Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેશીયા જવાના કાચા રસ્તા પર ચાર શખ્સે રૂ.૭૦ હજાર લૂંટ્યાની નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા.૭ : જોડિયાના કેશીયા ગામના એક શખ્સે શુક્રવારે રાત્રે કાચા રસ્તા પર બે બાઈકમાં ધસી આવેલા ચાર શખ્સે છરી બતાવી રૂ.૭૦ હજારની રોકડ વાળી બેગ લૂંટી લીધાની વાર્તા પોલીસ સમક્ષ કરી હતી. આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરાતા આ બનાવ ઉપજાવી કાઢેલો હોવાનું જણાઈ આવ્યું હતું અને તે રીતે પૂછપરછ કરાતા ભાંગી પડેલા ફરિયાદીએ મોજશોખમાં રૂપિયા વપરાઈ જતાં દુકાનની રકમ લૂંટાઈ ગયાનું જણાવી હિસાબ સરભર કરવાનો પ્રયાસ કર્યાે હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધવાની તજવીજ કરી છે.
આ કિસ્સાની વધુ વિગત મુજબ જોડિયા તાલુકાના કેશીયા ગામના મીતભાઈ કિરીટભાઈ ગોદવાણી નામના વેપારી શુક્રવારે સાંજે આઠેક વાગ્યે ધ્રોલથી કેશીયા જવા બાઈક પર જતાં હતા ત્યારે લખતર ઓવરબ્રિજ પરથી ઉતરી તેઓ કેશીયા ગામ તરફના કાચા રસ્તે પહોંચ્યા ત્યારે બે બાઈક પર ધસી આવેલા ચાર શખ્સે તેઓને રોકી છરી બતાવી રૂ.૭૦ હજારની રોકડ જેમાં હતી તે બેગ લૂંટી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
ઉપરોક્ત બનાવની તપાસ માટે જોડિયા પોલીસની સાથે એલસીબીને જોડાવવા એસપી પ્રેમસુખ ડેલુએ આદેશ કર્યાે હતો અને ડીવાયએસપી આર.બી. દેવધા પણ ધસી ગયા હતા.
સ્થળ પર પહોંચેલી પોલીસે ફરિયાદ મીત ગોદવાણીની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પ્રથમ નિવેદનમાં ધ્રોલથી દુકાન બંધ કરીને રૂ.૭૦ હજાર બેગમાં રાખવા ઉપરાંત લેપટોપ પણ બેગમાં મૂક્યાનું જણાવ્યું હતું. તે પછી આ આસામીએ ફેરી તોળ્યું હતું અને બેગમાં રૂ.૭૦ હજાર રોકડા જ હતા અને પાકીટ તથા મોબાઈલ પોતાની પાસે જ હોવાનું કહ્યંુ હતું અને લૂંટના સ્થળથી નજીક જ જ્યાંથી બેગ મળી આવી તે અને મીતે પોતાને છરી વડે થયેલી ઈજા બતાવી તેમાં શંકા પડતા સઘન તપાસ કરાઈ રહી હતી. આ શખ્સની બનાવના દિવસની દિનચર્યા અંગે પણ પોલીસે પૂછ્યું હતું.
તેના પ્રત્યુત્તરમાં મળેલી વિગતો અને દુકાનની આજુ બાજુમાં મુકાયેલા સીસીટીવી કેમેરા ચકાસાતા બંને વિગતોમાં જુદી જુદી બાબતો બહાર આવી હતી. તેથી જોડિયાના પીઆઈ આર.એસ. રાજપૂત અને એલસીબીના પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ જુદી જુદી ટીમ બનાવી ફરિયાદીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મીત ગોદવાણી ભાંગી પડ્યો હતો અને તેણે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું કબૂલી લીધુ હતું.
આ શખ્સે જણાવ્યા મુજબ મીત તથા તેના કાકા જગદીશ ભાઈ બાલાજી એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી દુકાનનું સંચાલન કરતા મીતે મોજશોખ તથા હરવા ફરવામાં દુકાનના હિસાબમાંથી પૈસા વાપરી નાખ્યા હતા. જેના કારણે હિસાબમાં રૂ.૬૦થી ૭૦ હજારની ઘટ આવતી હતી. તે બાબતની કાકા તેમજ ઘરે ખબર ન પડે તે માટે શુક્રવારે મીત ગોદવાણીએ લૂંટાઈ ગયાનો અને તેમાં રૂ.૭૦ હજાર રોકડા ગયાની વાત ઉભી કરી હતી. તેને અંજામ આપવા માટે શુક્રવારે સાંજે દુકાન બંધ કર્યા પછી તેને ધ્રોલના ગાંધી ચોકમાં એક દુકાનમાંથી રૂ.૩૦ માં કટર ખરીદ્યુ હતું. તે પછી કેશીયા જવા માટે કાચા રસ્તા પર જ્યારે પહોંચ્યો ત્યારે એક વોકળામાં બાઈક ઉભુ રાખી તેણે કટરથી છાતીમાં જમણી સાઈડ પર એકાદ-બે છરકા મારી દઈ બાઈક આગળ ધપાવ્યું હતું અને થોડે આગળ જઈ બેગ રસ્તા પર ફેકી દીધા પછી કાકાને ફોન કરીને ચાર શખ્સ રૂ.૭૦ હજારની રોકડ વાળી બેગ લૂંટી ગયાની વાત કરી હતી અને પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ શખ્સે મોજશોખમાં વાપરી નાખેલી દુકાનની રકમ આવી રીતે લૂંટની ખોટી ફરિયાદ કરી સરભર કરી નાખવાનો ઈરાદો સેવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદીની ફરતી ફરતી વાતો તેમજ કેટલીક સાંયોગિક બાબતો ધ્યાનમાં લઈ બનાવના ઉંડાણમાં જઈ તપાસ કરતા ખોટી ફરિયાદ પરથી પરદો ઉંચકાઈ ગયો છે. આ શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial