Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદરથી સામાન ભરી ઈરાન જવા રવાના થયેલું વહાણ મધદરિયે ડુબ્યુંઃ ૧૨ ખલાસીનો થયો બચાવ

કોસ્ટગાર્ડનું સાર્થક જહાજ અણીના સમયે પહોંચતા ૧૨ ખલાસીના જીવ બચ્યાંઃ

સલાયા તા. ૫ઃ સલાયાનું એક વહાણ પોરબંદરના દરિયાકાંઠેથી સોમવારે માલ-સામાન ભરી ઈરાન જવા માટે રવાના થયા પછી બુધવારે સવારે મધદરિયે ઉઠેલા તોફાનના કારણે ડુબી ગયું હતું. તેના તમામ ૧૨ ખલાસીને ઉગારી લેવામાં આવ્યા હતાં. આ વહાણનો વિમો ન હોવાથી તેના માલીકને મોટી આર્થિક નુકશાની ભોગવવી પડે શકે છે. આ જહાજ ડુબી રહ્યુ હોવાની વિગતો મળતાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનની એમ.આર.સી.સી.નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોસ્ટગાર્ડનુ જહાજ મધદરિયે મદદ માટે પહોંચ્યુ હતુ અને તમામ ખલાસીનો બચાવ થઈ જવા પામ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સલાયાના રહેવાસી સુલતાન ઈસ્માઈલ સુંભણીયા નામના આસામીનુ એમ.એન.વી.-૨૧૭૮ નંબરનુ અને અલ-પીરાન-એ-પીર નામનુ વાહન ત્રણેક દિવસ પહેલા પોરબંદરના દરિયાકાંઠેથી કેટલોક માલ-સામાન ભરીને ઈરાનના અબ્બાસ બંદર પર જવા માટે રવાના થયું હતુ.

આ વહાણમાં ટન્ડેલ સહીત ૧૨ ખલાસી હતા તેઓ જ્યારે મધદરિયે પહોંચ્યા ત્યારે સવારના સમયે અચાનક હવામાન પલટાયું હતુ અને ફુંકાઈ રહેલા પવન વચ્ચે આ વહાણ હાલકડોલક થવા લાગ્યું હતું. ડૂબવાના આરે આવી ગયેલા આ વહાણ ખલાસીઓએ ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસોસિએશનને ઈમેઈલ મારફત જાણ કરી હતી. આ સંસ્થાના સેક્રેટરી આદમ ભાયાએ મુંબઈ સ્થિત એમ.આર.સી.સી.ને મેઈલ કરી વિગતો પુરી પાડી હતી તેથી મુંબઈથી વેસલ્સ રવાના થઈ હતી.

મધદરિયે પહોંચેલી આ વેસલ્સે ડુબી રહેલા વહાણના ખલાસીઓને બચાવી લેવા માટે તજવીજ શરૃ કર્યા પછી તમામ ખલાસીને ઉગારી લીધા હતાં. આ ખલાસીઓને પોરબંદર ખસેડવાની તજવીજ કરાઈ હતી. તે દરમ્યાન સામાન ભરેલા અલ-પીરાન-એ-પીર વહાણે જળસમાધી લઈ લીધી હતી. સલાયાના આ વહાણના ડુબવાના અહેવાલ મળતાં વહાણવટીઓમાં ગમગીની પ્રસરી છે. વહાણ ડુબી જવાના કારણે તેના માલીકને મોટુ નુકશાન થયું છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ આ વહાણનો વિમો પણ ન હતો તેથી તેના માલીકને આર્થિક નુકશાની ભોગવવી પડી શકે છે. આ વહાણમાં ખલાસી તરીકે રહેલા ગની વલીમામદ ચંગડા, અબ્દુલ ઈશાક કકલ, અબ્બાસ નુરમામદ સંઘાર, અશગર તાલબ સુંભણીયા, આમદ સતાર સીદી,  હુશેન ગની ચંગડા, અકીલ ગની ચંગડા, સલીમ દાઉદ રાજા, મામદ હારૃન મોદી, ઈશાક આમદ થૈયમ, ઈમરાન ઈસ્માઈલ ભાયા, રજાક આમદ વગેરેએ ડુબતા જહાજમાં એક સમય માટે મોતને નજર સમક્ષ ભાળ્યુ હતું ત્યારે જ મુંબઈથી દેવદુત બનીને દોડી આવેલી વેસલ્સે તેઓને ઉગારી લીધા હતાં.

આ જહાજ ગઈકાલે તા. ૨ના દિને ઈરાન જવા માટે રવાના થયું હતું તે જહાજ ડુબી રહ્યુ હોવાની વિગતો મળતાં જ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ગાંધીનગર સ્થિત આઈ.સી.જી. રિજીયોનલ હેડકવાર્ટરને તેની વિગતો આપવામાં આવી હતી. તેના પગલે સાર્થક નામના  જહાજને રવાના કરવામાં આવ્યું હતું અને એમ.આર.સી.સી.-પાકિસ્તાનનો પણ સંપર્ક કરાયો હતો. તે દરમ્યાન સાર્થક જહાજ મધદરિયે પહોંચી ગયું હતુ અને રેસ્કયુ કરી તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતાં.

મળતાં અહેવાલ મુજબ તે જહાજ ડુબવાનુ શરૃ થતાં જ નાની હોડીમાં તેના તમામ ૧૨ ખલાસીઓએ આશરો લીધો હતો. તેઓ દ્વારકાના દરિયામાં લગભગ ૨૭૦ કિ.મી. દૂર પહોંચ્યા હતાં. પી.એમ.એસ.એ. વિમાન અને એમવી કોસ્કો ગ્લોરી નામના જહાજ દ્વારા તે ખલાસીઓની શોધ આરંભાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh