Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ખેડૂતોના જમીન માપણી સહિતના પ્રશ્નો અદ્ધરતાલઃ ધારાસભ્ય હેમંત ખવા

વાયબ્રન્ટ ગુજરાતના દાવા પણ તંત્રની કાચબાગતિ

જામનગર તા. ૧૪: વાઈબ્રન્ટ ગુજરાત અને ડિજિટલ યુગ ઈન્ડિયાના દાવા વચ્ચે રાજ્યમાં આજે પણ મહેસુલ વિભાગ કાચબા ગતિએ કામગીરી કરી રહ્યો છે. પરિણામે ખેડૂતોના જમીન માપણી સહિતના પ્રશ્નો અદ્ધરતાલ છે. ખેડૂતો સરકારી કચેરીના ધક્કા ખાઈને અડધા થઈ જાય તો પણ તેમની સમસ્યા જૈસે થે રહે છે. તેવામાં ગુજરાતમાં મહેસુલ વિભાગે નવું ગતકડું બહાર પાડ્યું છે. જેમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા અને ખેતીની જમીનને બિન-કૃષિ-એનએમાં રૂપાંતરિત કરવા અને જમીન અથવા શેરના વેંચાણ માટે, વિલંબ ઘટાડવા અને અરજદારોની સંખયામાં વધારો કરવા પગલાં લેવાનો દેખાડારૂપ નિર્ણય લીધો છે. જેમાં કહ્યુંકે, જમીનના હિસ્સાની માપણી માટેની અરજીમાં ફી મળ્યાના ર૧ દિવસમાં માપણી પૂર્ણ કરવા અથવા આવી અરજીનો નિકાલ કરવાનો આદેશ અપાયો છે, જો કે આ માત્ર ભ્રામક જાહેરાત છે. હકીકતમાં ખેડૂતોને આનાથી કોઈ ફાયદો થાય તેવી શક્યતા રહેલી નથી. હકીકતમાં આ પ્રોપર્ટી ડેવલપર્સ, બિલ્ડર્સને ખટાવવાના ખેલ હોય તેમ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

વિકાસની સુફિયાણી વાતો કરતી સરકારી વાસ્તવિક્તા ઉઘાડી કરતા ધારાસભ્યએ જણાવ્યું હતુંકે જે હાલારના હજારો ખેડૂતોને રી સર્વેમાં વાંધા છે. પરિણામે આજેભાઈ-ભાઈના દુશ્મન બની બેઠા છે. જે ખેડૂતોને રી સર્વેમાં વાંધા છે એવા ખેડૂતોની અરજી કર્યાને પ-પ વર્ષ સુધી માપણીના કોઈ ઠેકાણા નથી. લાંબા સમય વીતવા છતાં સમસ્યા ઉકેલાઈ નથી. જે ગતિએ કામ ચાલે છે તે જોતા આ કામગીરી આજીવન ચાલે તવું લાગી રહ્યું છે જે સરકારની સૌથી મોટી નબળાઈ છે.

આંકડાકીય વાત કરવામાં આવે તો રી સર્વે રેકોર્ડ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણા માટે જામનગર જિલ્લામાં ૮૪,૭૬પ અરજીઓ આવી છે. તેમાંથી માત્રને માત્ર ૧૩,૮૯૧ અરજીનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે ૩૭,૬ર૦ અરજીઓ યેનકેન પ્રકારે દફ્તરે કરી દેવામાં આવી છે. આમ ૧૦ વર્ષમાં માત્ર ૧૩ હજાર જેવી અરજીમાં જ કવાયત હાથ ધરાઈ છે જે ખૂબ ગંભીર બાબત ગણાય! તેની સામે સરકારે આ અરજીનો નિકાલ થાય તે દિશામાં વાસ્તવિક કામગીરી કરવી જોઈએ.

પરિપત્ર મુજબ નવો આદેશ કરાયો છે જેમાં જણાવાયા અનુસાર અપૂર્ણાંક માપણી માટેની અરજીની ચકાસણી કર્યા પછી અને તેને સ્વીકાર્યા પછી, જમીન કચેરીના અધિકારીઓએ માપણી ફીની રસીદના જનરેશનના ર૧ દિવસમાં અરજીનો નિકાલ કરવાનો રહેશે તેવું કહ્યું છે. બંજર જમીનની માપણી માટેની અરજી પણ તાત્કાલિક માપણી તરીકે ગણવામાં આવશે. આનાથી ખેતીની જમીનના વિભાજન, વેંચાણ અને બિનખેતીની પ્રક્રિયા કદાચ સરળ બની શકે છે, પરંતુ ખેડૂતોને કોઈજ પ્રકારનો સીધો ફાયદો નથી, તેમ અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh