Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના શાસનથી ત્રસ્ત જનતા માંગે છે પરિવર્તનઃ કોંગી ઉમેદવાર જે.પી. મારવિયા

મોંઘવારી, ગરીબ, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિતના મુદ્દે આક્રોશિત જનતામાં અંડરકરન્ટ છે-શાસનવિરોધી જુવાળ છેઃ કોંગી નેતાઓ

આગામી લોકસભની ચૂંટણીમાં ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ કોંગ્રેસના આગેવાનો સાથે નોબત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ ઉમેદવાર જે.પી. મારવિયાએ ખૂબ જ મક્કમતાથી જણાવ્યું કે, કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પૂરા જોશ-જુસ્સા સાથે આ ચૂંટણી લડનાર છે.

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના શાસનમાં દેશમાં અતિશય મોંઘવારી, ગરીબી, બેરોજગારીની ગંભીર સમસ્યાઓ પ્રવર્તે છે. શિક્ષણ અને આરોગ્યનો વેપાર થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માત્ર મોટી મોટી વાતો કરીને દેશની પ્રજાને સતત ગુમરાહ કરી રહ્યા છે અને પ્રજાને સ્પર્શતા મૂળભૂત મુદ્દાઓને સાઈડલાઈન કરી રહ્યા છે, પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો હાલાર સહિત ગુજરાત અને દેશભરમાં આમજનતામાં ભાજપના શાસન પ્રત્યે ભારે અસંતોષ અને રોષનો અંડર કરન્ટ છે.

જે.પી. મારવિયાએ જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં મતદારો ભાજપના આવા ગેરસમજ ફેલાવતા પ્રચાર-પ્રોપેગંડાના પ્રભાવમાં આવશે નહીં અને પરિવર્તનનો ચમત્કાર દેખાડી દેવાના મૂડમાં છે.

કોંગ્રેસના નેતાઓને લાલચ કે અન્ય રીતે ભાજપમાં લઈ જવાના કારસા ચાલી રહ્યા છે અને તેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોંગ્રેસના કેટલાક ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ પક્ષપલટા કરી રહ્યા છે, બાકી કોંગ્રેસના કાર્યકરોનું સંગઠન અકબંધ અને મજબૂત જ છે.

ઈન્ડિયા ગઠબંધનના કારણે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 'આપ'ના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો પણ કોંગ્રેસની સાથે છે.

જે.પી. મારવિયા છેલ્લા બાવીસ વરસથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર છે અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનકાળમાં કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. હાલ પણ તેઓ જિલ્લા પંચાયતમાં વિરોધપક્ષના નેતા તરીકે જિલ્લાની જનતાના પ્રશ્નોને સતત વાચા આપી રહ્યા છે. માર્કેટીંગ યાર્ડમાં પણ તેઓ ડીરેક્ટર છે, અને વ્યવસાયે વકીલ છે. કાલાવડ તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લામાં તેઓ કોંગ્રેસના નેતાઓ, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો સાથે સતત સંકલનમાં રહ્યા છે.

કોંગ્રેસના મોવડીમંડળના નેતાઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પ્રત્યે જે.પી. મારવિયએ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે મારા જેવા યુવા-પાટીદારની લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. જે.પી. મારવિયાએ સ્પષ્ટ પણે જણાવ્યું કે પાટીદાર સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ-સમાજ અને અઢારે વર્ણોનું મને સમર્થન મળી રહ્યું છે. કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે.

અમે પ્રજાના પ્રશ્નો પ્રત્યે ભાજપના શાસકોની નષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર, સરકારોની તોડફોડ, અન્ય પક્ષના લોકોના પક્ષ પલ્ટા કરાવવા, પ્રજા-સમાજમાં ભાગલા પડાવવા જેવા મુદ્દાઓ સાથે પ્રચાર કાર્ય શરૃ કરી દીધું છે અને પ્રારંભથી જ અમને પ્રજામાંથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. પ્રજા ચોક્કસ પણે ત્રસ્ત થઈ ગઈ છે અને પરિવર્તનના મૂડમાં છે.

જે.પી. મારવિયાની 'નોબત' મુલાકાત વેળાએ તેમની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્ગુભા જાડેજા, પ્રદેશ પ્રતિનિધિ અને ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો આનંદભાઈ રાઠોડ, રચનાબેન નંદાણિયા, તેમજ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ, જિ.પં. આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન તથા પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી અરવિંદભાઈ ગજેરા, જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પી.આર. જાડેજા જોડાયા હતાં. 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી તથા ચેતેનભાઈ માધવાણીએ જે.પી. મારવિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા પછી જે.પી. મારવિયાએ સૌ પ્રથમ બાલાહનુમાન મંદિરમાં દર્શન-પૂજા કર્યા હતાં. ત્યારપછી મહારાણાપ્રતાપ, ડો. આંબેડકર તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh