Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એન્ટ્રી થતા જ સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલઃ ભીમ અગિયારસથી વાવણીનું સચવાયું મુહૂર્ત
જામનગર/ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા, ગાઢ વનરાઈ કે પર્વતો, ટેકરીઓ જેને વરસાદનું આકર્ષણ કેન્દ્ર માનવામાં આવે છે તેવું કંઈ ના હોવા છતાં મઘરાજાનું માનીતું હોય કે અહીં ગૌસેવા તથા સામાજિક કાર્યો વધુ થતા હોય મેઘરાજાની મહેર પ્રતિવર્ષ થતી રહે છે તથા ર૦૧૪ માં રાજ્યમાં સૌથી વધુ ૧૧૪ ઈંચ વરસાદનો રેકોર્ડ થયેલો તે ખંભાળિયામાં ગઈકાલે મોસમનો પહેલો જ વરસાદ ૩ કલાકમાં પોણાદસ ઈંચ મોસમનો રપ ટકા વરસાદ પડી જતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી.
ખંભાળિયામાં શનિવારે રાત્રિના અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જે પછી સવારે સૂર્ય પ્રકાશીત વાતાવરણ વચ્ચે બપોરે દે ધનાધન વરસાદ પડ્યો હતો જે ત્રણ કલાકમાં સાત ઈંચ પડતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું તથા રામનાથ રોડ, જોધપુર ગેઈટ, નગર ગેઈટ વિગેરે સ્થળે નદીઓના દૃશ્યો સર્જાયા હતાં તથા તે પછી પણ ધીમી ધારનો વરસાદ રહેતા ર૪ કલાકમાં ર૪૧ મી.મી. એટલે કે પોણાદસ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તથા પ્રથમ વરસાદે જ ખંભાળિયાની તેલી નદીમાં પૂર નીકળી ગયા હતાં.
વિચિત્ર વરસાદ ખંભાળિયા નજીકમાં જ પડ્યો
ગઈકાલે ખંભાળિયામાં વિચિત્ર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની તા. ૧૬ થી રર આગાહી હતી પણ આ ભારે વરસાદ ખંભાળિયા શહેરમાં ભારે પવન સાથે પોણાદસ ઈંચ પડ્યો, જ્યારે ખંભાળિયાથી ૧પ કિ.મી. જામનગર રોડ પર આરાધનાધામ પછી વરસાદ નહીં તડકો જ હતો તો દ્વારકા રોડ પર સોનારડી સુધી વરસાદ તે પછી ભાટિયા સુધી કંઈ નહીં. તો સલાયા જે ખંભાળિયાથી ૧૩ કિ.મી. જ દૂર છે ત્યાં પણ ઝાપટા જ હતાં. હકીકત પ કિ.મી. સુધી વરસાદ હતો તો ભાણવડ રોડ પર ર થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
વરસાદ જોઈએ તો ખંભાળિયામાં પોણાદસ ઈંચ જ્યારે કલ્યાણપુરમાં આજે ૬ મી.મી. વરસાદ પડ્યો હતો. દ્વારકામાં આજે સવારે ૬ થી ૮ દરમિયાન સવા ઈંચ વરસાદ પડ્યો હતો, જયારે ભાણવડમાં ર, કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાણવડના ગ્રામ્ય પંથકમાં પણ બે થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ પરના ગામોમાં પ થી ૮ ઈંચ ક્યાંક ૧૦ ઈંચ તો વિંઝલપુર કેશોદમાં વરસાદ પડ્યો છે. કેશોદ ખંભાળિયાથી ૮ કિ.મી. દૂર છે ત્યાં અડધા ગામમાં વાવણીલાયક વરસાદ છે અડધા ગામમાં નહીં.
ખંભાળિયામાં ભારે વરસાદ પડતા નજીકના ધરમપુર, હર્ષદપુર, રામનગર, શક્તિનગર, માંઝા, કોટા, લલિયા, સામોર, વીરમદળ, હંસ્થળ, વડત્રા, કુહાડિયા સહિતના ગામોમાં અનેક તળાવો, ચેકડેમો છલકાઈ ગયા હતાં.
ભારે વરસાદથી ટ્રાફિક બંધઃ ટ્રક ફસાયો
બપોરે બેથી સાડાત્રણ વાગ્યા દરમિયાન ખંભાળિયા-દ્વારકા રોડ પર અતિ પવન સાથે ભારે વરસાદ પડતા નાના વાહનો ટુવ્હીલ તથા કારચાલકો કાચમાં આગળ કંઈન ના દેખાતા સાઈડમાં ઊભા રહી ગયા હતાં, તો હર્ષદપુરમાં યાર્ડ પાસેના પેટ્રોલપંપ નજીક એક ટ્રક પાણીના ખાડામાં ફસાઈ ગયો હતો, જો કે ઘી ડેમની ઉપરવાસના ગામોમાં બહુ ભારે વરસાદ ના પડતા ઘી ડેમમાં કંઈ નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. પહેલા મોસમના વરસાદથી લોકો નાહવા નીકળી પડ્યા હતાં તો આજે વર્ષો પછી ભીમ અગિયારસના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતાં.
ખંભાળિયા શહેરમાં શનિવારે રાત્રે અડધો ઈંચ વરસાદ થતાં ઘી ડેમ ઉપરનો વીજ થાંભલા ઉપર વૃક્ષ તૂટી પડતા વીજવાયરો પણ તૂટી પડ્યા હતાં. પરિણામે વીજ પુરવઠો ખોરવાયો હતો.
વીજકંપનીની ટૂકડી ઘી ડેમ સિવાયના વિસ્તારમાં રાત્રે જ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો, અને બાકીનું કામ સવારે આઠ વાગ્યા પહેલા પૂર્ણ કર્યું હતું.
શહેરમાં એકાંતરા પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં હોવાથી શનિવારે પાણી વિતરણ નહીં થતા રવિવારે ચોથા દિવસે પાણી વિતરણ કરાયું હતું, અને તેમાંય ૧૦ થી ૧પ મિનિટ સુધી સવારે પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો છે.
ભાણવડ વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બફારા પછી રવિવારે મેઘરાજાનું આગમન થયું હતું. વહેલી પરોઢિયે ચાર કલાકમાં પપ મી.મી. એટલે કે સવા બે ઈંચ જેટલું પાણી વરસી જતા લોકોના હૈયા પૂલકિત થઈ ઝુમી ઊઠ્યા હતાં. વરસાદથી કેટલાયે વિસ્તારોમાં કિસાનોએ મબલક પાક મળશે એવી આશા સાથે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે.
આ વિસ્તારમાં રવિવારે પરોઢિયે આકાશમાં કાળા ડીબાંગ વાદળાઓ છવાયા હતાં. સવારે પાંચ વાગ્યા પછી હવામાનમાં આવેલા પલટા પછી વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શરૂઆતમાં ધીમી કારે અને ત્યારપછી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી.
આજે દસ વાગ્યા સુધીમાં પપ મી.મી. જેટલો વરસાદ નોંધાતા શહેર પાણી-પાણી થયું હતું. ખાસ કરી પ્રારંભમાં બે ઈંચ ઉપર વરસાદ પડી જતા કિસાનોએ પણ પોતાની વાડી-ખેતરમાં વાવણી કાર્યના શ્રીગણેશ કર્યા છે. વરસાદના કારણે રાબેતામુજબની સ્ટાઈલ પ્રમાણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
સલાયામાં પ્રથમ વરસાદે જ રાબેતા મુજબ પાવર ગુલ
ખંભાળિયા તાલુકાના સલાયામાં ગઈકાલે વહેલી સવારથી વાદળો બંધાયા હતાં તેમજ પવનની ઝડપ પણ ઘટી જવા પામી હતી, અને ગરમીનું પ્રમાણ વધુ હતું.
આ પછી બપોરે ૩ થી ૪ વાગ્યા સુધી ધીમીધારે અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતા પ્રિ-મોન્સુન કામગીરી બાબતે લોકો રમૂજ કરતા જોવા મળ્યા હતાં.
મોસમના પ્રથમ વરસાદથી બાળકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી, તો વીજ પુરવઠો ખોરવાતા લોકો બેહાલ બન્યા હતાં. ભીમ અગિયાર પહેલા મેઘરાજાએ શકન સાચવતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતાં.
જામનગર નજીક ગામડામાં એકથી દોઢ ઈંચ વરસ્યો
જામનગરમાં શનિવારે ભારે ઉકળાટ અને બફારા પછી વરસાદ પડ્યો હતો, જો કે અમુક વિસ્તારમાં વધુ અને અમુક વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો હતો.
જામનગરમાં જડેશ્વર પાર્ક ચોકડી વિસ્તારમાં સારો વરસાદ પડી જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં અને પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રથમ વરસાદે જ ધજાગરા જોવા મળ્યા હતાં.
જામનગર શહેર ઉપરાંત જામજોધપુર પંથકમાં બે મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું. એ સિવાય જિલ્લામાં નોંધનીય વરસાદ થયો નહતો, અમુક ગામડામાં સારો વરસાદ વરસી ગયો હતો.
શનિવારે જામનગર જિલ્લાના ગામડામાં વસઈમાં ૮ મી.મી., મોટી બાણુંગારમાં ર૬ મી.મી., અલિયાબાડામાં ૪૦ મી.મી., દરેડમાં ૪, હરિપરમાં ૧૭ મી.મી., પડાણામાં ૧૦, પીપરટોડામાં ૮, લાખાબાવળમાં પ, ભણગોરમાં ૪ મી.મી., જામનગરમાં ૩ મી.મી. વરસાદ પડ્યો હતો.
મીઠાપુર-સૂરજકરાડીમાં સામાન્ય વરસાદમાં અંધારા
ઓખામંડળમાં વીજકંપની દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મીઠાપુર-સૂરજકરાડી વિસ્તારમાં સામાન્ય વરસાદ થતા જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
અગાઉ ચાર-પાંચ દિવસ સુધી સવારે ૮ થી ૧૦ નો વીજકાપ આપી પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવી હતી, તો પછી વીજ પુરવઠો કેમ ખોરવાયો? હજુ તો ચોમાસું બાકી છે ત્યારે લોકોની હાલત શું થશે? એ તો આવનાર સમય કહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial