Advertisement
Author: નોબત સમાચાર

દસ્તાવેજની ફીના બાકી રૃા.૮ હજારના મામલે ભાણવડમાં એડવોકેટ પર હુમલો

એડવોકેટ તથા તેના પિતાની હત્યાનો પ્રયાસ કરનાર નવમાંથી છની કરી લેવાઈ અટકાયતઃ

જામનગર તા.૪ઃ ભાણવડના એક એડવોકેટે થોડા સમય પહેલાં જમીનના કરી આપેલા દસ્તાવેજની બાકી રહેલી ફી માંગતા દસ્તાવેજ કરાવનાર શખ્સ સાથે મનદુખ થયું હતું. તે પછી રવિવારે આ શખ્સે એડવોકેટની મોટર સાથે સ્કૂટર ટકરાવી ઝઘડો વકરાવ્યા પછી પોતાની સાથે આઠ શખ્સને રાખી તે એડવોકેટના ઘેર ધસી જઈ તેમના પર અને તેમના પિતાને ધોકા, તલવાર, પાઈપથી જીવલેણ માર માર્યાની ફરિયાદ કરાઈ છે. પોલીસે કુલ નવ શખ્સ સામે ગુન્હો નોંધી છની અટકાયત કરી લીધી છે અને ત્રણની શોધખોળ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં પટેલ સમાજ પાસે રહેતા એડવોકેટ અનિલ રામભાઈ ઓડેદરા તથા તેમના પિતા રામભાઈ ઓડેદરા પર રવિવારની સાંજે તેમના ઘરે ધસી આવેલા નવ શખ્સે પાઈપ, બેઝબોલના ધોકા, તલવારથી હુમલો કરી માર માર્યાે હતો.

હુમલામાં ગંભીર ઈજા પામેલા અનિલભાઈ તથા તેમના પિતા રામભાઈને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે ભાણવડ પોલીસે અનિલભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ એડવોકેટ અનિલભાઈએ થોડા સમય પહેલાં લખન જેસાભા કારાવદરા નામના શખ્સે ખરીદેલી એક જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. તેની ફી પેટે અનિલભાઈએ રૃા.૮ હજાર લેવાના બાકી હતા તે દરમિયાન જેસાભાઈ વિસાભાઈ કારાવદરાએ દસ્તાવેજની ફાઈલ માંગતા એડવોકેટે બાકી પૈસા આપવાનું કહેતા મનદુખ થયું હતું.

આ વેળાએ જેસાભાઈએ ગાળો ભાંડ્યા પછી લખને રવિવારે પાનની એક દુકાન પાસે અનિલભાઈની મોટર સાથે સ્કૂટર ટકરાવ્યું હતું અને અનિલભાઈએ તે બાબતે કહેતા લખને તું ઘરે પહોંચ તેમ કહી તને પતાવી દેવો છે તેવી ધમકી આપી હતી. તે પછી ઘેર પહોંચેલા અનિલભાઈએ પોતાના પિતાને વાત કરી સમાધાન સાધવા કહેતા ભીમાભાઈ કુછડીયા અને અરશીભાઈ ઓડેદરા આવ્યા હતા. તે દરમિયાન લખન કારાવદરા, તેના પિતા જેસાભાઈ, મોટા બાપુ વિરમ વિસાભાઈ, અનિલ વિરમ, નગા બાલુભાઈ મોઢવાડીયા, જયમલ નગાભાઈ, રામ જેસાભાઈ કારાવદરા, અજુ ગોઢાણીયા અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા.

આ શખ્સોએ મોટરમાંથી ઉતરી પાઈપ-તલવાર, બેઝબોલનો ધોકો કાઢી અનિલભાઈ તથા તેના પિતા પર પ્રાણઘાતક હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પિતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

એડવોકેટ તથા એક સમયના ભાજપના હોદ્દેદાર પર હુમલો થયાના બનાવની જાણ થતાં ખંભાળિયાથી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, એલસીબી તથા એસઓજીનો કાફલો ધસી આવ્યો હતો. ભાણવડના પીએસઆઈ કે.કે. મારૃ તથા સ્ટાફે ગુન્હા પરથી શરૃ કરેલી તપાસમાં છ શખ્સની અટકાયત કરી લીધી છે. બાકીના ત્રણ શખ્સને પકડી પાડવા પોલીસ દ્વારા તજવીજ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh