Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડના ભાવો ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો કેમ ઘટાડાતા નથી?: યક્ષ પ્રશ્ન

વર્ષ ૧૯૯૦ માં ૯.૮૪ રૂપિયે લીટર વેંચાતું પેટ્રોલ આજે ૯૪ રૂપિયે લીટર!

નવી દિલ્હી તા. પઃ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડના ભાવો ઘટવા છતાં દેશની જનતાને તેનો લાભ કેમ મળતો નથી? તેવો યક્ષપ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે અને લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટવાની આશા સેવી રહ્યા છે.

મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે વધુ મુશ્કેલી ઊભી કરી છે. અમેરિકામાં મંદીના ડર અને ચીનમાં મંદીના કારણે સોમવારે ક્રૂડની કિંમત લગભગ પ ટકા ઘટી ગઈ હતી, જ્યારે બુધવારે પણ લગભગ ૧ ટકા ઘટી હતી. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડબલ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે અને બરેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૭૩ ડોલરની નીચે આવી ગયું છે. જે છેલ્લા ૯ મહિનામાં સૌથી નીચું સ્તર છે.

ક્રૂડ ઓઈલના ભાવ એક વર્ષમાં લગભગ ર૪ ટકા અને જુલાઈ ર૦ર૪ થી ૧પ ટકાથી વધુ ઘટ્યા છે, પરંતુ ભારતીય ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડાથી સરકારી ઓઈલ કંપનીઓને ઘણો ફાયદો થશે. તેમને ક્રૂડ ઓઈલ સસ્તામાં મળશે, પરંતુ સામાનય લોકોને તેનો ફાયદો થશે કે નહીં તે એક યક્ષ પ્રશ્ન છે, કારણ કે ઓઈલ કંપનીઓ ભૂતકાળની ખોટનું બહાનું બનાવીને ભાવ ઘટાડા મુલત્વી રાખે છે અને કેન્દ્ર સરકાર પણ મૂક પ્રેક્ષક બનીને રહે છે.

ઓગસ્ટ ર૦ર૪ માં સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિલિટર રૂ.  ૯.૩ અને ડીઝલ પર રૂ.  ૭.૬ પ્રતિલિટર કમાણી કરતી હતી. જે હવે પ્રતિલિટર રૂ.  ૧૩-૧૪ થવાની ધારણા છે. અમેરિકામાં મેન્યુફેક્ચરીંગમાં મંદી આવી છે તેમજ ચીનમાં આર્થિક મંદીના કારણે માંગમાં ઘટાડો થવાની સંભાવના છે. ત્યાં મેન્યુફેક્ચરીંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલની માંગ પર વિપરીત અસર પડી રહી છે. લોકો કહી રહ્યા છે કે હવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો!

ભાવમાં આ ઘટાડો લિબિયામાંથી ક્રૂડ ઓઈલની નિકાસ શરૂ થવાની અપેક્ષાને કારણે પણ છે. લિબિયાની હરિફ સરકારો વચ્ચેના વિવાદ પછી ત્યાંનું ઓઈલ ફિલ્ડ બંધ થઈ ગયું હતું, પરંતુ હવે લિબિયન સેન્ટ્રલ બેંકના ગવર્નરની નિમણૂક પછી ફરીથી ઓઈલ સપ્લાય શરૂ થવાની સંભાવના છે.

જો કે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરના અપડેટ મુજબ આજે એટલે કે પ સપ્ટેમ્બર ર૦ર૪ ના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હજી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધી જ રહ્યો છે, પરંતુ નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળે તેમ લાગતું નથી.

દેશમાં લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ૧૯૯૦ થી લઈને અત્યાર સુધીમાં દેશમાં પેટ્રોલની કિંમત લગભગ ૧૦ ગણી વધી ગઈ છે. વર્ષ ૧૯૯૦ માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯.૮૪ રૂપિયા પ્રતિલિટર હતી જે આજે ૯૪.૭ર રૂપિયા પ્રતિલીટર છે, જ્યારે ઘણાં શહેરોમાં ૧૦૦ રૂપિયાથી પણ વધુ કિંમતે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે.

છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં પેટ્રોલના ભાવ વધવાના ઘણાં કારણો હતાં. આમાં ઘણાં પ્રકારના ટેક્સનો સમાવેશ થાય છે. ભારતમાં પેટ્રોલની છૂટક કિંમતમાં ટેક્સનો હિસ્સો પપ રૂપિયાની આસપાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્ને પેટ્રોલ પર ટેક્સ વસૂલે છે. ભારતની સરખામણીએ અમેરિકામાં પેટ્રોલની કિંમત ૧૯૯૦ થી માંડ ત્રણ ગણી વધી છે.

અમેરિકામાં ૧૯૯૦ માં એક ગેલન પેટ્રોલની સરેરાશ કિંમત ૧.૧૪ ડોલર હતી, જે હવે ૩.૩૩ ડોલર પર પહોંચી ગઈ છે. એક ગેલન ૩.૭૮પ લિટર બરાબર છે. ભારતીય રૂપિયામાં જોઈએ તો અમેરિકામાં તે ૯૩ રૂપિયા પ્રતિલિટરની આસપાસ છે.

યુક્રેન યુદ્ધના કારણે ર૦રર માં સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેના કારણે અમેરિકામાં પેટ્રોલની સરેરાશ કિંમત પ.ર૮ ડોલર પ્રતિગેલન પર પહોંચી ગઈ છે, પરંતુ ગયા વર્ષે તેમાં થોડો ઘટાડો થયો અને પ્રતિગેલન ૪.૭૮ ડોલર રહ્યો હતો. ર૦૧૬ માં અમેરિકામાં પેટ્રોલની કિંમત ઘટીને ર.૮ ડોલર પ્રતિગેલન થઈ ગઈ હતી. એ જ રીતે ર૦૧ર માં તે ૪.૦૯ ડોલર પ્રતિગેલન પર પહોંચી ગયું હતું. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો ર૦૧ર ની સરખામણીમાં આજે અમેરિકામાં પેટ્રોલની કિંમત ઓછી છે, પરંતુ ભારતમાં આવું નથી. દેશમાં પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh