Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર સાથે પરિચય ગાઢ બનાવી વિગતો હસ્તગત કર્યા પછી કર્યાે હતો હાથફેરોઃ
જામનગર તા. ૫: જામનગરની આરાધના સોસાયટીમાં એક મકાનમાં ગયા સપ્તાહે ઘરફોડ ચોરી થઈ હતી. ત્યાંથી રૂ. ૧૧ લાખ રોકડા ચોરાયા હતા. આ બનાવની તપાસમાં એલસીબીએ ચોરીને અંજામ આપનાર શખ્સને દબોચી તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે. મકાનમાં રહેતા પરિવાર સાથે ત્રણેક વર્ષથી સંપર્કમાં રહેલા ખંભાળિયા તાલુકાના પીપળીયાના શખ્સે ચોરીની કબૂલાત આપી છે.
જામનગરના ગુરૂદત્તાત્રેય મંદિર રોડથી સરૂ સેક્શન તરફ જવાના રોડ પર આવેલા વી માર્ટ પાછળ આરાધના સોસાયટીમાં વસવાટ કરતા પેટ્રોલપંપ સંચાલક રમેશભાઈ કુંડલીયા નામના આસામી સાતમ-આઠમના તહેવારમાં પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. તેમના પાંચેક દિવસ બંધ પડેલા તેમના મકાનમાંથી રૂ. ૧૧ લાખ રોકડાની ચોરી થઈ હતી.
ગયા શનિવારે રાત્રે ઘેર આવેલા રમેશભાઈ તથા પરિવારે ઘરમાં માલસામાન વેરણછેરણ જોયો હતો. તે પછી તપાસ કરાતા કબાટમાંથી રૂ. ૧૧ લાખની રોકડ નદારદ જણાઈ આવતા પોલીસને જાણ કરાઈ હતી.
આ બાબતની તપાસ માટે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફ અને એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા અને સ્ટાફ દોડી ગયા હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ચોરીની તપાસ માટે ખાસ ટીમની રચના કરી હતી. તે ટૂકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. તે મકાનમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરીનો બનાવ કંડારાઈ ગયો હોય તેની પણ ચકાસણી કરાઈ હતી.
તે દરમિયાન એલસીબીના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમભાઈને બાતમી મળી હતી કે, આ ચોરીમાં ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામનો લખમણ માંડણભાઈ અસ્વાર સંડોવાયેલો છે. તે શખ્સના દબાવાઈ રહેલા સગડ દરમિયાન ઉપરોક્ત આરોપી સમર્પણ સર્કલથી આગળ આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી એલસીબીએ લખમણ માંડણ અસ્વાર (ઉ.વ.૩૬)ની અટક કરી તેની તલાશી લેતા તેની પાસે રહેલા થેલામાંથી રૂ. ૫૦, રૂ. ૨૦૦, રૂ. ૫૦૦ના દરની કુલ રૂ. ૧૧ લાખની રોકડ મળી આવી હતી. તે રકમ ઝબ્બે લઈ લખમણને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં આ ચોરીનો ભેદ ખૂલી જવા પામ્યો છે.
ઉપરોક્ત શખ્સે ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. ત્રણેક વર્ષ પહેલાં લખમણ પેટ્રોલપંપ સંચાલક રમેશભાઈના નવા બનતા મકાનમાં મજૂરીકામે આવતો હતો. તે પછી તેણે ઘરોબો કેળવી લીધો હતો અને ઉપરોક્ત પરિવાર તહેવારમાં બહારગામ જવાનો હોવાની જાણ થઈ જતાં તેણે ઉપરોક્ત મકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપી પોબારા ભણી લીધા હતા પરંતુ આ શખ્સ વધુ કલાકો સુધી બહાર રહી શક્યો ન હતો અને એલસીબીએ પકડી પાડ્યો હતો.
આજે સવારે આ શખ્સને પત્રકારો સમક્ષ લાવી એસપી પ્રેમસુખ ડેલુએ વિગતો આપી હતી. આ શખ્સ સામે વર્ષ ૨૦૨૧માં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના જુદા જુદા બે ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સે પેટ્રોલપંપ સંચાલકના મકાનમાં તે મકાનની ચાવીથી જ પ્રવેશી ચોરી કર્યાની કબૂલાત આપી દીધી છે. આ શખ્સની વધુ પૂછપરછ કરાઈ રહી છે. આ કાર્યવાહીમાં પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઈ પી.એન. મોરી તેમજ સ્ટાફના દિલીપ તલાવડીયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોર પરમાર, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા, શરદ પરમાર, હિરેન વરણવા,, બળવંતસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
ત્રણ વર્ષથી પરિવાર સાથે સંપર્કમાં હતોઃ
પરિવાર સાથે ઘરોબો કેળવી જાણકારી પ્રાપ્ત કર્યા પછી આ શખ્સે ચોરીને આપ્યો અંજામ
પેટ્રોલપંપ્ વાળા રમેશભાઈના નવા બનતા મકાનમાં ત્રણ વર્ષ પહેલાં મજૂરીકામે આવતા લખમણે જે તે વખતે આ પરિવાર સાથે ઘરોબો કેળવ્યો હતો. દર શનિ-રવિવારે રમેશભાઈના ઘેર આવી આ શખ્સ સંપર્ક ગાઢ બનાવી રહ્યો હતો અને આ શખ્સે ઘરની ચાવી ક્યા રાખવામાં આવે છે તેનાથી માંડી સ્લાઈડીંગ ડોરથી કેવી રીતે ઘૂસી શકાય તેની પણ વિગતો હાથવગી રાખી હતી અને આ પરિવાર પેટ્રોલપંપ પરથી મળતી મોટી રકમ ઘરમાં જ રાખતો હોવાની જાણકારી પણ મેળવી હતી. ત્યારપછી સાતમ-આઠમમાં રમેશભાઈનો પરિવાર બહારગામ જતાં તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો ૫રંતુ પોલીસની તપાસમાં આ શખ્સનો ભાંડો ફૂટી ગયો છે.
બહારગામ જતાં પહેલાં નગરજનોએ પોલીસને જાણ કરવા એસપીનો અનુરોધ
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આજે વધુ એક વખત નગરજનોને જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ દાગીના કે મોટી રોકડ ઘરમાં ન રાખવી જોઈએ અને પરિવાર સાથે પ્રસંગોપાત બહારગામ જવાનું થાય ત્યારે નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી જાણ કરવી જોઈએ. તેમજ રોકડ કે દાગીનાની લેતીદેતી બહારના વ્યક્તિની હાજરીમાં ન કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial