Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાક. મરીન એજન્સીની સંડોવણીની આશંકાઃ
ઓખા તા. ૨૭: બેટ દ્વારકાની એક માછીમારી બોટ ૧૧ દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગયા પછી તેનો કેટલોક કાટમાળ જખૌ નજીક આઈએમબીએલ પાસેથી મળી આવ્યો છે. તે બોટના સાતેય માછીમાર લાપત્તા છે. જેમાંથી એક માછીમારનો દેહ મળ્યો છે, બીજાની શોધખોળ કરાઈ રહી છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ માછીમારનું પાક.ની એજન્સીએ અપહરણ કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતા ઈરફાન અલાના પાંજરી નામના આસામીની અલ-હુસેની નામની અને જીજે-૩૭-એમએમ ૧૯૬૬ પાસીંગની માછીમારી બોટ ગઈ તા.૧૫ના દિને માછીમારી માટે દરિયામાં નીકળી હતી. તેમાં બેટના સતાર ઓસમાણ અંગારીયા, ઈશા હાસમ બોલીમ, અબ્દુલકરીમ સાદીક ભોલીમ, ઈજાઝ મુસ્તફા સુમણીયા, હુસેન અલાના પાંજરી, શાયર મામદ પાંજરી, મહંમદતૌફિક એલિયાસ સુંભણીયા નામના સાત માછીમાર હતા.
ઉપરોક્ત બોટ જખૌથી આગળ આઈએમબીએલ સુધીમાં માછીમારી કરતી હતી. તે દરમિયાન આ બોટનો કેટલોક કાટમાળ તથા ઝાળ જખૌથી ૧૨ નોટીકલ માઈલ દૂર દરિયામાં જોવા મળ્યો છે. આ બોટ તૂટી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમાં રહેલા સાત માછીમાર લાપત્તા હોવાનું બહાર આવ્યું છે.
ત્યારપછી આ બોટને કોઈ રીતે અકસ્માત નડ્યો હોવાનું અને સાતેય માછીમારો ગુમ હોવાનું ઈરફાન પાંજરીએ ઓખાના મત્સ્યદ્યોગ અધિક્ષકને લેખિતમાં જણાવ્યું છે. જેમાંથી હુસેન અલાના પાંજરી અને અબ્દુલકરીમ સાદીક ભોલીમ નામના બે માછીમાર વિશે પણ ચોખવટ કરવામાં આવી છે.
જણાવવામાં આવ્યા મુજબ બોટ માલિક ઈરફાનનો નાનો ભાઈ હુસેન સત્તર વર્ષનો હોવા છતાં ઓનલાઈન ટોકન એપમાં તેની ઉંમર ૧૮ દર્શાવી તેને માછીમારી માટે મોકલાયો હતો. તે જ રીતે અબ્દુલકરીમ પણ સત્તર વર્ષનો હોવા છતાં તેમની ઉંમર વીસ બતાવી તેને પણ માછીમારી માટે અલ-હુસેની બોટમાં મોકલાયો હતો. આ બંને વ્યક્તિ સહિતના સાતેય માછીમાર હાલમાં લાપત્તા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ઉપરોક્ત સાત માછીમારમાંથી એક માછીમારનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે. જ્યારે બીજા માછીમારનો દેહ શોધવા માટે પાણીમાં તપાસ કરાઈ રહી છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ તે બોટના બાકીના પાંચ માછીમારને પાકિસ્તાનની મરીન એજન્સી ઉપાડી ગઈ છે. જો કે, તે અહેવાલને સમર્થન મળી રહ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial