Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી પીપર પાસે અકસ્માતમાં બાઈકચાલક પિતરાઈ ભાઈઓના નિપજ્યા મૃત્યુઃ
જામનગર તા. ૧૫: જામનગરના પ્રદર્શન મેદાન પાસે અણઘડ રીતે બનાવી નાખવામાં આવેલા સ્પીડબ્રેકરના કારણે એક દંપતી ખંડિત થયું છે. નગરના પતિ, પત્ની બાઈક પર જતા હતા ત્યારે તે સ્પીડબ્રેકરના કારણે મહિલા લપસી પડ્યા પછી મોતને શરણ થયા છે. જ્યારે નવી પીપર પાસે બાઈક સાથે મોટર ટકરાતા બે પિતરાઈ ભાઈના મૃત્યુ નિપજ્યા છે. મચ્છલીવડ પાસે બાઈક સાથે માલવાહક વાહન ટકરાતા જામજોધપુરના રહેવાસી એવા બે મિત્ર ઘવાયા છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ ટાઉનશીપમાં શેરી નં.૪માં રહેતા જયેશભાઈ દેવજીભાઈ ખાણધર (ઉ.વ.૪૮) અને તેમના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૪૫) ગઈકાલે સવારે પોણા સાતેક વાગ્યે સાતરસ્તા નજીક પ્રદર્શન ગ્રાઉન્ડ સામેથી મોટરસાયકલ પર જતા હતા.
આ વેળાએ ત્યાં નવા અને માપ સાઈઝ વગર જ બનાવી નાખવામાં આવેલા બમ્પર પર બાઈક ચઢતા જયેશભાઈએ કાબૂ ગૂમાવ્યો હતો. જેના કારણે પાછળ બેસેલા ચંદ્રિકાબેન લપસી પડ્યા હતા. આ મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ચંદ્રિકાબેનનું મૃત્યુ નિપજ્યું છે. પતિ જયેશભાઈએ પોલીસને જાણ કરી છે. સિટી બી ડિવિઝનના પીએસઆઈ કે.એન. જાડેજાએ અપમૃત્યુની નોંધ કરી છે.
લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ નકુમ અને તેમના પિતરાઈ ભાઈ દેવજીભાઈ સવજીભાઈ નકુમ શનિવારે સાંજે પાંચેક વાગ્યે મોટરસાયકલ પર લાલપુર કામસર આવ્યા હતા. તે કામ પૂર્ણ થયા પછી બંને પિતરાઈ ભાઈ મોટી રાફુદળ જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે ગોવાણા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે નવી પીપર ગામના પાટીયા નજીક અચાનક જ જીજે-૧-કેડબલ્યુ ૧૪૬૬ નંબરની મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારતા બંને યુવાન રોડ પર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા પામેલા પ્રવીણભાઈ (ઉ.વ.૪૭) અને દેવજીભાઈ (ઉ.વ.૪૦)ના સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યા છે. મોટર ચાલક સામે અશ્વિનભાઈ સવજીભાઈ નકુમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર શહેરમાં પીપળેશ્વર મંંદિર પાસે રહેતા ધવલભાઈ અતુલભાઈ મકવાણા તથા તેમના મિત્ર જયેશભાઈ ગુરૂવારે સાંજે કાલાવડ તાલુકાના મચ્છલીવડ ગામ તરફ જીજે-૧૦-સીક્યુ ૧૭૨૭ નંબરના બાઈકમાં જતા હતા. ત્યારે જીજે-૧૦-ટીવાય ૧૨૮૯ નંબરની માલ વાહક બોલેરો દોડી આવી હતી. તેના ચાલકે રોંગ સાઈડમાં ધસી આવી બાઈક સાથે અકસ્માત સર્જતા ધવલને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial