Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા વિસ્તારના ૭ નિર્જન ટાપુઓમાં ડિમોલીશનઃ ૩૬ દબાણો હટાવાયા

પ્રવેશબંધી હોવા છતાં તંત્રની મીઠી નજર હેઠળ જે-તે સમયે ખડકાયેલા બાંધકામોનું જવાબદાર કોણ ?

ખંભાળિયા તા. ૨૨: બેટ-દ્વારકા વિસ્તારમાં સાત નિર્જન ટાપુઓ પરના ગેરકાયદે દબાણો હટાવાયા છે. જ્યાં પ્રવેશબંધી છે તેવા ટાપુઓ પર ધાર્મિક સ્થાનો સહિતના બાંધકામો થયા હોવાથી દબાણકર્તાઓ ઉપરાંત જે તે સમયના સરકારી અધિકારીઓની મીઠી નજર પણ દબાણો માટે કારણભૂત હોવાનું જણાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બેટ વિસ્તારમાં ૭૨ કરોડ ઉપરાંતના દબાણો હટાવાયા પછી દ્વારકા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા ફોરેસ્ટ વિભાગના સંયુકત ઓપરેશનમાં ગઈકાલે સાત નિર્જન ટાપુઓ પર ૩૬ દબાણો જ્યાં આલીશાન ધાર્મિક સ્થળો મસ્જીદો કોમર્શીયલ બિલ્ડીંગ બનેલ તેને જમીન દોસ્ત કરાયા હતા.

૩ થી ૧૦ વર્ષ જુના બાંધકામો

જે સાત ટાપુઓ પર દબાણો હટાવાયા તે દબાણો ૩ થી ૧૦ વર્ષ જુના હોવાનું બહાર આવ્યું હતું તથા આ તમામ બાંધકામો તોડી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ટાપુઓ પર વાહનો જઈ શકવા પણ મુશ્કેલ હોય ખાસ વહાણમાં જેસીબી, હીટાચી મશીનો લઈ જઈને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

કડક પગલા દબાણ કર્તાઓની તપાસ

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ જણાવેલ કે જે આસામીઓએ દબાણો કર્યા હશે તેની સામે લેન્ડ ગ્રેબીંગ તથા ભારતીય ન્યાય સંહિતા મુજબની કાર્યવાહી-પગલા પણ લેવામાં આવશે.

દ્વારકા જિલ્લામાં ૨૩૫ કિલોમીટર દરિયો આવેલો હોય તથા પાકિસ્તાન માત્ર ૮૦ નોટીકલ માઈલ દૂર હોય દરિયાઈ સુરક્ષા તથા આંતરિક આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ આ ખૂબ મહત્ત્વનો વિસ્તાર હોય તાજેતરમાં બેટ ડિમોલીશન પછી આ ટાપુઓ પર પણ દબાણો હોવાનું માલુમ પડતા આ ડિમોલેશન થયું હતું.

જિલ્લામાં ૨૧ ટાપુ નિર્જન પ્રતિબંધિત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૩ ટાપુઓ આવેલા છે. જેમાં બેટ દ્વારકા તથા અજાડ ટાપુ માનવ વસ્તીવાળા છે. જ્યારે ૨૧ ટાપુ નિર્જન છે. તથા પ્રતિબંધિત છે કે જ્યાં લોકોને જવાની પણ મનાઈ છે અને ત્યાં કોઈને રહેવાની પણ પરવાનગી નથી.

દબાણો હટાવાયા તો એ પ્રશ્ન થાય કે આવડા બાંધકામો કરવા માટે પથ્થરો, સિમેન્ટ, કાંકરી, રેતી વિ. કેટલો સામાન જોઈએ તથા મહિનાઓ સુધી બાંધકામ ચાલે પાકુ સિમેન્ટ, ક્રોક્રીટનું બાંધકામ હતું તો તે સ્થાનિક તંત્રને ધ્યાને નહીં પડ્યું હોય ? બીજુ કે ધાર્મિક સ્થાનો મસ્જીદ વિ. ત્યાં હોય જ્યાં લોકોની વસ્તી હોય તથા ત્યાં લોકો આવતા હોય જે ટાપુઓ પર લોકોની અવર-જવર પ્રતિબંધિત છે. તેવા ટાપુઓ પર ધાર્મિક સ્થાન અને કોમર્શીયલ બાંધકામ શા માટે? જો નિર્જન ટાપુઓ પર પ્રતિબંધિત ટાપુઓ પર આવડા બાંધકામ થઈ જતાં હોય તો દેશની સુરક્ષા માટે ભયજનક બાંધકામ કે પ્રવૃત્તિ પણ થાયને ? ૩ થી ૧૦ વર્ષ જુના બાંધકામ રાતોરાત બન્યા  તથા બનવા માટે મહિનાઓ લાગ્યા હશે તથા બોટોમાં માલ-સામાન મજુરો કડીયા ત્યાં પહોંચાડયા હશે તે પણ તપાસનો વિષય છે.

પોલીસ ઉંડી તપાસ કરશે

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા આ સાત ટાપુઓ કે ત્યાં ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શનમાં આ મોટું ડિમોલીશન કરાયું હતું તથા ઉંડી તપાસ કરીને ત્યાં માલ સામાન કોણે ૫હોંચાડયો કોણે બાંધકામ કરાવેલું તે અંગે તથા આ કામના મદદગારો અંગે પણ ઉંડી તપાસ હાથ ધરી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે દર બે-ચાર મહિને નિર્જન અને સંવેદનશીલ ટાપુઓ પર અવર-જવર/ પ્રવેશ અંગે કડક પ્રતિબંધ ફરમાવતા વિસ્તૃત જાહેરનામા (પ્રેસનોટ) પ્રસિદ્ધ થાય છે, તો આવા જાહેરનામાનો અમલ જે તે સમયે કેમ ન થયો ? તેવો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh