Advertisement
Author: નોબત સમાચાર

માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે ધરતી પુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવશે તો સમૃદ્ધિ-ઉન્નતિના દ્વાર ખૂલશેઃ રાજ્યપાલ

દ્વારકા જિલ્લાના ધિણકી ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદઃ

જામનગર તા. ૨૨: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધિણકીમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો.

પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના પરિણામે કૃષિમાં વ્યાપક ફેરફારો આવ્યા છે. ટેકનોલોજીની સાથે સાથે ઝેર મુક્ત પ્રાકૃતિક કૃષિ અપનાવવી ખૂબ જ આવશ્યક છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો પાસેથી ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરૂદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માગી હતી.

ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ પરંતુ આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે. જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. આજે ખેતીલાયક જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટયું છે. કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઈટ્રોજન વધે છે. વાતાવરણના સંરક્ષણ માટે આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ પડશે તેમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતભાઈઓની ગ્રંથી હોય છે કે, વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે પરંતુ હકીકતમાં તેનાથી તદ્દન વિપરિત થઈ રહ્યું છે. જો ખેડૂતો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનો વ્યવસ્થિત રીતે અમલ કરે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. આગામી સમયમાં સારા-સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી, ખર્ચ ઘટાડવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. જેમ ટીપે-ટીપે સરોવર ભરાય તેમ સૌ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તો આપણી આવનારી પેઢીને આપણે એક સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ તથા સમૃદ્ધ કૃષિ આપી શકીશું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલ્સનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ અવસરે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ કલેક્ટર શ્રી એ.બી.પાંડોર, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન.ડઢાણીયા, અગ્રણી લુણાભા સુમણીયા, સરપંચ સહિત ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર વિક્રમસિંહ ચૌહાણે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh