Advertisement
Author: નોબત સમાચાર

ઉમરપાડામાં ચાર કલાકમાં ૧૬ ઈંચઃ નર્મદા-મોડાસા-દાહોદમાં ધોધમાર વરસાદ

છેલ્લા ર૪ કલાકમાં ૬૮ તાલુકામાં મેઘમહેરઃ આજે સવારથી ઠેર-ઠેર વરસાદઃ મોહન અને વીરા નદી બે કાંઠેઃ રોડ-રસ્તા ડૂબ્યા

અમદાવાદ તા. ૧પઃ સુરતમાં ઉપરવાસમાં ચારેક કલાકમાં ૧૬ ઈંચ વરસાદ પડતા કેટલાક ગામડાઓ સંપર્કવિહોણા થયા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી રાજ્યવ્યાપી વરસાદની આગાહી કરાઈ છે, અને વિવિધ એલર્ટ અપાયા છે.

સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે તેમજ બન્ને નદીઓમાં પાણીની આવક થતા બે કાંઠે થઈ છે તથા અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે તેમજ અનેક ગામોના નિચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા છે. ખેતર તથા રોડ-રસ્તા પાણીમાં ડૂબ્યા છે. ઉપ્મરપાડામાં ચારેક કલાકમાં જ ૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે, જેમાં ઉપરપાડાથી ઉમરગોટ જતા રસ્તાઓ પાણી પાણી થયા છે. ખાડી લછકાતા ઉમરગોટમાં પાણી ફરી વળ્યા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં બે કલાકમાં સાડાપાંચ ઈંચ પાણી પડ્યું છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૬૮ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં ધોધમાર પોણાચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા ર૪ કલાકમાં મોડાસા ઉપરાંત દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના તિલકવાડામાં સવાબે ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય છેલ્લા ર૪ કલાકમાં મહીસાગર લુણાવાડામાં એક ઈંચ, પમર્દાના નાંદોરમાં એક ઈંચ, પંચમહાલના ધોધંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પણ પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઈ રહી છે, જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રીય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, સાબકાંઠા, અમદાવાદ, મહીસાગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આવતીકાલે ૧૬ જુલાઈના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અભિારે વરસાદ થઈ શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

૧૭ જુલાઈના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. ૧૮ જુલાઈના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh