Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસનો કોઈ એજન્ડા નહીં: વિવાદનો મધપૂડો છંછેડાયોઃ ભૂગર્ભ ગટર, સોલિડ વેસ્ટ શાખાઓના કરોડો રૂપિયાના ખર્ચ સામે શંકાની સોય
જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકા માટે સૌથી ખર્ચાળ પર્યાય સાબિત થતી ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ શાખાના કરોડો રૂપિયાના ખર્ચા અંગે સામાન્ય સભામાં વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક પણ વિકાસ કાર્યના એજન્ડા વગરની સામાન્ય સભા માત્ર પ્રશ્નોત્તરી કરી સમેટાઈ ગઈ હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દર બે માસે યોજાતી સામાન્ય સભામાં આજે એકપણ વિકાસ કાર્યનો એજન્ડા હતો નહીં. સેટઅપમાં સુધારા અંગેની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, કર્મચારીની બઢતી, ભરતી પ્રક્રિયા આવકાર્ય પરંતુ નિયમનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. સિસ્ટમ એનાલીસીસ્ટની જગ્યામાં સિધિ ભરતી ફરજીયાત છે. આમ છતાં બઢતીથી જગ્યા ભરવાનું આયોજન થયું છે. જો કોઈ કર્મચારી કોર્ટમાં જશે તો મુસીબત થશે આથી આ દરખાસ્ત વિરોધ પક્ષના વિરોધ સામે મંજુર કરવામાં આવી હતી. આ પછી વિપક્ષના આનંદ રાઠોડએ દરખાસ્ત આખી સંભળાવાની માંગ કરી હતી જેને યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો, તો અલ્તાફ ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કર્મચારીના વાધા-સૂચનો મંગાવાયા હતાં? તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે ૧પ થી ૧૭ વાંધા સૂચનો મળ્યા હતાં. તે મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. રોસ્ટર રજીસ્ટર ક્રમાંક ધ્યાને લેવો ફરજીયાત છે . જ્યાં સુધી તે પ્રમાણીત થાય નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા થઈ શકે નહીં. તેના જવાબમાં અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યંુ હતું કે કોઈ કર્મચારીને અન્યાય થશે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે તો અલ્તાફ ખફીએ પૂરક પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે અગાઉ ભૂગર્ભ શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ બઢતી નહીં મળતા તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું તેના જવાબમાં જણાવાયું હતું કે તે અધિકારી સામે તપાસ ચાલતી હોવાથી બઢતી અપાઈ ન હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા નવા બનાવાયેલા આરોગ્ય કેન્દ્રના નામકરણ અંગે મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તેમાં ઢીચડાના આરોગ્ય કેન્દ્રને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, હાપાના આરોગ્ય કેન્દ્રને શ્યામાપ્રસાદ મુખર્જી અને લાલપુર બાયપાસ નજીકના આરોગ્ય કેન્દ્રને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અપાયું છે. તેની સામે આનંદ રાઠોડે કેટલાક સૂચન કર્યા હતાં. આ પછી યોજાયેલ પ્રશ્નોતરીમાં વિપક્ષના જેનબબેન ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પાણીની લાઈન, ગેસની લાઈન વગેરે પાથરવા માટે રોડ-રસ્તામાં ખોદકામ કર્યા પછી તેની મરામત માટે કોઈ ખાસ ગ્રાન્ટ મળે છે ? તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર પાસેથી સ્પે. પેકેજની માંગ કરી છે અને આ કામ માટે રૂપિયા સાડાચાર કરોડના ટેન્ડરો મંગાવ્યા છે.
તેમણે બીજો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયાં વિસ્તારને પ્રાથમિકતા આપવી તેવી કોઈ જોગવાઈ ? તેના જવાબમાં જણાવાયું હતું કે સર્વે કરવામાં આવે પછી કામ થાય છે. તેમણે રીતસર આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર ૧ર માં કામ થયું નથી એટલે કે પક્ષપાત રાખવામાં આવે છે.
વરસાદી પાણીના નિકાલમાં શું વ્યવસ્થા છે તેવા જેનમબેન ખફીના પ્રશ્નમાં જવાબ અપાયો હતો કે, તમામ વોર્ડમાં આ માટે કાર્યવાહી કરવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારમાં વધુ પાણી ભરાવાની સમસ્યા રહે છે. તો વોર્ડ નં. પ, ૧૦, ૩ માં બહુ કામગીરી થાય છે, પરંતુ તેમાં પણ વોર્ડ નં. ૧ અને ૧ર ને બાકાત રખાયા છે, આ અંગે મેયરે યોગ્ય તપાસની ખાત્રી આપી હતી.
જામનગરમાં ભૂગર્ભ ગટર શાખા અંગે પણ વિસ્તૃત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં. ખાસ કરીને ભુગર્ભ માટે અત્યાર સુધીમાં ૩૩ર કરોડનો ખર્ચ થયો છે. તેની સફાઈ વાર્ષિક કોન્ટ્રાક્ટ આપી ૧૦ લાખનો તગડો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલો મોટો ખર્ચ ગળે ઉતરતો નથી, જ્યારે ઓનલાઈન ફરિયાદનો નિકાલ થઈ ગયો તેવા મોટા મેસેજ મળે છે. એટલે કે, માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનો આક્ષેપ જેનબબેન ખફીએ કર્યો હતો. વિપક્ષના કાસમભાઈ જોખીયાએ પણ ભૂગર્ભનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાનું જણાવ્યું હતું.
વિપક્ષના ફૂરકાન શેખએ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ફલાય ઓવર બ્રીજના પ્રશ્નના ખોટા જવાબો અપાય છે. આ અંગે જણાવાયું હતું કે, આ બાબતે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવશે.
તો બ્રીજના કામમાં વિલંબ અંગે પણ કેટલાક કારણો રજૂ કરાયા હતાં. આ પછી આનંદ રાઠોડએ સોલીડ વેસ્ટ શાખા સંબંધે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. જેમાં કરોડોનું ખર્ચ અંગે શંકા ઉઠાવી હતી અને જણાવ્યું હતું કે, ૧૦૦ કરોડની ટેક્સની આવક માત્ર સોલીડ વેસ્ટમાં ખર્ચ થયું છે.
અસલમ ખીલજીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, મહાપ્રભુજી બેઠક માર્ગના જર્જરીત પૂલની દુર્ઘટના થાય પછી જ નવો બનાવવાની રાહ જોવાઈ રહી છે...?
આખરે પ્રશ્નોત્તરી પછી સામાન્ય સભા સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial