Advertisement
Author: નોબત સમાચાર

કોણે કહ્યું કે, ઘરનો શીરો ખીચડી જેવો અને પારકી ગંદી ખીચડી માવા જેવી લાગે?

હરિયાણાના અનિલ વીજની હાલત પણ કાંઈક આવી જ થઈ ગઈ!

અમદાવાદ/કડી તા. ૧૩ઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું એક પ્રવચન ઘણું જ વાયરલ થઈ રહ્યું છે, તો બીજી તરફ હરિયાણામાં અચાનક થયેલું સત્તા પરિવર્તન પણ ચર્ચામાં છે.

કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, 'ઘણાં લોકોને' ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકી ગંદી ખીચડી માવા જેવી લાગે, પણ ક્યો કાર્યકર ક્યાં કામ લાગે, એ અમે જ જાણીએ. આ પ્રકારનું પટેલનું પ્રવચન ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

નીતિનભાઈએ તો આ વાત કડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈને કરી હશે, પરંતુ ઘણાં અર્થઘટનો થઈ રહ્યા છે અને આ કટાક્ષને ભાજપે આદરેલા ભરતીમેળા સાથે પણ સાંકળવામાં આવી રહ્યો છે. નીતિનભાઈએ જે 'ચમચાગીરી'ની વાત કરી તેને પણ વિવિધ સંદર્ભે મુલવવામાં આવી રહી છે. કેટલાક રાજકીય પંડિતો તો નીતિનભાઈના આ નિવેદનને હરિયાણામાં અચાનક થયેલા સત્તાપરિવર્તન સાથે પણ સાંકળી રહ્યા છે.

જેવી રીતે વર્ષ ર૦રર ની ગુજરાતની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેની સરકારને વિદાય આપીને ભૂપેન્દ્રભાઈ પટેલની નવી સરકાર રચાઈ, તેવી જ રીતે હરિયાણામાં ખટ્ટર સરકારને રવાના કરીને નાયબ સૈનીની સરકાર ગઈકાલે એક જ દિવસમાં રચાઈ ગઈ છે.

જો કે, ગુજરાતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આ ફેરફાર થયો હતો, પરંતુ હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી જતા આ પરિવર્તન કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને હરિયાણા કોંગ્રેસના નેતાઓ ભાજપ-જેજેપીની મિલિભગતથી ઘડાયેલી વ્યૂહરચના ગણાવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમ્બન્સીની અસર ઓછી થાય અને ભાજપ વિરોધી મતો વહેંચાઈ જાય તે હેતુથી આંતરિક સમજપૂર્વકનું આ કદમ રાજનૈતિક ચતૂરાઈ હોવાના અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, જો કે, જેજેપીએ નવી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવાનું શરૂ પણ કરી દીધું છે.

રૂપાણી સરકાર સમયે જે દબદબો નીતિનભઈ પટેલનો હતો, તેઓ જ દબદબો ધરાવતા હરિયાણાની ખટ્ટર સરકારમાં મંત્રી રહેલા અનિલ વીજની હાલત પણ નીતિનભાઈ જેવી જ થઈ ગઈ છે, ત્યારે જોઈએ, હવે રાજનીતિ ભવિષ્યમાં કેવા કેવા નવા રંગરૂપ ધારણ કરે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh