Advertisement
Author: નોબત સમાચાર

૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવાયેલી ઈંગ્લીશ દારૂની ૬૨૫૨ બોટલ ઝડપાઈ

નકટા પાવરીયા રોડ તથા મચ્છુબેરાજામાં પોલીસના દરોડાઃ ૪૫ લાખનો મુદ્દામાલ કબજેઃ બે ઝડપાયા, ત્રણના નામ ખૂલ્યા

જામનગર તા. ૧૩: લાલપુર તાલુકાના ડબાસંગ ગામથી નકટા પાવરીયા વચ્ચે રોડ પર એક પીકઅપ વાનમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૧૧૯ પેટી પકડી પાડી છે. તે જથ્થા સાથે ઝડપાયેલા એક શખ્સના મચ્છુ બેરાજા ગામ પાસે આવેલા ગોડાઉનમાં બીજા દરોડામાં ઈંગ્લીશ દારૂની ૪૦૨ પેટી ઝડપાઈ ગઈ છે. પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે અને તેના ત્રણ સાગરિતની શોધ આરંભી છે. બંને સ્થળેથી કુલ રૂ.૪૫,૬૧,૨૯૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગર શહેર તથા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની દારૂ ભીની ઉજવણી કરવા ઈચ્છતા વ્યક્તિઓને સમયસર ઈંગ્લીશ દારૂ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો હરકતમાં આવ્યાની અને ઈંગ્લીશ દારૂનો જથ્થો તેઓએ મંગાવ્યાની વિગતો પરથી જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જિલ્લાભરની પોલીસને બુટલેગરો પર નજર રાખવા સૂચના આપી હતી.

તે દરમિયાન જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈ કાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજ સિંહને બાતમી મળી હતી કે, લાલપુર તાલુકાના ડબાસંગ ગામથી નકટા પાવરીયા ગામ તરફના રોડ પર એક વાહનમાં ઈંગ્લીશ દારૂની હેરફેર થઈ રહી છે. તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન નકટા પાવરીયા રોડ પર રેલવે ફાટક નજીકથી જીજે-૧૦-ટીએક્સ ૧૬૧૫ નંબરની બોલેરો પીકઅપ વાન પસાર થતાં તેને રોકાવી એલસીબી સ્ટાફે ચકાસતા તે વાહનમાંથી દારૂની ૧૪૨૮ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે મૂળ જોડિયા તાલુકાના બાલાચડીના વતની અને હાલમાં રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતા જયપાલસિંહ લાલુભા વાઘેલા અને લાલપુર ના મચ્છુબેરાજાના વતની અને હાલમાં હાપાની એલ્ગન સોસાયટીમાં વસવાટ કરતા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ નામના શખ્સોની અટકાયત કરી હતી.

આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત જથ્થો મૂળ રાજકોટના અને હાલમાં જામનગરમાં સાંઢીયા પુલ પાસે સરદારનગરમાં રહેતા અસરફ દોસ્તમામદ કોચલીયાએ મોકલાવ્યાની તેમજ રાજકોટના સાજીદ અને જામનગરના લાંબા ઉર્ફે રાહુલ મેરે મંગાવ્યાની કબૂલાત આપી છે.

એલસીબીએ બે મોબાઈલ, રૂ.૯,૨૫,૩૩૪નો દારૂનો જથ્થો, રૂ.પ લાખનું વાહન મળી કુલ રૂ.૧૪,૩૫,૩૪૪નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ઉપરોક્ત દરોડા પછી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે એએસપી પ્રતિભાની સૂચનાથી અને પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ ઉપરોક્ત આરોપી પૈકીના નરેન્દ્ર બાબુલાલ રાઠોડ ઉર્ફે નંદા કોળીના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામ પાસે કાળા ઢેબા તરીકે ઓળખાતી સીમમાં રાખવામાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૮૨૪ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૩૧,૨૫,૯૫૨ની કિંમતનો દારૂ કબજે કરી નરેન્દ્ર બાબુલાલ રાઠોડ સામે બીજો ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ઠેબા રોડ પર શ્યામ ગ્રીન સોસાયટી પાસેથી ગઈકાલે સાંજે વિવેક જયરાજ ચૌહાણ નામનો શખ્સ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે નૂરી ચોકડી નજીકથી ગઈરાત્રે આફતાબ અસલમ શેખ નામનો શખ્સ પણ બોટલ સાથે મળી આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh