Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક મેડિકલ કોલેજમાં આગ લાગી ગઈ અને ૧૦ બાળકોના કરૂણ મૃત્યુ થયા, તે અહેવાલોએ હાલાર અને ગુજરાતની કેટલીક તાજી અને કેટલીક ભૂતકાળની યાદ તાજી કરાવી દીધી છે. આગ લાગવાની ઘટનાઓને આમ તો અકસ્માત જ ગણવામાં આવે છે, પરંતુ જ્યારે આ પ્રકારની આગ લાગવાના કારણો કુદરતી ન હોય, અને માનવીય બેદરકારી કે કોઈ ષડયંત્ર તેના માટે જવાબદાર હોય, તો તેને ગંભીર ગુન્હો જ ગણવો પડે...?
અમદાવાદના બોપલમાં પણ આગ લાગી અને ભીષણ આગમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરાયું, તે તાજા અહેવાલો જોતાં એમ જણાય છે કે, રહેણાંક એરિયામાં ફટાકડા ફોડવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ, અને રસોઈ ગેસ, ઈલેક્ટ્રિક સાધનો તથા વીજ લાઈનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની લાપરવાહી ન જ ચલાવી લેવાય, તેવી માનસિકતા સામૂહિક રીતે ઊભી થવી જોઈએ.
ગઈકાલે જામનગરના જીઆઈડીસી વિસ્તારની એક સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા તેમાં ફસાયેલા ત્રણેક રહીશોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હોવાના અહેવાલો પણ હતાં અને આ આગ મીટર બોક્સમાં સ્પાર્ક થતા અથવા શોર્ટ સરકીટથી લાગી હોવાનું કહેવાય છે. આમ, નગરથી નેશન સુધી આગ દુર્ઘટનાઓના કારણે ઊભી થયેલી વિકટ સ્થિતી પછી ફાયર સેફટીની ચર્ચા ફરી એક વખત ટોક ઓફ ધ નેશન બની છે.
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં તો નવનિત શિશુ સારસંભાળ કેન્દ્રમાં આગ લાગતા ૧૦ જેટલા બાળકોના જીવ ગયા, તેથી માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ દેશભરમાં જબરદસ્ત જનાક્રોશ જોવા મળી રહ્યો છે, અને યોગી સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાત્રે જ ઝાંસી દોડી ગયા, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાતભર જાગીને સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી હેન્ડલ કર્યો, પરંતુ આ પ્રકારનો અગ્નિકાંડ સર્જાયા પછી જ્યારે દસ-દસ શિશુઓના જીવ ગયા હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ જનાક્રોશ ફાટી નીકળતો હોય છે. હવે આ ઘટનામાંથી બોધપાઠ લઈને જામનગર સહિતની તમામ મેડિકલ કોલેજો તથા પ્રાઈવેટ સરકારી તથા સંસ્થાકીય હોસ્પિટલોના સંચાલકો, તંત્રો ફાયર સેફટીની તપાસણી કરીને જરૂરી સુધારા-વધારા કરશે ખરા...?
મોટાભાગના અગ્નિકાંડો પછી મુખ્યત્વે શોર્ટ સરકીટ થવાનું કારણ અપાતું હોય છે, અને તેને અકસ્માત ગણાવાતો હોય છે, પરંતુ એવી ફૂલપ્રૂફ વીજ વ્યવસ્થા ન થઈ શકે, કે જેથી શોર્ટ સર્કીટ થાય જ નહીં, અથવા થાય તો તરત જ બંધ થઈ જાય અને આગ ફેલાતી ઝડપથી અટકી જાય, તે પ્રકારના પ્રશ્નો હંમેશાં ઉઠતા જ હોય છે, તેવી ટેકનિકલી સુધારા-વધારા કરીને આવું ફૂલપ્રૂફ વાયરીંગ અને ઓછામાં ઓછું જોખમ અને તે પ્રકારની વીજ વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ, તેમ નથી લાગતું...?
ભારે ગરમીના કારણે જંગલો સળગે કે જ્વાળામુખી ફાટી નીકળે, તેને કુદરતી આફતો ગણાય, પરંતુ જ્યારે ઝુંપડપટ્ટી સહિતના રહેણાંક વિસ્તારો, ફેક્ટરીઓ, રિફાઈનરીઓ, વ્યવસાયિક સ્થળો, શાળા-કોલેજો કે હોસ્પિટલોમાં ભીષણ આગ લાગતી જ અટકે, તેવા ફૂલપ્રૂફ ઉપાયો વિચારવાની તાતી જરૂર છે, ખરૃં કે નહીં...?
સિક્કાની બીજી બાજુ એવી છે કે, જ્યારે આગ-અકસ્માતોના કારણોમાંથી બિનજરૂરી રીતે જવાબદારીમાંથી છટકવા કે ભૂતકાળની ભૂલો છાવરવા માટે તંત્રો વધારે પડતા અંકુશો સતત ચાલુ રાખે કે પછી આ બહાને પણ વધુ મલાઈ તારવી લેવાની રીત-રસમો અપનાવાય, ત્યારે સામાન્ય જનતાને અલગ જ પ્રકારની મુંઝવણ ઊભી થતી હોય છે. જ્યારથી રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ થયો છે, ત્યારથી સૌરાષ્ટ્રમાં ફાયર સેફટીના સર્ટિફીકેટો સમયસર નહીં આપવાના ઘણાં મહિનાઓથી રહેણાંક મકાનોમાં પોતે જ ખરીદેલા પોતાના મકાનમાં લોકો રહેવા જઈ શકતા નથી, અને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલા ટેનામેન્ટ-ફલેટો ખાલી પડ્યા રહે છે, તેથી એક અલગ જ સમસ્યા ઊભી થઈ ગઈ છે, તેથી તંત્રોએ ઉભય પક્ષોની ચિંતા કરીને "બેલેન્સ" (સમતુલન) જાળવવું જોઈએ, તેમ કોઈ સમસ્યા ઊભી થાય, કે આગ, અકસ્માત, દુર્ઘટના સર્જાય તો તેના સંદર્ભે વિશેષ કાળજી રાખવાના બદલે તે સુવિધા જ અટકાવી દેવી કે પ્રક્રિયા બંધ કરી દેવી, એ દાઝ્યા પર ડામ જેવું ગણાય, ટ્રેનનો અકસ્માત થાય તો રાહત-બચાવ કાર્ય પછી ત્યાં રેલવે વ્યવહાર તત્કાળ પુનઃ શરૂ કરી દેવાના બદલે ત્યાં ટ્રેન વ્યવહાર જ લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવે તો શું થાય...? કોઈ ફેક્ટરીમાં આગ લાગે તો રાહત-બચાવ-મરામત પછી તે ફેક્ટરી તત્કાળ પુનઃ શરૂ થાય, અથવા ચાલુ ફેક્ટરીને વિપરીત અસર ન થાય, તે માટે જે રીતે કાળજી રાખવામાં આવે છે, તેવી જ રીતે અગ્નિકાંડો સર્જાયા પછી વધુ ચોકસાઈ રાખીને અને તત્કાળ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને પણ નિર્માણ થઈ ગયેલી ઈમારતોને ફાયર સેફટીની એનઓસી આપી દેવી જોઈએ, અને પૂરેપૂરી ચકાસણી પણ કરી લેવી જોઈએ. ફાયર સેફટીના ચેકીંગના બહાને મહિનાઓ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટો ન અપાય, કે ફાયર એનઓસી ન અપાય, તો માંડ-માંડ પોતાનું ઘર વસાવવાનું સપનું જોનારા લોકોની હાલત કફોડી થઈ જતી હોય છે, તેનો પણ તંત્રો અને શાસકોએ વિચાર કરવો જોઈએ, અને સુકા ભેગુ લીલુ ન બળી જાય, તેની કાળજી રાખવી જોઈએ, ખરૃં ને...?
ફાયર સેફટી અત્યંત જરૂરી છે, તેમાં ગોલમાલ ચાલે જ નહીં, અને ફાયર સેફટીના પ્રામાણિકરણની પ્રક્રિયા પણ ઝડપથી બનવી જ જોઈએ, ખરૃં ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial