Advertisement
Author: નોબત સમાચાર

શેર માર્કેટમાં બ્લેક મન્ડેઃ સેન્સેકસમાં પ્રારંભે જ ૩૯૩૯, નિફટીમાં ૧૧૬૦ પોઈન્ટનો કડાકો

ભારત સહિત સમગ્ર વિશ્વના શેરબજારોમાં ભયાનક ભૂકંપ જેવી તબાહી મચી ગઈઃ રોકાણકારોના ૨૦ લાખ કરોડ સ્વાહાઃ ચારેકોર હાહાકાર

મુંબઈ તા. ૭: ટ્રમ્પના ટેરિફ એટેકની વૈશ્વિક અસરો હેઠળ ભારત સહિત વિશ્વભરના શેરબજારો આજે જબરદસ્ત ઘટાડા સાથે ખુલતા રોકાણકારોના ૨૦ લાખ કરોડ સ્વાહા થયા હતા અને સેન્સેકસ-નિફટીમાં જંગી કડાકો થતા શેરમાર્કેટ માટે આજે બ્લેક મન્ડે પુરવાર થયો હતો.

શરૂઆતના કારોબારમાં, બીએસઈ લાર્જ-કેપ ઇન્ડેક્સ સંપૂર્ણપણે લાલ દેખાયો. બધી ૩૦ મોટી કંપનીઓના શેર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈને ટ્રેડ થઈ રહૃાા હતા. આ દરમિયાન, સૌથી મોટો ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં આવ્યો અને તે ૧૦.૪૩ ટકા ઘટીને રૂ. ૧૨૫.૮૦ પર આવી ગયો. આ ઉપરાંત, ટાટા મોટર્સનો શેર (૮.૨૯%), ઇન્ફોસિસનો શેર (૭.૦૧%), ટેક મહિન્દ્રાનો શેર (૬.૮૫%), એલટી શેર (૬.૧૯%), એચસીએલ ટેક શેર (૫.૯૫%), અદાણી પોર્ટ્સનો શેર (૫.૫૪%), ટીસીએસનો શેર (૪.૯૯%), રિલાયન્સનો શેર (૪.૫૫%) અને એટીપીસીનો શેર (૪.૦૪%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહૃાા હતા.

સોમવારે લાર્જ કેપ્સની જેમ મિડકેપ અને સ્મોલકેપ શેરોએ પણ આવી જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. મિડકેપમાં પીએસબી શેર (૭.૯૪%), ભારત ફોર્જ શેર (૭.૮૬%), કોફોર્જ શેર (૭૧૭%), મઝગાંવ ડોક શેર (૭%), એમકયુર ફાર્મા શેર (૬.૭૭%)નો સમાવેશ થાય છે. આરવીએનએલ શેર (૬%) અને સુઝલોન શેર (૬.૭૪%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહૃાા હતા. સ્મોલકેપ શેરોમાં, જેટીએલ ઇન્ડિયાએ મહત્તમ ૧૩% ઘટાડો નોંધાવ્યો.

ભારત ઉપરાંત, અન્ય એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. મંદીના ભયે હોંગકોંગ અને ચીનના શેરબજારોને પણ ત્રાટકયા. હોંગકોંગનું હેંગ સેંગ બજાર ખુલતાની સાથે જ ૧૦% થી વધુ ઘટયું, જે ૨૦૦૮ ના આર્થિક સંકટ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. ચીનનો સીએસઆઈ ૩૦૦ બ્લુ ચિપ ઇન્ડેક્સ પણ ૫% થી વધુ ઘટયો. ચીનનું ચલણ યુઆન પણ જાન્યુઆરી પછીના સૌથી નીચા સ્તરે આવી ગયું.

શેરબજારમાં આ તબાહીના મુખ્ય કારણો જોઈએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ પ્લાનમાં ક્યાંય પીછેહટ કરતાં જોવા ન મળતાં વૈશ્વિક શેરબજારોમાં મોટાપાયે વેચવાલી વધી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં કોવિડ મહામારી જેવી સ્થિતિ જોવા મળી હતી. ડાઉ જોન્સ ૨૨૩૧ પોઈન્ટ, નાસડેક ૯૬૨ પોઈન્ટ જ્યારે એશિયન શેરબજારોમાં નિક્કેઈ ૨૩૭૦.૨૫ પોઈન્ટ હેંગસેંગ ૨૪૪૫ પોઈન્ટ તૂટ્યો છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ૫ ટકા સુધી તૂટ્યા હતા. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. ટ્રમ્પે ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તેમજ ટ્રેડવોર મામલે સ્પષ્ટતા કરી હતી કે, તેને આ નુકસાનની ચિંતા નથી. તે નમતુ નહીં મૂકે, ટેરિફ એ અમેરિકાની આર્થિક સ્થિતિ માટે દવા રૂપે કામ કરશે. તે સુચારૂ વેપાર નીતિ બનાવશે.

ટ્રમ્પ સરકારે ૧૮૦થી વધુ દેશોમાં ટેરિફ લાદવા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેનાથી બજારમાં ચિંતા વધી છે. અમેરિકા સાથે ઝડપી વાટાઘાટો મારફત અનુકૂળ પરિણામની અપેક્ષા નકારાત્મક રહી છે. જેના પગલે ભારતીય શેરબજાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વધુ ઘટવાની આશંકા માર્કેટ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

ટ્રમ્પના ટેરિફના કારણે ચીન, કેનેડા જેવા દેશોએ જવાબી કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે. જેનાથી વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પના ટેરિફના કારણે ફુગાવો વધશે. જેથી કોર્પોરેટ્સનો નફો અને વપરાશ ઘટશે. પરિણામે વિશ્વના ઘણા દેશોના આર્થિક ગ્રોથ પર અસર થશે. જેપી મોર્ગને અમેરિકા અને વૈશ્વિક મંદીનો અંદાજ ૪૦ ટકાથી વધારી ૬૦ ટકા કર્યો છે. અમેરિકાના ટ્રેડ નીતિના કારણે મોંઘવારી વધશે. પરિણામે મંદી વધશે. ગોલ્ડમેન સાસે ભારતનો જીડીપી અંદાજ પણ ટ્રમ્પના ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફના કારણે ૬.૩ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યો છે.

ગતમહિને કેશ સેગમેન્ટમાં ખરીદી વધ્યા બાદ ટ્રમ્પના ટેરિફના કારણે એપ્રિલમાં એફઆઈઆઈએ ફરી પાછી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં અત્યારસુધીમાં કુલ રૂ. ૧૩૭૩૦ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે.  જો ભારત ટ્રમ્પ સરકાર સાથે ટેરિફ મામલે કોઈ ઉકેલ નહીં લાવે તો એફપીઆઈ વધુ વેચવાલી નોંધાવી શકે છે.

આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક આજથી શરૂ થઈ છે. ૯ એપ્રિલના રોજ આરબીઆઈ વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના જોવા મળી છે. જે જીડીપી ગ્રોથને ટેકો આપશે. વૈશ્વિક અસરો ઉપરાંત આરબીઆઈની જાહેરાત પહેલાં સ્થાનિક રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી હાલ નવી ખરીદી અટકાવી છે. વધુમાં આ સપ્તાહથી ચોથા ત્રિમાસિકના પરિણામો પણ જાહેર થશે.

આ બધા કારણોસર આજે શેરબજારનો બ્લેક મન્ડે પુરવાર થયો છે, અને ચારેતરફ હાહાકાર મચ્યો છે.

છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેન્સેક્સ ર૯૬૦ તેમજ નિફટી ૯૫૦ ટ્રેડ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh