Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડક અમલવારીમાં તદ્દન નિષ્ક્રીયતાના કારણે સરકારી જાહેરનામાઓ બની રહ્યા છે ''હાસ્યાસ્પદ''...!
જામનગર તા. ૮: જામનગર શહેર અને જિલ્લાને તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાને સ્પર્શતા કેટલાંક મુદ્દાઓ અંગે જવાબદાર સરકારી તંત્રના સર્વોચ્ચ અધિકારી દ્વારા અવાર-નવાર આદેશાત્મક જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ થયા પછી તેનો સંલગ્ન જવાબદાર તંત્ર દ્વારા જરૂરી અમલવારી અંગે સવાલો ઊભા થયા છે.
જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટના કડક દિશા નિર્દેશ અને રાજ્ય સરકારની સૂચના મુજબ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. કમિશનરે વિસ્તૃત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે પણ આવા જાહેરનામા અગાઉના મ્યુનિ. કમિશનરોના કાર્યકાળમાં પણ પ્રસિદ્ધ થયા હતાં. સમસ્યા ત્યાંની ત્યાં જ છે. પરિસ્થિતિમાં સુધારો તો થયો જ નથી પણ વધુ બગડી છે. ચારે તરફ ઢોર જોવા મળે છે. શહેરમાં ખુલ્લેઆમ ટ્રક-છકડારિક્ષા-છોટા હાથી જેવા વાહનો ભરીને ઘાંસચારાના વેચાણ થઈ રહ્યા છે. ઢોરમાલિકોના રજીસ્ટ્રેશન, ઢોર પકડવાની કામગીરી, દંડ, ઘાસચારો વેચનારા સામે પગલા વગેરે કાર્યવાહી થતી નથી.... તો પછી અખબારોમાં પ્રજાના નાણા ખર્ચીને મોટી-મોટી જાહેરાતો-જાહેરનામા પ્રસિદ્ધ કરવાનો મતલબ શું..? શા માટે જાહેરનામામાં દર્શાવેલી જોગવાઈઓનો કડકમાં કડક અમલ કરવામાં આવતો નથી...?
આવો જ બીજો દાખલો બેડ ટોલ નાકા અંગેના જાહેરનામાનો છે ત્યાં ટોલ ટેકસથી બચવા ખાનગી વાહનો ટોલ ગેઈટ પાસે કોઈ માથાભારે આસામીઓ ખેતરમાંથી કાઢી આપેલા ગેરકાયદે માર્ગનો ઉપયોગ કરે છે... આ આસામી ખાનગી વાહનોવાળા પાસેથી ટોલટેકસ કરતા ઓછાં રૂપિયા લઈ ઉઘરાણાં કરે છે અને આ સીલસીલો ઘણાં લાંબા સમયથી ચાલે છે. જેની જાણ તંત્રને છે જ. અને તેથી જ જે કોઈ કલેકટર આવે કે તરત જ બેડ ટોલનાકા પાસેના ગેરકાયદે માર્ગનો ઉપયોગ નહીં કરવા, ગેરકાયદે ઉઘરાણાં કરનારા સામે પગલા લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરે છે.
આ જાહેરનામાનો પણ શા માટે અમલ થતો નથી? શા માટે પોલીસ પાર્ટીને સાથે રાખીને ઉઘરાણા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થતી નથી? શા માટે ટોલનાકા પહેલા અને પછીના માર્ગ કાઢવાના ખાંચાને જ પાકાપાયે બંધ કરી દેવામાં આવતા નથી? ટોલટેકસની આવકમાં મોટી નુકસાની થઈ રહી છે જ્યારે ઉઘરાણાનો આંકડો લાખો-કરોડો જેવો થાય છે!
આવો જ દાખલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર૧ જેટલા ટાપુઓ પર અવારનવારના પ્રતિબંધ અંગેના જાહેરનામાનો છે. જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય તેવા નિર્જન જેવા ટાપુઓ પર પ્રતિબંધ લાદે તે જરૂરી છે. પણ તેમાં વળી બે-ત્રણ મહિનાની સમય મર્યાદા શા માટે? શા માટે કાયમ માટે પ્રતિબંધ મૂકાતો નથી? અને અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયા પછી આવા ટાપુઓ પર પ્રવેશ જ ન થાય તેવો બંદોબસ્ત શા માટે મૂકાતો નથી? અથવા તો પ્રતિબંધનો ભંગ કરી ટાપુઓ ઉપર અવરજવર કરનારા સામે શા માટે પગલા લેવાતા નથી?
લાઉડ સ્પીકરોનો ઉપયોગ રાત્રે ૧૦ વાગ્યા પછી જાહેરમાં નહીં કરવાનો કડક કાયદો અમલમાં છે. પણ આપણે ત્યાં તો મોટાભાગના જાહેર કાર્યક્રમો જ રાત્રે ૯/૧૦ વાગ્યા પછી શરૂ થાય છે તેમાં લોકડાયરો, લગ્નના દાંડીયા રાસ, જેવા કાર્યક્રમોમાં બિન્દાસપણે રાત્રે ર-૩ વાગ્યા સુધી આસપાસના વિસ્તારોના બારી-બારણા ધ્રુજી જાય, લોકો નિરાંતે ઊંઘી જ ન શકે, કાન ફાડી નાંખે તેવા ખૂબ જ મોટા અવાજો ચાલુ રહે છે. શા માટે કોઈ સામે તંત્ર કાર્યવાહી કરતું નથી ? કેટલાક કિસ્સામાં એવો જવાબ મળે છે કે કોઈ ફરિયાદ કરે તો અમે બંધ કરાવીએ...? કયાંક ફરિયાદ થઈ તો ફરિયાદીનું નામ તંત્રના જ માણસો દ્વારા અવાજ ફેલાવનારાને આપી દયે અને બબાલ થાય તેવા કિસ્સા બન્યા હોવાથી ફરિયાદ કરવાનું લોકો ટાળે છે અને આ ત્રાસ સહન કરે છે.
ટૂંકમાં સરકારી તંત્રો જે કોઈ જાહેરનામા બહાર પાડે તેના અમલ માટે પણ એટલું જ સતર્ક અને કડકપણે કાર્યરત રહેવું જરૂરી છે બાકી આવા જાહેરનામાના ડ્રાફટ તૈયાર જ હોય છે, માત્ર તારીખ બદલવાની અને તેના બહાર પાડનાર અધિકારીની સહી... બસ અમારૃં કામ પૂરૃં...!!
સરકારી જાહેરનામાઓ પ્રજામાં તેની અમલવારીના અભાવે હાસ્યાસ્પદ બની રહ્યા છે ત્યારે સરકારે જાહેરનામાની અને સરકારી સત્તાની ગરિમા જળવાઈ રહે તે દિશામાં વિચારવાની જરૂર છે.
જાહેરમાં ફટાકડા રાત્રે ૧૦ વાગ્યા પછી ન ફોડવા, અમુક ડેસીબલથી વધુ અવાજના ફટાકડા ન ફોડવા, શૈક્ષણિક સંસ્થાઓ પાસે ગુટકા, તમાકુનું વેચાણ નહીં કરવા, પ્લાસ્ટિકના ટૂકડા (માવા-મસાલા માટે), પ્લાસ્ટિકના ઝબલા થેલીનો ઉપયોગ ન કરવો, સરકારી દીવાલો ઉપર ખાનગી જાહેરાતો કે રાજકીય પક્ષોના ચિતરામણાં નહીં કરવા જેવા અનેક મુદ્દે જાહેરનામાઓ પ્રસિદ્ધ થયા છે અને થાય છે.. પણ તેનો કેવો અને કેટલો અમલ થાય છે તે આપણે સૌ અને જાહેરનામું બહાર પાડનારા પણ જોઈ રહ્યા છીએ... અનુભવી રહ્યા છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial