Advertisement
Author: નોબત સમાચાર

નાનાભાઈના અવસાનના આઘાતમાં મોટાભાઈએ ખાધો ગળાફાંસોઃ કૂવામાં ડૂબી જતા પ્રૌઢનું મૃત્યુ

વહેલી સવારે બાથરૃમ જતી વખતે પડી ગયેલા પ્રૌઢનું મૃત્યુઃ પ્રૌઢ પર મોત બનીને ઝાડની ડાળી ત્રાટકીઃ

જામનગર તા.૪ ઃ જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક પ્રૌઢે છએક મહિના પહેલા પોતાના ભાઈના થયેલા અવસાન પછી તે બાબતનું લાગી આવતા ગઈકાલે સવારે પોતાના ઘરમાં ચૂંદડી વડે પંખાના હુંકમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે ફલ્લામાં વહેલી સવારે બાથરૃમ જઈ રહેલા પોલિયો ગ્રસ્ત એક પ્રૌઢ પડી ગયા પછી માથામાં ઈજા પામ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. ઉપરાંત હાપાના એક પ્રૌઢ કોઈ રીતે કૂવામાં પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે અને દડિયા ગામ પાસે એક ખેતરમાં પ્રૌઢ પર મોત બનીને ઝાડની ડાળી તૂટી પડી હતી.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી હોટલ પાસે શેરી સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પરસોત્તમ ભાઈ મકવાણા (ઉ.વ.૬૨) નામના મોચી વૃદ્ધે ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક ઓરડામાં છતમાં રહેલા પંખામાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતાં ૧૦૮ને કોલ કરી રમેશભાઈને નીચે ઉતારવામાં આવ્યા હતા. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે તે વૃદ્ધને ચકાસી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ વૃદ્ધના પુત્રી કિંજલબેન મકવાણાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રમેશભાઈના નાનાભાઈ શશીકાંતભાઈનું છએક મહિના પહેલાં ડાયાબિટીસ વધી જતાં અવસાન થયું હતું. ત્યારપછી હતપ્રભ રહેતા રમેશભાઈએ ગઈકાલે સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં વસવાટ કરતા રાજેશભાઈ ડાયાભાઈ મારવાણીયા નામના બાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે સાડા પાંચેક વાગ્યે ઉંઘમાંથી ઉઠીને લઘુશંકા માટે બાથરૃમમાં ગયા ત્યારે અકસ્માતે બાથરૃમ નજીક પડી ગયા હતા. તેઓને કપાળ તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. રમેશભાઈ ડાયાભાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક પ્રૌઢને જમણા પગમાં પોલિયાની અગાઉ અસર થઈ ગઈ હોવાનું જણાવાયંુ છે.

જામનગરના હાપામાં મંદિર પાસે વસવાટ કરતા કિશોર ભાઈ અમરશીભાઈ માનસુરીયા (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ હાપામાં આવેલા ફટાકડાના ગોડાઉન નજીક કૂવામાં સોમવારે કોઈ રીતે પડી ગયા હતા. તેઓનો મૃતદેહ સોમવારે રાત્રે કૂવામાંથી મળી આવ્યો છે. તેમના પુત્ર સચિનભાઈએ પોલીસને જાણ કરી છે. આ પ્રૌઢ દારૃનો નશો કરવાની આદત ધરાવતા હોવાનું ખૂલ્યું છે.

જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં વસવાટ કરતા મૂળ કાલાવડ તાલુકાના મુળીલા ગામના વતની રમેશભાઈમાધાભાઈ ચાડમીયા શનિવારે બપોરે મોખાણા ગામથી દડીયા જવાના રસ્તા પર રવિ લખીયર નામના આસામીના ખેતર પાસે ઉભા હતા ત્યારે તેમના પર વડની એક ડાળ તૂટીને પડતા રમેશ ભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની જયશ્રીબેને પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh