Advertisement
Author: નોબત સમાચાર

ઈપીએફઓના અધિકારી અને બે વચેટીયા ૧.૧૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

સીબીઆઈની ટીમે દરોડો પાડી દબોચી લીધાઃ સુરજકરાડીમાં અત્યંત ગુપ્તતા વચ્ચે ઓપરેશનઃ

જામનગર તા. ૧૪: ઓખામંડળના સુરજકરાડીમાં ગઈકાલે સવારે અચાનક જ દિલ્હીથી સીબીઆઈની ટીમ ધસી આવતા અને આ ટીમે રાત્રે નવેક વાગ્યા સુધી અત્યંત ગુપ્તરાહે કાર્યવાહી કરતા ભારે સસ્પેન્સ સર્જાયું હતું. ત્યારપછી સીબીઆઈએ રેઈડ અંગે વિગતો જાહેર કરી હતી. તેમાં જણાવવામાં આવ્યા મુજબ જામનગર તથા દ્વારકા જિલ્લામાં કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના અમલ અધિકારી અને તેના બે મદદગાર રૂ.૧ લાખ ૧૦ હજારની લાંચ લેતાં ઝડપાઈ ગયા છે. સુરજકરાડીમાં એક આસામીના મકાનમાં સર્ચ કરાયું હતું. આ દરોડાના પગલે બંને જિલ્લામાં ભારે ઉત્સુકતા વચ્ચે ખળભળાટ મચ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડીમાં ગઈકાલે સવારે દિલ્હીથી સીબીઆઈની એક ટૂકડી ધસી આવી હતી. તે ટૂકડીએ રૂ.૧ લાખ ૧૦ હજારની લાંચ લેતાં ઈપીએફઓના અમલ અધિકારી એન.સી. નથવાણી તેમજ વચેટીયા તરીકે કામ કરી રહેલા એચ.કે. ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણીની અટકાયત કરી લીધી હતી.

ઈપીએફઓ (એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન) (કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન)ના અમલ અધિકારી એન.સી. નથવાણી તથા વચેટીયા એચ.કે. ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી દ્વારા એક આસામીના ઈપીએફ માટે લાંચ મંગાઈ હોવાની સીબીઆઈમાં ફરિયાદ કરવામાં આવતા ગઈકાલે સીબીઆઈની ટીમે સુરજકરાડી દોડી આવી છટકુ ગોઠવ્યું હતું. જેમાં આ ત્રણેય વ્યક્તિ રૂ.૧ લાખ ૧૦ હજારની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા.

ઉપરોક્ત છટકા અંતર્ગત એચ.કે. ભાયાણીના સુરજકરાડી સ્થિત મકાનમાં સીબીઆઈ ટીમે દરોડો પાડી સર્ચ કાર્યવાહી કરી હતી. તેના માટે મકાન તરફ આવતા તમામ રસ્તા પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો. સવારથી માંડી રાત્રિના નવેક વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહીના અંતે રાત્રે આ ત્રણેય વ્યક્તિ રૂ.૧ લાખ ૧૦ હજારની લાંચના કેસમાં રંગેહાથ ઝડપાઈ ગયાની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી.

જામનગર સ્થિત પી.એન. માર્ગ પર આવેલા સ્વાગત કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં.૪૦૩માં કાર્યરત આ ઓફિસના અધિકારી એન.સી. નથવાણીના કાર્યક્ષેત્રમાં જામનગર તથા દ્વારકા જિલ્લો આવી રહ્યો છે. તેઓએ વચેટીયા એચ.કે. ભાયાણી તથા જય ભાયાણીની મદદથી લાંચ માંગી હતી પરંતુની તેની ફરિયાદ સીબીઆઈમાં થતાં ઈપીએફઓના જામનગરના અધિકારી તેમજ મિડલમેન અને સુરજકરાડીમાં રહેતા મિડલમેનના પુત્રના ઘેર ચકાસણી કરાઈ હતી.

સીબીઆઈની ટીમે દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી ઉપરાંત જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આવેલા આરોપીઓના આશ્રય સ્થાનોમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

સુરજકરાડી જેવડા ટચૂકડા ગામમાં સીબીઆઈની ટીમ દ્વારા રેઈડ કરાઈ હોવાની વિગતો બહાર આવતા જ ખળભળાટ મચ્યો હતો. કઈ બાબતે સર્ચ કાર્યવાહી કરાઈ રહી છે તેની પૂછપરછનો મારો ચાલ્યો હતો. તે પછી મોડીરાત્રે સીબીઆઈ દ્વારા વિધિવત વિગતો જાહેર કરવામાં આવી હતી. ત્યાં સુધી ભારે સસ્પેન્સ સર્જાયેલું રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh