Advertisement
Author: નોબત સમાચાર

વૃદ્ધાના ઘરમાં દાગીનાની ચોરી કરનાર ત્રિપૂટીમાંથી એક શખ્સની અટકાયતઃ દાગીના, રિક્ષા કબજે કરાયા

અન્ય બે સાગરિતની શોધઃ એલસીબીએ પૂછપરછ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના નહેરૂનગરમાં એક વૃદ્ધાના મકાનમાં ત્રણ મહિના પહેલાં થયેલી ચોરીનો ગુન્હો એલસીબીએ ઉકેલ્યો છે. એક વૃદ્ધાના બંધ થઈ ગયેલા વિધવા સહાયના એકાઉન્ટને એક્ટિવેટ કરવાના બહાને રિક્ષાચાલક તથા તેના બે સાગરિતે હાથફેરો કર્યાે હતો. ચોરીમાં ગયેલા દાગીના સહિત રૂ।.૪,૧૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. એક શખ્સની અટકાયત કરાઈ છે અને બેની શોધ કરાઈ રહી છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧ નજીક નહેરૂનગરમાં રહેતા વીણાબેન દિલીપભાઈ ભરવાડા નામના વૃદ્ધાના મકાનમાંથી રિક્ષાચાલક જાફર સીદીક જુણેજા તથા તેના બે સાગરિત રૂ।.૭૦ હજાર રોકડા તથા સોનાના બે ચેઈન, મંગળસુત્ર મળી રૂ।.પોણા ત્રણેક લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ વૃદ્ધાનું બંધ થઈ ગયેલુ વિધવા સહાયનું એકાઉન્ટ એક્ટિવેટ કરી આપવા જાફરે ફોર્મ ભરવું પડશે તેમ કહ્યા પછી જ્યારે આ વૃદ્ધા ગઈ તા.૨૪ માર્ચની સવારે પોતાના ઘરની બહાર શેરીમાં બેઠા હતા ત્યારે ઘરમાં ઘૂસેલા જાફર તથા તેના બે સાગરિતે કબાટમાંથી દાગીનાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો કાઢી લઈ તેમાંથી દાગીનાની ચોરી કરી લીધી હતી. આ બાબતની ફરિયાદ થયા પછી એલસીબી પણ તપાસમાં જોતરાઈ હતી.

તે દરમિયાન એલસીબીના સુમીત શિયાર, અજય વિરડા, ભયપાલસિંહને મળેલી બાતમીના આધારે સુભાષબ્રિજ નીચેથી જાફર સીદીક જુણેજા ઝડપાઈ ગયો છે તેણે ચોરીની કબૂલાત આપવા ઉપરાંત પોતાના સાગરિત મહંમદહુસેન સીદીક જુણેજા, સાહીદ અલીભાઈ માકડીયાના નામ આપ્યા છે. એલસીબી સમક્ષ પૂછપરછમાં જાફરે સોનાની બે બંગડી, કાનમાં પહેરવાની સર ઉપરાંત ચોરીમાં વાપરેલી રિક્ષા કાઢી આપી છે. કુલ રૂ।.૪,૧૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. આ શખ્સની અટકાયત કરાઈ છે અને તેના સાગરિતોની શોધખોળ કરાઈ રહી છે. આ શખ્સ સામે સિટી એ તથા બી ડિવિઝનમાં હત્યા, મારામારી, ધમકી, ચોરી, હથિયારધારા ભંગ સહિતના છ ગુન્હા નોંધાયેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh