Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસ્લિમ સમાજ ગભરાય નહીં, તેઓને હિન્દુઓ જેટલા જ અધિકારઃ કેન્દ્રિય ગૃહમંત્રાલય
નવી દિલ્હી તા. ૧૩ઃ ભારતે સીએએ અમલી બનાવતા તેનો વૈશ્વિક સંસ્થાઓ તથા અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે, જ્યારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ભારતના મુસ્લિમોને હિન્દુઓ જેટલા જ અધિકારો હોવાથી ગભરાવાની જરૂર નહીં હોવાની ચોખવટ કરેલ છે.
અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ ભારતના વિવાદિત નાગરિક્તા સુધારા કાયદા સામે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારતના આ કાયદાને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રની મોદી સરકારે ૩૧ ડિસેમ્બર ર૦૧૪ થી પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ઝડપથી નાગરિક્તા આપવા માટે નાગરિક્તા (સુધારા) કાયદો-ર૦૧૯ (સીએએ) ને સોમવારે ૧૧ માર્ચે લાગુ કર્યો હતો. હવે તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
હ્યુમન રાઈટ્સ વોચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે, આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. સીએએ હેઠળ આવા દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે ભારતે સીએએમાંથી એવા પડોશી દેશોને પણ બાકાત રાખ્યા છે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં છે. અહીં મ્યાનમારનો ઉલ્લેખ કરાયો હતો કે જ્યાં રોહિંગ્યા લઘમુતીમાં છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈકમિશનરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમે ર૦૧૯ માં જ કહ્યું હતું કે, અમે ભારતના નાગરિક્તા (સુધારા) કાયદો ર૦૧૯ (સીએએ) વિશે ચિંતિત છીએ, કારણ કે તે મૂળભૂત રીતે ભેદભાવ કરે છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે.' સંયુક્ત રાષ્ટ્ર એ તપાસ કરી રહ્યું છે કે, શું સીએએના નિયમો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા સાથે સુસંગત છે. અમેરિકાએ ૫ણ સીએએ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હુતં કે, "અમે ૧૧ માર્ચે જાહેર કરાયેલી નાગરિકતા (સુધારા) કાયદાની સૂચનાથી ચિંતિત છીએ. અમે આ કાયદો કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો માટે સમાન વ્યવહાર એ લોકશાહીનો મૌલિક સિદ્ધાંત છે."
ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્નાએ પણ નાગરિકતા (સુધારા) કાયદાનો વિરોધ કરતા કહ્યું કે "હું તેનો (સીએએ) વિરોધ કરૃં છું. ઈમિગ્રેશન પ્રત્યેનો મારો અભિગમ હંમેશાં બહુલવાદ તરફ રહ્યો છે."
એક્ટિવિસ્ટ અને અધિકારોના હિમાયતીઓ કહે છે કે, આ કાયદો પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) સાથે મળીને ભારતના ર૦ કરોડ મુસ્લિમો સામે ભેદભાવ કરી શકે છે. આ વિશ્વની ત્રીજી સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે. લોકોને ડર છે કે, સરકાર કેટલાક સરહદી રાજ્યોમાં માન્ય દસ્તાવેજો વિનાના મુસ્લિમોની નાગરિકતા રદ્દ કરી શકે છે.
જો કે, ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતીય મુસ્લિમોએ નાગરિકતા (સુધારા) અધિનિયમ (સીએએ) વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે, કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી. જેમને તેમના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો સમાન જ અધિકાર છે. સીએએ પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહમંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે.
ગઈકાલે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિક્તા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિન્દુઓ જેટલો જ અધિકાર છે મંત્રાલયે સીએએ અંગે મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ કર્યું કે, સીએએ કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિક્તા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવે.
ગૃહમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સીએએમાં કોઈપણ ભારતીયનની નાગરિક્તાને પ્રભાવિત કરે તેવી કોઈ જોગવાઈ નથી. તેમાં ભારતમાં રહેતા ૧૮ કરોડ ભારતીય મુસ્લિમો સાથે આ કાયદાને કોઈ લેવાદેવા નથી જેમની પાસે હિન્દુ ભારતીય નાગરિકો સમાન જ અધિકારો છે. સીએએ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે જોગવાઈઓ છે જેઓ ૩૧ ડિસેમ્બર, ર૦૧૪ પહેલા ભારતમાં આવ્યા છે અને અહીં ગેરકાયદેસર શરણાર્થીઓ અહીં રહી રહ્યા છે.
ગૃહમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ત્રણ મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને કારણે સમગ્ર વિશ્વમાં ઈસ્લામની છબિ ખરાબ રીતે કલંકિત થઈ છે, જો કે ઈસ્લામ એક શાંતિપ્રિય ધર્મ હોવાના કારણે ક્યારેય ધાર્મિક આધાર પર ધૃણા, હિંસા, ઉત્પીડનને પ્રોત્સાહન નથી આપતો. આ કાયદો અત્યાચારના નામ પર ઈસ્લામની છબિને કલંકિત થવાથી બચાવે છે. આ કાયદાને જરૂરી ગણાવતા મંત્રાલયે કહ્યું કે તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે પ્રવાસીઓને આ દેશોમાં પાછા મોકલવા માટે કોઈ કરાર નથી. આ નાગરિક્તા કાયદો ગેરકાયદેસર શરણાર્થીઓના દેશનિકાલ સાથે સંબંધિત નથી. તેથી મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા અયોગ્ય છે કે સીએએ મુસ્લિમ લઘુમતીઓ વિરૂદ્ધ છે.
મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે નાગરિક્તા અધિનિયમની કલમ ૬ જે પ્રાકૃતિક આધાર પર નાગરિક્તા સાથે સંબંધિત છે તે હેઠળ વિશ્વમાં ક્યાંયથી પણ મુસ્લિમો માટે ભારતીય નાગરિક્તા મેળવવા પર કોઈ રોક નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય ધર્મોના ભારતીય નાગરિકોની જેમ ભારતીય મુસ્લિમો માટે આઝાદી પછીથી તેમના અધિકારોની સ્વતંત્રતા અને તકમાં ઘટાડો કર્યા વિના સીએએને ૩૧ ડિસેમ્બર, ર૦૧૪ ના અથવા તે પહેલા ભારતમાં આવેલા લોકોના અત્યાચારની પીડાને ઘટાડવા અથવા તેમના પ્રત્યે ઉદાર વર્તન દેખાડવાના ઉદ્દેશ્યથી નાગરિક્તા માટે અરજી કરવાની પાત્રતાનો સમયગાળો ૧૧ થી ઘટાડીને પાંચ વર્ષ કરી દેવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક્તા પ્રણાલીમાં જરૂરી ફેરફારો લાવવા અને ગેરકાયદેસર શરણાર્થીઓને નિયંત્રિત કરવા માટે કાયદો જરૂરી હતો. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદો એવા કોઈપણ મુસ્લિમને હાલના કાયદા હેઠળ ભારતીય નાગરિક્તા માટે અરજી કરતા રોકતો નથી, જેમણે એ ત્રણ ઈસ્લામિક દેશોમાં પોતાના ઈસ્લામના નિયમોનું પાલન કરવા માટે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હોય.
વોટબેન્ક માટે કાયદો લાગુ પડાયો હોવાનો આક્ષેપ
સીએએ પાછો ખેંચવા કેજરીવાલે ઉઠાવી માંગણી ઓવેસીએ પણ વિરોધ દર્શાવ્યો
નવી દિલ્હી તા. ૧૩ઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વિશેષ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે સીએએનો, કાયદો તત્કાળ પાછો ખેંચવો જોઈએ. આ સમગ્ર દેશની માંગ છે. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો તે આ કાયદો વોટબેન્કની રાજનીતિ હેઠળ લાવવામાં આવ્યો છે.
ભાજપના રવિશંકરપ્રસાદે આનો જવાબ આપતા કહ્યું કે લોકોને ગુમરાહ કરવાનું કેજરીવાલ બંધ કરે. બીજી તરફ અસરુદ્દીન ઓવૈસીએ પણ સીએએનો વિરોધ કર્યો છે. આ મુદ્દો આજે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial