Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તૃણમુલ કોંગ્રેસમાંથી વિજેતા થયા પછી ધ્યાને આવ્યું અતિક્રમણ?
વડોદરા તા. ૧૪: એક સમયે જે બન્ને ભાઈઓ ભારતીય ક્રિકેટ ટીમમાં તરખાટ મચાવી રહ્યા હતાં, તે વડોદરાના બે ગુજ્જુ યુવાનો પૈકી ઈરફાનખાન પઠાણ અત્યારે નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાનો કોમેન્ટ્રેટર અને એડવાઈઝર બની ગયો છે, જ્યારે તેનો ભાઈ યુસુફખાન પઠાણ તાજેતરની લોકસભાની ચૂંટણી પ. બંગાળમાંથી તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર લડ્યો અને જીત્યો. પછી હવે શપથવિધિ થયા પછી દેશનો 'માનનીય સાંસદ' બની જવાનો છે, અને લોકસભામાં પ્રશ્નો પૂછતો હોય, તેવા દૃશ્યો પણ હવે દેખાવાના છે. ક્રિકેટના મેદાનમાં તરખાટ મચાવતો યુસુફ પઠાણ સંસદની રાજકીય પીચ પર કેવો દેખાવ કરશે, તે પણ ચર્ચાનો વિષય છે.
યુસુફ પઠાણ સંસદસભ્ય તરીકે પોતાની કારકિર્દી શરૃ કરે તે પહેલા જ એક વિવાદ તેને ઘેરી વળ્યો છે. બન્યું છે એવું કે વડોદરાની મહાનગરપાલિકાએ તેની વિરૃદ્ધ આપેલી ફરિયાદના આધારે તેને નોટીસ ફટકારી છે.
વડોદરાના ડેપ્યુટી મેયરને ટાંકીને વહેતા થયેલા અહેવાલો મુજબ ભૂતકાળમાં વડોદરાની મનપાએ યુસુફ પઠાણને એક પ્લોટ ફાળવવાની ભલામણ કરી હતી, પરંતુ રાજ્ય સરકારમાંથી તેની મંજુરી મળી નહોતી. વડોદરા મનપાના ઠરાવ સરકારમાંથી નામંજુર થયો હોવા છતાં તે પ્લોટ પર કથિત રીતે દબાણ કરીને દીવાલ બાંધી અને ત્યાં તબેલો બાંધી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે.
મીડિયા અહેવાલો મુજબ છેક વર્ષ ર૦૧ર નું આ પ્રકરણ છે. યુસુફ પઠાણની માંગણી મુજબ વડોદરા મનપા દ્વારા નિયત કરેલા પ્રિમિયમ બદલ વડોદરામાં તાંદલજાના ઘર પાસે ૯૭૮ ચો.મી. જમીનનો પ્લોટ ફાળવાયો હતો, પરંતુ આ વેંચાણ પ્રક્રિયાને જ રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયે નામંજુર કરી દીધી હતી. વર્ષ ર૦૧૪ માં રાજ્ય સરકારે નામંજુર કર્યા છતાં પઠાણે આ પ્લોટ ખાલી ન કર્યો અને ત્યાં બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ પૂર્વ નગરસેવકે કર્યો છે.
આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના હાલના શાસકોના અભિપ્રાય મુજબ પઠાણનો આ પ્લોટ પર કબજો ગેરકાયદે છે, અને કોર્પોરેશનના તંત્રે આ કાર્યવાહી આદરી છે.
વડોદરા મનપાએ યુસુફ પઠાણને ૧પ દિવસમાં આ પ્લોટ પરનું બાંધકામ હટાવીને મનપાને કબજો પરત સોંપવા જણાવ્યું હોવાનું કહેવાય છે, અને જો તેમ નહીં થાય તો મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, આટલા વર્ષો સુધી જમીન વાપરી, તેનો દંડ પણ વસૂલાશે.
યુસુફ પઠાણ ક્રિકેટર અને હવે સાંસદ છે. તેમ છતાં તેમણે દબાણ કર્યું હોય તો તે હટાવવાની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આ પ્રક્રિયા તે પ. બંગાળમાંથી તૃણમુલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને સંસદસભ્ય બન્યા પછી કેમ વેગીલી બની? ભાજપના પૂર્વ નગરસેવકને આટલા વર્ષે કેમ આ કથિત એન્ક્રોચમેન્ટ યાદ આવ્યું, અને છેક હવે કેમ ફરિયાદ કરી? શું આ પ્રક્રિયાની ઝડપ વધવાને રાજનીતિ સાથે કોઈ સંબંધ છે? પઠાણ જો એનડીએમાંથી ચૂંટણી લડીને સાંસદ બન્યો હોત તો આ કાર્યવાહી થઈ હોત ખરી? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial