Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૮૪ હજારથી વધુ ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ

ફાર્મર માસ્ટર ટ્રેનર તથા ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા

જામનગર તા. ૧૭: આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા જિલ્લાના ૮૪ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ હતી. ખેડૂતોને યોગ્ય તાલીમ મળી રહે તે હેતુથી ૧૦ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બનાવી ફાર્મર માસ્ટર ટ્રેનર તથા ટેકનિકલ માસ્ટર ટ્રેનરોની નિમણૂક કરાઈ હતી.

પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિનું પણ સંવર્ધન થાય છે. કેમિકલ મુક્ત ખેતીને લીધે જમીન ફળદ્રુપ બને છે અને પ્રાકૃતિક તત્વો જળવાતા જન આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટે છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણના સંરક્ષક તરીકે પણ ઉભરી  આવી છે.

દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહ્યુ છે.આ માટે જિલ્લામાં ૧૦ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૪૨ ક્લસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનિકલ માસ્ટર ટ્રેનરની નિમણૂક અને સંચાલન હેઠળ પ્રત્યેક ગામમાં ચાર તાલીમ આપવાની કામગીરી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ૧ મે, -૨૦૨૩થી અમલમાં છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪મા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જિલ્લામાં ૮૪,૭૧૯ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, મિક્સ ક્રોપિંગ જેવા વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમના માધ્યમથી ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના થતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રસાયણ મુક્ત હોય માનવ સ્વાસ્થ્ય અને પ્રકૃતિને નુકસાનકારક હોતી નથી તેમજ મનુષ્ય રોગ મુક્ત રહે છે. ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જમીનની પોષણ વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવે છે.

વિવિધ પ્રકારના ખાતર જેવા કે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા ખર્ચ વિના થતી આ પ્રાકૃતિક ખેતીથી જમીનના બંધારણમાં અને જમીન સ્વાસ્થ્યમાં અત્યંત લાભદાયી સાબિત થયેલ છે.

રાજ્ય કક્ષાએ રાજ્યપાલ અને જિલ્લા કક્ષાએ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં આજ દિન સુધીમાં કુલ ૮૪૭૧૯ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. રાજ્યપાલ લિખિત પ્રાકૃતિક ખેતીની પુસ્તિકાઓનું પણ ઉક્ત તાલીમમાં વિનામૂલ્યે ખેડૂતોને વિતરણ કરીને સઘન અભ્યાસ સારૂ પ્રેરણા આપવામાં આવી રહી છે.

જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળમાંથી ખેડૂતોને તૈયાર જીવામૃત અને ઘન જીવામૃત ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પાક સંરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્ત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા ખેડૂતોને તાલીમમાં ઉપસ્થિત રાખીને ૫ૂરૃં પાડવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પણ આગામી સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ પ્રોત્સાહિત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh