ટરને રજૂઆત એ નગરપાલિકાનાં હોદ્દેદારો વિરૂદ્ધ આડકતરી 'રાવ' સમાન છે. મીડિયામાં પણ અમુક આગેવાનો પોતાના જ પક્ષનું શાસન બરાબર ન હોય એવા અર્થઘટનોવાળા નિવેદનો આપે છે જે આશ્ચર્યજનક છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નગરપાલિકાના નવા પ્રમુખ વિરૂદ્ધ શહેર ભાજપના ઘણા આગેવાનોની આંખમાં ઝેર હોય તેમની દ્રષ્ટી 'શાસન'ની ખામીઓ શોધવામાં લાગેલી રહે છે. કોઇપણ જગ્યાએ સંપૂર્ણ સુશાસન હોતું નથી પરંતુ શાસક પક્ષ જ પોતાનાં સત્તાધીશોને 'ટાર્ગેટ' કરતા હોય તેવી ચેષ્ટા કરે ત્યારે એ છુપા વિપક્ષની ભૂમિકા નિભાવે છે એમ કહી શકાય.
ભાજપની ટાંટીયાખેંચના કારણે શાસકપક્ષની વિપક્ષી વૃત્તિના પગલે 'ઓખો જગતથી નોખો' એવી કહેવત રાજકારણમાં પણ સાચી પડતી જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial