Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયામાં ટ્રાફિક અવરોધક દબાણો હટાવવા શરૂ થયેલું ડિમોલીશન અટકી કેમ ગયુ?

પાલિકા પ્રમુખે લારી-ગલ્લા હટાવવા કહેલું? પોલીસતંત્રે લીધી આગેવાની !: ચર્ચા

ખંભાળીયા તા. ૧પઃ ખંભાળીયા શહેરમાં વર્ષો પછી ડિમોલીશન રસ્તા પરના ટ્રાફિક અંગે શરૂ થયું અને થોડા સમયમાં અટકી પણ ગયું હતું. ભારે ચર્ચા જાગી છે.

ખંભાળીયામાં શનિવારના પાલિકાતંત્રને સાથે રાખીને પોલીસ દ્વારા ડીમોલીશનની કામગીરી રોડ રસ્તા અને ટ્રાફિકને નડતરરૂપને હટાવવા શરૂ કરાઈ હતી અને માત્ર ત્રણેક કલાકમાં અટકી જતાં ભારે ચર્ચા જાગી હતી!!

શનિવારે નગરગેઈટ પાસે વળાંકમાં નડતરરૂપ ગણાતા એક પાનવાળાની દુકાનનો આગળનો ભાગ તોડીને ડિમોલીશનના શ્રી ગણેશ થયા હતા તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની આગેવાનીમાં ચાર પોલીસ જીપ ભરીને પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્ય શરૂ થયું હતું જે ચારરસ્તા સુધી પહોંચ્યું હતું તથા ત્યાંથી પોરબંદર રોડ શરૂ થતાં પાલિકા આગેવાનોની દરમ્યાનગીરીથી અટકી ગયું હતું.

૧ર દબાણ હટાવાયા

ચારેક કલાક સુધી ચાલેલા આ કાર્યમાં ઓટલા-ખપેડા તથા રસ્તા ટ્રાફિકને નડતરરૂપ દીવાલો હોય તેવા બાર દબાણો હટાવાયા હતા તથા અનેક દુકાનદારોને દબાણ અંગે સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની સૂચનાના પગલે રસ્તા પરના દબાણો હટાવવાના ખાસ આદેશના પગલે આ ડિમોલીશન પોલીસ દ્વારા કરાયું હતું તેમ જાણવા મળેલ છે જેમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ખંભાળીયા ટ્રાફિક પીઆઈ સોલંકી, ખંભાળીયા- પીઆઈ સરવૈયા વિગેરે પણ જોડાયા હતાં તથા પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયા રાજપાર ગઢવી વિગેરે પણ જોડાયા હતાં.

પાલિકા પ્રમુખનો આદેશ લારી-ગલ્લા હટાવવાનો

ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીએ એક મુલાકાતમાં આ ડિમોલીશન અંગે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે પાલિકા દ્વારા જાહેર ફૂટપાથ પર ઉભતા રેંકડી ગલ્લાવાળાઓને હટાવવા સૂચના અપાઈ હતી પણ ઓટલા-ખપેડા તોડવાના શરૂ કરતા તે બંધ કરાવ્યા હતા તથા એક માસ પહેલા સૂચના આપવાનું પણ જણાવ્યું હતું જો કે પાલિકા ચીફ ઓફિસર રજા પર હતા તથા પાલિકાના જ સ્ટાફ જેસીબી, ટ્રેકટરો સાથે ખપેડા-ઓટલા તોડ્યા હતા ત્યારે આ ડિમોલીશન પાલિકા દ્વારા પોલીસની આગેવાનીમાં તેમના કહેવા માર્ગદર્શન મુજબ થવાનું બહાર આવ્યું હતું અને ઉપરથી ફરી સૂચના આવે તો ફરી થાય તો નવાઈ નહીં જો કે, દબાણો હટાવાયા તેમાં નાના દબાણકારો જ આવ્યા 'મોટા' રહી ગયા નો અફસોસ દબાણોનો ભોગ બનનારા કહી રહ્યા હતા !!

કાગળ ઉપર જ ઢગલાબંધ દબાણો છે

ખંભાળીયામાં વર્ષો પહેલા અગાઉ જામનગર જિલ્લા સાથે ખંભાળીયા હતું ત્યારે તત્કાલીન ડી.એસ.પી. સતીષ વર્માએ ખંભાળીયામાં મોટા ડિમોલેશન કર્યું હતું. ત્યારે તત્કાલીન સી.ઓ. જેંતીલાલ નાખવા દ્વારા દબાણોનું લીસ્ટ બનાવાયું હતું તથા અગાઉ સીઆઈડીની તપાસમાં તત્કાલીન પીઆઈ સુખદેવસિંહ ઝાલાના દ્વારા પણ ખંભાળીયા વિસ્તારમાં થયેલા દબાણોનું લીસ્ટ પાલિકાના ચોપડે જ છે ત્યારે ફરી મોટા ડિમોલીશનમાં શું અટકાવાય છે તે પણ એક ચર્ચાનો મુદ્દો બન્યું છે. દબાણો હટાવવામાં બેદરકારી હોવાથી ખંભાળીયામાં દબાણો વધતા જ રહ્યા છે !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh