Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજિયાત હેલ્મેટની અમલવારી કરતા પહેલા નગરજનોને સંલગ્ન અનુકૂળ સુવિધા તો આપો
જામનગર તા. ૪ઃ જામનગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ટુ-વ્હીલર વાહનચાલકો ગંભીર રીતે ચિંતામાં મૂકાય ગયા છે. સોશ્યલ મીડિયામાં સતત 'હેલ્મેટ નહીં પહેરો તો ઈ-મેમો આપશે' તેવા મેસેજ વાયરલ વ્યાપકપણે થઈ રહ્યા હોવાથી ટુ-વ્હીલર વાહનચાલકોમાં ચિંતા જ નહીં, પણ ઉગ્ર રોષની લાગણી પણ ફેલાઈ છે.
હેલ્મેટનું ભૂત અચાનક ફરીથી શા માટે ધૂણવા માંડ્યું? ટ્રાફિક પોલીસ વિભાગ જામનગરમાં ટ્રાફિક નિયમન, વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ગયું છે, ત્યારે માત્ર ને માત્ર વાહનચાલકો અને તેમાંય ગરીબ, મધ્યમ વર્ગ, કારીગર વર્ગ, નોકરિયાત વર્ગ, મહિલાઓ વગેરે જેનો મહત્તમ ઉપયોગ કરે છે. તેવા ટુ-વ્હીલર વાહનો ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમની અમલવારીમાં દંડ વસૂલવાની નીતિ-રીતિ ટ્રાફિક પોલીસ વિભાગ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે જ અપનાવી રહ્યો હોય તેમ જણાય છે.
જામનગરમાં ખાડા-ખોદકામ-દબાણોવાળા-ગંદકીવાળા માર્ગો પર વાહનચાલકો માટે વાહન ચલાવવા તે અતિકપરી કસોટી સમાન છે. પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. મુખ્ય ચોકડી, ચોક, વન-વે જેવા પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ કે સહાયક જવાનો એક તરફ ખૂણામાં ટોળે વળીને મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે. આવા વિસ્તારો, માર્ગો પર કાયમ માટે ટ્રાફિક જામ થાય છે, છતાં વાહનોની અવરજવરનું વ્યવસ્થિત નિયમન કરવાની કોઈ દરકાર પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીવાળા કરતા નથી.
જામનગરમાં પ્રજાના ખર્ચે બનેલા ટ્રાફિક સીગ્નલના માંચડા ધૂળ ખાઈ રહ્યા છે. પ્રજાના ખર્ચે જ ચારે તરફ સીસી ટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમનો ઉપયોગ દંડ વસૂલવા માટે જ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે.
જામનગરમાં નંબર પ્લેટ વગરના અનેક ટુ-વ્હીલર વાહનો બિન્દાસપણે ધૂમ સ્ટાઈલથી ચક્કરો મારે છે. ધડાકા-ભડાકાવાળા સાયલેન્સર સાથે નીકળે છે. બ્લુ-લાલ પટ્ટા કે અન્ય રીતે જ્ઞાતિનો ઉલ્લેખ સાથેના ચિતરામણ નંબર પ્લેટની જગ્યાએ હોય છે, તેવા વાહનચાલકો સામે કોઈ કરતા કોઈ કાર્યવાહી થતી નથી. ચાલુ વાહને કાન પર મોબાઈલ રાખી ફરનારા સામે કોઈ કાર્યવાહી ંથતી નથી. ફોર વ્હીલર વાહનોવાળા આડેધડ પાર્ક કરે, બેફામ સ્પીડ સાથે સાંકડા માર્ગો પર વાહનો ચલાવે, તો તેની સામે પણ કાર્યવાહી થતી નથી. રસ્તા પરથી રેંકડીઓવાળાના દબાણો અંગે ટ્રાફિક પોલીસ અને મનપાનું તંત્ર હપ્તાખોરીના કારણે આંખે પાટા બાંધીને બેસી રહે છે. શહેરમાં ચારેતરફ ચાલી રહેલા ખોદકામ અને કામ પૂરૃં થઈ ગયા પછી ખાડા વ્યવસ્થિત પૂરવામાં વિલંબના કારણે ઉબડખાબડ માર્ગો પર વાહનો સામેય ૧૦-ર૦ ની સ્પીડે માંડ ચાલે છે ત્યારે હેલ્મેટ ફરજિયાતની અમલવારીમાં પિડાતી આમ જનતાને પડ્યા ઉપર પાટુ સાબિત થશે!
સરકારને તમારી અને તમારા પરિવારની જિંદગીની ચિંતા છે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને માથે હેલ્મેટ પહેરો... તેવી સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે... પણ... સૌ પ્રથમ ટુ-વ્હીલર વાહનચાલકોને અનુકૂળ રસ્તાઓ તો બનાવો, રસ્તા પરના દબાણો તો હટાવો, કોમર્શિયલ કોલ્પલેક્ષોના પાર્કિંગ તો ખુલ્લા કરાવો, જ્યારે માર્ગો, મુખ્ય માર્ગો મુખ્ય ચોક જેવા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો તો ચાલુ કરાવો, અથવા ત્યાં ફરજ પર મૂકાયેલા કર્મચારીઓ પાસેથી ટ્રાફિક જામ ન થાય તેવી રીતે ટ્રાફિક નિયમનની વ્યવસ્થા તો કરાવો...
આ તમામ બાબતો નિયમોની અમલવારી સાથે સંલગ્ન જ છે અને તે તમામ બાબતોની સંતોષકારક પૂર્તિ થાય પછી જ તંત્ર કાયદા/ નિયમની કડક અમલવારી કરે તો તે વ્યાજબી ગણાય...
બાકી... નિર્દોષ અને સહનશીલ તેમજ ગરીબ-મધ્યમ વર્ગને જ દંડવાની નીતિ-રીતિ જરાય સહ્ય નથી! જો હેલ્મેટ ફરજિયાતની અમલવારી થાય તો સીસી ટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ રૃમમાંથી દરરોજ સેંકડોની જ નહીં, પણ કદાચ અબજોની સંખ્યામાં ઈ-મેમો ઈસ્યુ કરવા પડે જો એમ ન થાય તો સમજવું કે મોનીટરીંગ/ કન્ટ્રોલ રૃમમાં પણ વ્હાલા દવલાની પ્રથા અને જ્ઞાતિવાદના કારણે કેસ નહીં કરવાની રીતરસમ ચાલે છે તેવું ફલિત થશે...
સૌ પ્રથમ નંબર પ્લેટ વગરના અને લાલ-બ્લુ પટાવાળા વાહનોને ડીટેઈન કરો, આકરો દંડ કરો, નંબર લખાવો, અન્ય લખાણો દૂર કરાવો, અને તે અંગેના કેસો કરો... ત્યારપછી જ હેલ્મેટ ફરજિયાતનો અમલ કરાવો.
બાકી હેલ્મેટ પહેરવાથી જિંદગી બચે છે તે વાત સ્વીકારીએ તો અકસ્માત કેવી રીતે અને કોની સાથે થાય છે તેની પણ તપાસ અને સર્વે કરવાની જરૃર છે. અગાઉ સરકારે શહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટનો નિયમ મરજિયાત કર્યો હતો અને તેથી નાના ગામ/શહેરોમાં લોકોને રાહત થઈ હતી, પણ ફરીથી જો આ 'ભૂત' ધૂણશે તો પ્રજા હવે સવિનય કાનૂની ભંગના મૂડમાં છે!!
હેલ્મેટના કારણે કેટલી મુશ્કેલીઓ થાય છે તેની અગાઉ પણ વિસ્તારપૂર્વક રજૂઆતો થઈ જ છે... ત્યારે પોલીસ વિભાગ હેલ્મેટ ફરજિયાતની અમલવારીમાં પ્રમાણભાન રાખે તે જરૃરી છે! તેમજ મ્યુનિ. કમિશનર તથા એસ.પી. સાહેબે પ્રજાની ચિંતા હળવી બને તે માટે જરૃરી સ્પષ્ટતા કરવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial