Advertisement
Author: નોબત સમાચાર

વિજરખી પાસે બાઈકને ઠોકર મારી મોટરચાલકે એક યુવાનની કરી હત્યાઃ આડોસંબંધ કારણભૂત

પતિનો કાંટો કાઢી નાખવા અકસ્માત સર્જાયાનું આરોપી તથા મૃતકની પત્નીનું નાટક ખૂલી ગયું:

જામનગર તા.૭ : કાલાવડના એક યુવાનના બાઈકને ગઈકાલે સાંજે વિજરખી રોડ પર એક મોટરે ઠોકર મારી દીધા પછી બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો ન હોવાની પોલીસને ઉભી થયેલી શંકા પછી મોટરચાલકની કરાયેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો ખૂલી છે. આ શખ્સે મૃતકના પત્ની સાથે રહેલા પ્રેમસંબંધના કારણે કાંંટારૂપ બનતા પતિને મોટરની ઠોકર મારી મોતને ઘાટ ઉતારી દીધાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી મોટર ચાલક શખ્સ તથા મૃતકના પત્ની સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામ પાસેથી ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યે જીજે-૨૭-ડીજે ૯૩૧૦ નંબરનંુ મોટરસાયકલ પસાર થતું હતુ ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૨૦-એકયુ ૮૨૬૨ નંબરની જીપ કંપનીની કંપાસ મોટર ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં બુલેટ પરથી ફંગોળાયેલા રવિભાઈ ધીરજલાલ મારકણા નામના કાલાવડના કૃષ્ણનગર-૧માં રહેતા યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના પગલે બુલેટનું પડીકુ વળી ગયું હતું અને મોટરમાં પણ વ્હીલ પ્લેટ બેન્ડ વળી ગઈ હતી. અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દોડી આવ્યા હતા.

તે દરમિયાન મોટરચાલકે બેવડી વળી ગયેલી વ્હીલ પ્લેટ સીધી કરાવવા માટે વિજરખી ગામમાં કારીગરને શોધ્યો હતો અને ત્યારે પોલીસ આવી હતી. પોલીસે તે મોટરના ચાલક અક્ષય છગનભાઈ ડાંગરીયા સામે ગુન્હો નોંધવાની તજવીજ કરી હતી ત્યારે આ શખ્સ અત્યંત ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.

મોટરચાલકની ગભરામણ તથા પસીનેથી રેબઝેબ થતો જોઈ પોલીસની સીક્સથ સેન્સ ફડકી હતી અને પોલીસે અકસ્માત અંગે વધુ વિગત મેળવવા તેની પૂછપરછ કરી હતી જેમાં નકલી અકસ્માતનો ભેદ ખૂલી ગયો છે.

આ અકસ્માત નથી પણ પૂર્વ યોજીત રીતે કાવતરૂ રચી બુલેટ મોટરસાયકલના ચાલકને મોતને ઘાટ ઉતારી દેવાનો કારસો હોવાની પોલીસની આશંકા મૃતક રવિભાઈ મારકણાના પિતા ધીરજલાલ મોહનભાઈ મારકણા ઉર્ફે મેતાજી સમક્ષ પણ ઉભી થઈ હતી અને તેથી તેઓએ પુત્ર રવિભાઈના પત્ની રીંકલને પૂછપરછ કરતા શરૂઆતમાં આનાકાની કરતી રીંકલે પોતાના પ્રેમી અક્ષય છગનલાલ ડાંગરીયા સાથે મળી પતિનો કાંટો કાઢી નાખવા કાવતરૂ રચ્યાની કબૂલાત કરી લીધી હતી. તેથી પિતા ધીરજલાલે તરત જ પોલીસનો સંપર્ક કરી ખુટતી વિગતો આપી હતી.

ત્યારપછી પોલીસે અક્ષયની પૂછપરછ ઘનિષ્ઠ બનાવતા સમગ્ર વિગતો પ્રકાશમાં આવી ગઈ હતી. આ શખ્સે પોતાની પરિણીત પ્રેમીકા રીંકલ સાથે મળી તેણીના પતિને રસ્તામાંથી હટાવી દેવા પ્લાન ઘડ્યાનું કબૂલી તલસ્પર્શી વિગતો ઓકી નાખી છે. કેટલાક વર્ષાે પહેલા રવિ મારકણા તથા રીંકલ મારકણા સામે મકાનમાં વસવાટ કરતા અક્ષય ડાંગરીયા સાથે રીંકલની આંખો મળી ગઈ હતી. તે પછી પતિને તેની જાણ થઈ જતાં રવિ અને અક્ષય વચ્ચે ઝઘડા થતાં હતા. તે ઝઘડાનો કાયમી અંત લાવવા રીંકલ તથા અક્ષય જુદા જુદા કારસા રચતા હતા પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી બંનેની મનની મનમાં રહેતી હતી રવિને દૂર કરી દેવા જુદા જુદા પ્લાન કરાતા હતા પરંતુ હંમેશાં મોટરમાં આવ-જા કરતા રવિ મારકણાને જે તે સમયે બાઈક ધરાવતા અક્ષય ડાંગરીયા કંઈ કરી શકતો ન હતો. તે દરમિયાન રવિ મારકણાએ બુલેટ મોટરસાયકલ અને તે પછી અક્ષય ડાંગરીયાએ જીપ કંપનીની કંપાસ મોટર ખરીદી હતી. તે પછી પણ દોઢેક મહિનાથી અક્ષય અને રીંકલ કાવતરા રચતા હતા પરંતુ મોકો મળતો ન હતો. રવિએ પણ રોજેરોજના આ માનસિક ત્રાસથી છૂટકારો મેળવવા રીંકલ સાથે છૂટા થઈ જવાનો નિર્ણય કરી લીધો હતો.

તે દરમિયાન ગઈકાલે રવિ મારકણા બુલેટ પર જામનગર તરફ જવાનો હોવાની જાણ રીંકલે ફોનથી પોતાના પ્રેમી અક્ષયને કરતા તે પ્લાનને અંજામ આપવા માટે અક્ષય કાલાવડની ભાગોળે યાર્ડ પાસે એક હોટલ નજીક પોતાની મોટર લઈને આવી ગયો હતો.

જ્યાં તેણે કલાકો સુધી રાહ જોયા પછી જ્યારે બુલેટ પર રવિ મારકણા નીકળ્યો ત્યારે તેનો પીછો શરૂ કર્યાે હતો અને કાલાવડથી વિજરખી સુધી રવિના બાઈકને ઠોકર મારી દેતા પહેલાં સોચ વિચાર કર્યાે હતો પરંતુ તેની હિમ્મત ચાલતી ન હતી. અંતે તેણે વિજરખી પાસે એક મંદિર નજીક પોતાની મોટર આગળ દોડી જતા બુલેટની પાછળ ટકરાવી દીધી હતી અને તેમાં ઈજા થવાથી રવિ મારકણા (ઉ.વ.૩૦)નું મૃત્યુ નિપજ્યું હતું.

ઉપરોક્ત સિલાસિલાબધ વિગતો પોલીસ સમક્ષ ખૂલી જતા પોલીસે મૃતકના પિતા ધીરજલાલ ઉર્ફે મેતાજીને જામનગર આવી જઈ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું અને તેના પગલે રાત્રે અઢી વાગ્યે પોલીસે ગુન્હો નોંધ્યાની આજે ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાએ વિગતો આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh