Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભામાં સુધારા બિલ રજૂ
ગાંધીનગર તા. ર૭: 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ-ર૦રપ' રજૂ થયું છે. આ અધિનિયમના ભંગ બદલ દંડની રકમ ર૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ કરાઈ છે.
ગુજરાત વિધાનસભામાં 'ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫' રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૬૨-ક (૩) સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના ૨૦૦ થી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો ૧૦ હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-ક ની ૧, ૨, ૩ માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ ૨૦૦ થી વધારીને ૫૦ હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી ૧૦ હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે.
દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી. કલમ ૬૨- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે ૫૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને ૫ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ ૧ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો ૨ હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આઘાતજનક બાબત તો એ છે કે, જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ ૩૪ હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર ૨૦૦ રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જોકે, એકબાજુ આ જોગવાઈથી ભાજપ સરકારે જનતાને ખુશ કરી દીધી, તો બીજી બાજુ થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે.
આ જ રીતે આર્ટિકલ ૩૬માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને ૫ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૯૯ પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી લેવાતી નહોતી. હવે તે મિલકતો વેચવા જાય ત્યારે ડ્યૂટી વસૂલ કરવા માટે ડ્યૂટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ઉપરાંત ૨૫૦ રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો, હવે નવા સુધારા ખરડા મારફતે દાખલ કરવામાં આવેલી જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની બમણી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે જમા કરાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે ૫૦ હજારની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની આવતી હોય તો તેની સામે ૧ લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી તરીકે જમા કરાવવા પડશે.
આ પ્રકારના કિસ્સાઓમાં ૨૦ કે ૨૫ વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ગણતરીમાં લેવામાં આવે તો તેના પર દર વર્ષે ૩% ના દરે દંડ ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે, કોઈપણ કિસ્સામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના છ ગણાથી વઘુ રકમનો દંડ કરી શકાશે નહીં.
ભાડા પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. ૧૧ મહિના ૩૯ દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે ૫૦૦ રૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે ૧૦૦૦ રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે ૧૦ હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહીં, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા બિલના માધ્યમથી લાવવામાં આવી છે.
નોંધનીય છે કે, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં નહીં આવે. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial