Advertisement
Author: નોબત સમાચાર

બંધારણ એક સુરક્ષા કવચ છે, જેને તોડવાનો વર્તમાન સરકારે પ્રયાસ કર્યો છેઃ પ્રિયંકા ગાંધી

રાજનાથસિંહે સંસદમાં બંધારણની ચર્ચા શરૂ કરાવ્યા પછી કોંગ્રેસના મહિલા સાંસદનું તેજાબી પ્રવચન

નવી દિલ્હી તા. ૧૩: આજે સંસદમાં બંધારણની ચર્ચા શરૂ કરાવતા રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તે પછી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ તેજાબી પ્રવચન કર્યું હતું.

લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શરૂઆત કરતા કહ્યું કે હવે દેશમાં રાજા-રાણીઓનું શાસન નથી અને ન તો બ્રિટિશ વ્યવસ્થા છે. પરંતુ લોકશાહી છે. આપણું બંધારણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. બંધારણે પ્રજાને નાગરિકનો દરજ્જો આપ્યો. લોકોને સરકાર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસે અવારનવાર અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું છે. તેમણે હંમેશાં એક કમિટેડ જ્યુડિશિયરી, કમિટેડ બ્યૂરોકેસી અને કમિટેડ ઈન્સ્ટિટ્યૂશન બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના મોઢા પર બંધારણના સંરક્ષણની વાત શોભા આપતી નથી. ૧૯૭૩ માં પણ તમામ બંધારણીય મૂલ્યોને અવગણી ત્રણ જજને દૂર કરવામાં આવ્યા હતાં. આ ત્રણેય જજનો વાંક એટલો જ કે, તેઓ સરકાર સામે ઝૂકવા તૈયાર ન હતાં.

રાજનાથસિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, કોંગ્રેસના અમુક નેતા બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરે છે. તેમણે બાળપણથી આ જ શીખ્યું છે કે, બંધારણને ખિસ્સામાં રાખીને ફરો, પરંતુ ભાજપે બંધારણને માથા પર બેસાડ્યું છે. અમે કોઈપણ સંસ્થા સાથે છેતરપિંડી કરી નથી. બંધારણના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. બંધારણના મૂલ્યો, માર્ગો, સિદ્ધાંતો અમારા મન-વચન અને કર્મમાં જોવા મળશે.

રાજનાથસિંહે વિપક્ષ પર પહારો કરતા જણાવ્યું કે, આજે બંધારણની રક્ષાની વાતો થઈ રહી છે, પરંતુ આપણે આ સમજવાની જરૂર છે કે કોણે બંધારણનું અપમાન કર્યું છે અને કોણે સન્માન આપ્યું છે.

૧૯૭૬ માં જસ્ટિસ એચઆર ખન્નાએ એક કેસમાં કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ અસંમતનો ચૂકાદો આપ્યો હતો. જસ્ટિસ ખન્ના સ્વીકારવા તૈયાર ન હતાં કે, કોઈ સરકાર દ્વારા નાગરિકો પાસેથી ન્યાય માંગવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હોય અને તેમના આ સરકાર વિરૂદ્ધના ચૂકાદાની તેમણે શું કિંમત ચૂકવી છે, તે ઈતિહાસ જાણે છે.

રાજનાથસિંહે કહ્યું કે, આપણું બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનશીલ છે. આપણા બંધારણે આપણને સૌહાર્દ અને સમૃદ્ધિથી ભરપુર સમાજના નિર્માણ માટે એક બ્લુ પ્રિન્ટ આપી છે. અહીં દેશની સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે જન્મની ઓળખથી કોઈ ફરક પડતો નથી. જ્યા ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ બની શકે છે. આઝાદી પછી બંધારણની મૂળ ભાવના બાજુએ રાખવામાં આવી હતી, પરંતુ અમારી સરકારે આ વાત સાચા દિલથી સ્વીકારી છે.

રાજનાથસિંહે કહ્યું કે અમારી સરકાર મહિલા સશક્તિકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. અમે નારી શક્તિ વંદન કાયદો પણ પસાર કર્યો છે. તેનાથી રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ વિચારસણી હેઠળ અમારી સરકારે ર૦૧૮ માં નેશનલ બેકવર્ડ કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો હતો. સ્વતંત્ર ભારતમાં આવું પહેલીવાર બન્યું. અમે ર૦૧૯ માં બંધારણીય સુધારો કર્યો હતો. જેથી આર્થિક આધાર પર અનામત આપી શકાય. સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ માટેના તમામ પ્રયાસો આપણા બંધારણીય મૂલ્યો અને આદર્શોનું જીવંત સ્વરૂપ છે. અમે બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે. એટલું જ નહીં, તેનો અમલ પણ કર્યો છે.

આ દેશમાં એક રાજ્ય હતું જ્યાં બંધારણ લાગુ પડતું ન હતું. સંસદના કાયદાનો પણ અમલ થતો નહોતો. અમે ત્યાં પણ તેનો અમલ કર્યો છે. આજે આખો દેશ આ નિર્ણયના સકારાત્મક પરિણામો જોઈ રહ્ય છે. તાજેતરમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. હિંસાની એક પણ ઘટના બની નથી.

કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઈ એક પાર્ટીએ બંધારણ નિર્માણની પ્રક્રિયાને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો. આપણું બંધારણ કોઈ એક પક્ષની દેન નથી. તે ભારતના લોકો દ્વારા, ભારતના લોકો માટે બનાવેલ દસ્તાવેજ છે. પશ્ચિમી સભ્યતામાં નાઈટ વોચમેન સ્ટેટનું કોન્સેપ્ટ છે. એટલે કે સરકારની જવાબદારી લોકોને સુરક્ષા પૂરી પાડવા સુધી મર્યાદિત હોવી જોઈએ. આપણા દેશમાં રાજધર્મની વાત થઈ છે. અહીં રાજા પણ રાજધર્મથી બંધાયેલા હતાં. તેમની શક્તિઓ લોકોના કલ્યાણ માટે હતી. નબળા વર્ગોનું રક્ષણ કરવાની તેમના પર જવાબદારી હતી, જ્યારે આપણું બંધારણ નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આપણું બંધારણ નાગરિકોના સર્વાંગી વિકાસના માર્ગમાં આવતા અવરોધોને દુર કરવાનો નિર્દેશ આપે છે.

પ્રિયંકા ગાંધીનું તેજાબી પ્રવચન

લોકસભામાં પ્રથમ વખત તેજાબી પ્રવચન કરતા પ્રિયંકા ગાંધી વાડરાએ કેટલાક દૃષ્ટાંતો સાથે ગરીબ પરિવાર પર અત્યાચારોના આક્ષેપો કરતા કહ્યું કે પીડિત મહિલાને ન્યાય માટે અવાજ ઊઠાવવાનો અધિકાર આપણા સંવિધાને આપ્યો છે.

તેણીએ સંભલનું દૃષ્ટાંત આપતા કહ્યું કે ૧૭ વર્ષના બાળકનું સ્વપ્ન આપણું સંવિધાન આપશે.

તેણીએ કહ્યું કે આપણા બંધારણની જ્યોત આપણા દેશના નાગરિકોમાં હંમેશા જલતી રહી છે. આપણા દેશનું બંધારણ એક સુરક્ષા કવચ છે, જેને વર્તમાન સરકારે તોડવાનો પૂરો પ્રયાસ કર્યો છે. બંધારણમાં સામાજિક, આર્થિક સુરક્ષાનો વાયદો છે, જેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે લોકસભાની ચૂંટણીમાં માંડ માંડ જીતેલા એનડીએ તથા હારેલા ભાજપની મનસા તો બંધારણ બદલી નાખવાની હતી, પરંતુ દેશની જનતાએ સમજાવી દીધું કે બંધારણને તો કોઈ કારણે બદલવા દેવાશે નહીં.

તેણીએ જાતિગત જનગણના, ૭પ વર્ષની જનતાની વિશ્વસનિયતા, બેંકોનું રાષ્ટ્રીયકરણ, ખાણોનું રાષ્ટ્રીયકરણ આર્થિક નીતિઓ, આદિવાસીઓની જમીનો, ખેડૂતો, નારી શક્તિ, બેરોજગાર, મોંઘવારી, આર્થિક ન્યાય, રાજનૈતિક ન્યાય વગેરેનો ઉલ્લેખ કરીને વર્તમાન શાસન પર જોરદાર પ્રહારો કર્યા હતાં.

પ્રિયંકા ગાંધીએ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરાવવાની માંગણી કરતા ભાજપના 'વોશીંગ મશીન'નો ઉલ્લ્ેખ કરીને કહ્યું કે બંધારણમાં એક્તા-સદ્ભાવનાની ભાવના વ્યક્ત કરી હતી, પરંતુ દેશમાં નફરતની હવા વહી રહી છે. તેણીએ કહ્યું કે ભારતનું બંધારણ સંઘનું સંવિધાન નથી. તેણીએ વડાપ્રધાન પર કટાક્ષો કરતા કહ્યું હતું કે, વર્તમાન સરકાર રાજનૈતીક ફાયદા માટે દેશની એક્તાની પણ પરવાહ કરતા નથી. જેનું દૃષ્ટાંત મણિપુર અને સંભલ ઉદાહરણ છે. શાસક પક્ષ ૭પ વર્ષની વાત કરે છે, પરંતુ આ ૭પ વર્ષ દરમિયાન જનતાએ શાસકોનો જવાબ આપ્યો છે. તે આપણા બંધારણની ઉપલબ્ધિ છે, પરંતુ આજે સાચી વાત કરનારને ધમકાવવામાં આવે છે અને ખોટા કેસ કરીને અને કેન્દ્રિય એજન્સીઓનો દુરૂપયોગ કરીને દેશદ્રોહી ઠરાવીને જેલમાં ધકેલવામાં આવે છે. અંગ્રેજોની સાથે સાઠગાંઠ કરનારા પર કટાક્ષ કરતા તેણીએ કહ્યું કે ભયનો માહોલ ફેલાવનારા જ આજે ચર્ચાથી ડરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીના પ્રવચનને વિપક્ષી સાંસદોએ પાટલી થપથપાવીને વધાવી લીધું હતું. જ્યારે તેણીએ કહ્યું કે આજનો રાજા વેશ બદલવાના શોખીન છે, પણ જનતાની વચ્ચે જતાં ડરે છે. ત્યારે ગૃહમાં અમારો વિવાદ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh