Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણીની પદયાત્રા દ્વારકામાં સંપન્નઃ હર્ષભેર ભાવપૂર્વક થયા વધામણાં

રિલાયન્સ ગ્રીન્સથી પ્રસ્થાન થયુ હતું: શારદાપીઠની રાહબરી હેઠળ સંતો-મહંતો-સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગતઃ ગોમતીપૂજન કરી દ્વારકાધીશજીના કર્યા દર્શન

દ્વારકા તા. ૭: દેશના અમીર પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન થઈ, ત્યારે દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં કર્યા હતા. શારદાપીઠના નેતૃત્વમાં તમામ જ્ઞાતિ સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા હતાં.

સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી અમીર પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી.

દ્વારકાના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિએશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે શ્રી અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી.

અનંત અંબાણીએ પધ્યાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠમાં શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું.

છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહેલી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂરદૂરથી જગતમંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પૂષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી.

આ પદયાત્રાના વધામણા કરતા રબારી-માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. શ્રી અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ૪૦૦થી ઋષિકુમારો તથા ૨૫૦થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકા નગરને જુદાજુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી શોભાવી હતી.

આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે ૧૦ હજાર જેટલા પરિવારના ૧ લાખથી વધુ સભ્યોની પ્રસાદી સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગતમંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્નસેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી.

શારદાપીઠના નેતૃત્ત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર, નગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સહયોગ, સમાજના તમામ વર્ગના તમામ લોકોનો સ્વયંભૂ ઉત્સાહ, ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ અને આગેવાનોની શુભેચ્છાએ અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિના આ પ્રસંગે સોનામાં સુગંધ ભેળવવાનું કાર્ય કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પદયાત્રાની પૂર્ણાહુતિ પૂર્વે શારદાપીઠના બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીએ દ્વારકાના તમામ જ્ઞાતિના આગેવાનોની એક બેઠક બોલાવીને અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા અનુરોધ કર્યો હતો, જેને સહ શ્રેષ્ઠીઓએ ઉમંગભેર સ્વીકારી ઉત્સાહપૂર્વક અભૂતપૂર્વ સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh