Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવારથી રાજ્યના મહત્તમ જિલ્લાઓમાં મેઘવૃષ્ટિઃ ઘણાં સ્થળે ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાયોઃ ૧૯ જિલ્લામાં એલર્ટ
અમદાવાદ તા. ૩: આજે સવારથી રાજ્યના મહત્તમ જિલ્લાઓમાં વરસાદના વાવડ છે. જો કે, હાલારમાં અપવાદરૂપ સ્થળે વરસાદ સિવાય ક્યાંયથી વરસાદના વાવડ નથી. દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે બે કલાકમાં ૬ થી ૮ ઈંચ પાણી પડ્યું છે. હવામાનખાતાએ ૧૯ જિલ્લામાં વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. કેટલાક સ્થળે એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે.
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં ૧૩ ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે.
રાજકોટના ઉપલેટાના વેણુ-૨ ડેમના બે દરવાજા ૦.૩ મીટર ખોલવાની ફરજ પડી હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા ૧.૫ મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી. કડી શહેરમાં રાત્રે ૨ વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકના આશરે ૮ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. ૨૫થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં.આજે સવારથી જ મોટા ભાગના જિલ્લાઓમાં ૧૦ વાગ્યા સુધીમાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
નવસારીના ચીખલીમાં બે ૮થી ૧૦ વાગ્યાના બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા અને રોડ પર નદીઓ વહી છે. વલસાડમાં ૬.૧૦ ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું છે અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. સુત્રાપાડામાં પણ મકાનો ડૂબેલા જોવા મળી રહૃાાં છે.
આજે પણ ૧૯ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઇડરમાં વરસાદી માહોલ સર્જાયો છે. પ્રાંતિજ અને આસપાસના તખતગઢ કંપા, નિકોડા, ચંદ્રપુરા, હડમતીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહૃાો છે. હિંમતનગર અને આસપાસના કરણપુર, કેશરપુરા, ગાંભોઈ, સુરજપુરા, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસે છે. આજે વહેલી સવારથી ક્યાંક ધીમીધારે, ક્યાંક વરસાદના છાંટા તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહૃાા છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાના મુખ્ય મથક સેવાલિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે, ચપટીયા, આંગાળી, થર્મલ, માલવણ અને વસોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. આ ધોધમાર વરસાદના આગમનને કારણે લાંબા સમયથી અસહૃા બફારા અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ભારે ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને ખેડૂતો હરખાઈ ઉઠ્યા છે.
ભારે વરસાદના કારણે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નવસારીના દેવસર વિસ્તારમાં આવેલી વેંકતેશ્વર નગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી પ્રવેશી જતાં ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહૃાા છે. વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વલસાડ શહેરના પૂર ગ્રસ્ત વિસ્તાર અને ઔરંગા નદીની પરિસ્થિતિનું એનડીઆરએફની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઔરંગા નદીમાં સામાન્ય પ્રવાહી નદી વહી રહી છે. જ્યારે વલસાડ શહેરમાં સવારે ૬થી ૧૦ દરમ્યાન ૪ કલાકમાં પડેલા ૭ ઇંચ વરસાદને લઈને વરસાદી પાણીનો ભરાવો થયો છે.
નવસારી જિલ્લાના વાંસદા ટાઉનના નીચાણવાળા વિસ્તાર એવા ગાંધીનગર ફળિયામાં કમર સમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ૩૦થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે.
નવસારીના ગણદેવી તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં આકાશી આફત સમાન મુશળધાર ૫ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. આ ભારે વરસાદના કારણે ગણદેવી અને નવસારીને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે અનેક વાહનો બંધ પડ્યા છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સતત વરસી રહેલા વરસાદ બાદ નોડી નદીમાં ઘોડાપૂર આવતાં નદીનું પાણી અરબી સમુદ્રમાં મળી રહૃાું છે. નદી અને દરિયાનું આ સંગમસ્થળ કુદરતનો અનેરો નજારો સર્જી રહૃાું છે, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહૃાા છે. ભારે પાણીના પ્રવાહને કારણે પ્રશાસને લોકોને નદી અને દરિયાકાંઠા નજીક સાવચેતી રાખવા તેમજ જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે.
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે. ગઈકાલે દિવસ દરમિયાન શહેરમાં સાર્વત્રિક દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો અને તેમાં સૌથી વધુ વરસાદ ઇસ્ટ ઝોનમાં બે ઇંચ નોંધાયો હતો. રાજકોટમાં ગઈકાલે સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૨૦ એમએમ, ઇસ્ટ ઝોનમાં ૫૧ એમએમ અને વેસ્ટ ઝોનમાં ૧૯ એમએમ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૪૮ એમએમ, ઇસ્ટ ઝોનમાં ૫૬ એમએમ અને વેસ્ટ ઝોનમાં ૪૯ એમએમ નોંધાયો છે.
તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીરની ભવ્ય આવક થઈ છે. બામણામાળ ગામેથી વહેતી ઓલણ નદી જીવંત થતાં જ આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. નદીમાં નવા પાણી આવવાથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને નાના પાયે માછીમારી કરતા પરિવારોમાં ભારે આનંદ છવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial