Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાભારતના લોહિયાળ ભીષણ યુદ્ધ સમયને કમુરતા ગણવામાં આવે છેઃ કમુરતામાં શુભ કાર્યો વર્જિત છે
ગુજરાતીઓ મોટાભાગે અંગ્રેજી કેલેન્ડરને માને છે. વડીલો ધરમ કરમ કરવા માટે ગુજરાતી કેલેન્ડર અથવા પંચાંગને વધુ અનુસરે છે. કડિયા, સુથાર, પ્લંબર સહિતના કારીગરો પણ ગુજરાતી કેલેન્ડર અનુસાર અમાસના દિવસે ચોક્કસ રજા પાળે છે. તે લોકો રવિવાર કે અંગ્રેજી કોઈપણ વાર તહેવાર પાળતા નથી. દિવાળીમાં પણ અવશ્ય રજા રાખે. ગુજરાતમાં કદાચ આ એક જ એવો વ્યવસાય છે જે ગુજરાતી પંચાંગને અનુસરે છે! બીજો વર્ગ પૂજારીઓનો છે, જે ગુજરાતી પંચાંગ અનુસાર ક્રિયા, કર્મ, પૂજા-અર્ચન કે હોમ હવન કરે છે. આમ ગુજરાતમાં બે વર્ગ એવા છે જે આપણા શાસ્ત્રોને ચુસ્ત રીતે વળગેલા છે. કારીગરો અને પૂજારીઓ અંગ્રેજી કેલેન્ડરને અનુસરતા નથી.
કમુરતા નામનો રાક્ષસ કાળ માત્ર ગણીયા ગાંઠિયા ગુજરાતી લોકોને જ નડે છે. બાકીના લોકો આ સમય દરમિયાન શુભ કાર્યો અવિરત કરતા રહે છે.
ગુજરાતી કેલેન્ડર કે હિન્દુ કેલેન્ડરને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ માન્યતા આપે છે. ગુજરાતીઓ તિથિઓને માને છે અને માન પણ આપે છે. કારતક માસથી શરૂ કરી આસો માસ સુધી તમામ તિથિઓ સંપૂર્ણ પાળવામાં આવે છે. શુભ કાર્યો માટે તો ખાસ અનુસરવામાં આવે છે. સગાઈ, લગ્ન, ઉદ્ઘાટન સહિતના શુભ કાર્યો માટે પંચાંગ અવશ્ય જોવામાં આવે છે. શુભ દિવસે પણ ચોઘડીયા જોવામાં આવે છે. સામાન્ય રીતે બપોરે ૧૨:૩૯ના સમયને વિજય મુહૂર્ત માનવામાં આવે છે. ગુજરાતી પંચાંગ સામાન્ય રીતે શુભ કાર્યો માટે અનુસરવામાં આવે છે. જો કે, ડિસેમ્બરથી જાન્યુઆરી માસ આવે એટલે ગુજરાતીઓ સતર્ક બની જાય છે. કારણ કે, આ અંગ્રેજી મહિનામાં કમુરતા નામનો રાક્ષસ કાળ આવે છે. એક મહિના સુધી અશુભ દિવસો રહે છે. આ વખતે ૨૦૨૪ મા ૧૫ ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થશે.
અર્થ
ગુજરાતી શબ્દકોષ અનુસાર કમુરતાનો અર્થ ખરાબ મુહૂર્ત, ખરાબ વેળા, અશુભ કે અમંગળ સમય એવો થાય છે.
કારણ
ધર્મના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનુર્માસ દરમિયાન જ મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું હતું. ધનુર્માસ ચાલુ હોય ત્યારે ચંદ્રમાસ માર્ગશીર્ષ ચાલુ હોય છે. અદિતથી થતી બાર આદિત્ય ઉત્પન્ન થયા છે, તેમાં ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેના કારણે ધનુર્માસનું શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણન છે. ધનુર્માસમાં ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવામાં આવે છે. જેથી મંદિરો ભક્તિભાવથી ગૂંજી ઉઠે છે.
ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જિલ્લામાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતા કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામ ક્ષેત્રમાં હોવાથી કમૂરતાની ગણના કરવાની રહેતી નથી. બીજી માન્યતા અનુસાર નર્મદા નદીના ભરૂચ બાજુના કાંઠા પછી કમુરતા અસર કરતા નથી પરંતુ આપણી બાજુ તેને પાળવામાં આવે છે.
ધનારક અને મીનારક એક જ છે. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે.
કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ અથાર્ત ધનુર્માસ અથાર્ત કમુરતા આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં ગુરૂ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને કમુરતા પૂર્ણ થઈ જાય છે.
કમુરતામાં વર્જ્ય
ગૃહ પ્રવેશ કે લગ્ન જેવાં કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર, પહેલીવાર તિર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઇ નવી વસ્તુની ખરીદી વગેરે જેવાં કાર્યો કમુરતામાં કરવામાં આવતાં નથી.
કમુરતામાં માન્ય
કમુરતાના સમયગાળા દરમિયાન સૂર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઇએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ. ધાર્મિક યાત્રા કરવી જોઇએ. બ્રાહ્મણ, ગુરૂ, ગાય અને સાધુ-સંતોની સેવા કરવી જોઇએ.
આ વર્ષે ૨૦૨૪ માંદ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે સૂર્ય દેવનું ગોચર ધન રાશિમાં ૧૫ ડિસેમ્બરે રવિવારે રાત્રે ૧૦:૧૯ વાગ્યે થશે. તે સમયે સૂર્યની ધન સંક્રાંતિ થશે. આ આધારે કમુરતા ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે.
સમાપ્તિ
સૂર્ય દેવ ધન રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે. જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે. જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે કમુરતા સમાપ્ત થાય છે. ૨૦૨૫ મા સૂર્ય દેવ મકર રાશિમાં ૧૪ જાન્યુઆરીએ મંગળવારે પ્રવેશશે, તે દિવસે કમુરતાનું સમાપન થશે. ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષ ૨૦૨૫માં મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે.
કમુરતામાં તમે દૈનિક પૂજા કરી શકો છો. આ દરમિયાન વ્રત રાખવા પર કોઈ પાબંદી નથી. તમે તમારા ઇષ્ટદેવની આરાધના કરી શકો છો. સાથે જ તમે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરી શકો છો.
લગ્ન
ગુજરાતી પરિવારોમાં લગ્નને સૌથી મોટું શુભ કાર્ય માનવામાં આવે છે અને સુખ શાંતિ માટે દંપતી વચ્ચેનો મનમેળ બહુ મહત્ત્વનો છે, આથી વડીલો કોઈ જોખમ લેવા ન માંગે તે સ્વાભાવિક છે. ધનુર્માસમાં પવિત્ર અને સુબહ મુરહત હોતાં નથી. શુભ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આથી લગ્ન થતાં નથી. લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૂર્ય, ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતાં નથી. ત્યાં જ, ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી. ધન અને મીન બંને જ દેવગુરુ બૃહસ્પતિની રાશિઓ છે અને આ બંને જ રાશિઓમાં જઈને સૂર્ય નબળો પડી જાય છે. જેથી માંગલિક કાર્યો થઈ શકતાં નથી. ધનારક કમુરતા કે મીનારક કમુરતામાં લગ્ન કરવાથી પતિ-પત્નીનો સંબંધ નબળો પડી શકે છે.
માન્યતા
કમુરતા એક પ્રસ્થાપિત માન્યતા છે. તે સૂર્યની ચાલ આધારિત છે. હવે, સૂર્યદેવ આખા વિશ્વમાં પરિભ્રમણ કરે છે, આથી તેની ચાલ, ગતિ અને દિશાની અસર આખી દુનિયામાં સમાન રીતે થવી જોઈએ! ગ્રહોનો પ્રવેશ, દિશા, ગતિ અને અસરો માત્ર ગુજરાતીઓ ઉપર જ થાય તે બહુ આધારભૂત બાબત નથી. સમગ્ર દુનિયામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી તમામ શુભ કર્યો કરવામાં આવે છે અને તેના સુખદ પરિણામો પણ મળે છે. ગ્રહમાળાના ગ્રહો શા માટે આપણે જ અસર કરે? પરંતુ ગ્રહોની ચાલ અને અસરો બાબતે આપણી માન્યતા બહુ ઊંડી અને જૂની છે.
આપણે બહુ સગવડીઓ ધર્મ પાળીએ છીએ. અસંખ્ય વિદેશી ગુજરાતીઓ કમુરતાના સમયમાં સ્વદેશ આવે છે અને ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવે છે. માર્મિક રીતે એમ પણ કહેવામાં આવે છે કે, કમુરતામાં લગ્નપ્રસંગ કરવામાં આવે તો સસ્તો પડે! વર કન્યાનાની કુંડળી મેળાપક સમયે પણ ૩૬ ગુણ મળે તે ઉત્તમ ગણાય છે. પરંતુ ઉચ્ચ ગુણાંક ધરાવનાર દંપતીના જીવનમાં પણ વિડંબનાઓ આવી શકે છે, લગ્ન ભંગ થયાના ઉદાહરણો જોવા મળે છે. કમુરતાં પણ એક માનસિક માન્યતા જ છે. કમુરતા બાબતે લાંબી લચક એન્જિઑગ્રાફી લખનાર પણ કમુરતમાં શુભ કાર્યો કરવાનું ટાળે છે તે પણ હકીકત છે!
અશુભ
ગુજરાતી પંચાંગમાં કમુરતાનો એક સમયગાળો જ અશુભ માનવામાં આવતો નથી, પરંતુ દૈનિક ધોરણે પણ કેટલાંક ચોઘડિયાને અશુભ ગણવામાં આવે છે. ચલ, કાળ, રોગ, ઉદ્વેગ ને પણ અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શુભ કાર્યો વર્જિત છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયને પણ અશુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસને જેમ વણલખ્યો શુભ દિવસ માનવામાં આવે છે તે રીતે કાળી ચૌદશને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં કોઈનું અવસાન થયું હોય તો તે સમયને પણ અશુભ ગણવામાં આવે છે.
જો કે, કેટલાંક અશુભ સમયને શાંત કરવા માટે પાઠ, પૂજા, ધૂપ દીપ, હવન પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે, આ કાળ સમયે માનસિક શાંતિ માટે ભગવાનનું નામ અવસ્ય લેવું. બની શકે તો ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો. દાન ધર્માદાને પણ મહત્ત્વ આપવું.
સારાંશ
ધરતી ઉપર બે મહત્ત્વની બાબતો. જન્મ અને મૃત્યુ ચોઘડિયાં જોયા વગર થાય છે. કમુરતામાં જન્મેલ બાળક યશસ્વી અને સફળ બની શકે છે. શુભ મુહૂર્તમાં જન્મેલ બાળક નઠારુ હોય શકે છે. ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો હોવા છતાં તારણહાર ગણાયા. ભગવાન ઈશુનો જન્મ અંધાધૂંધી વચ્ચે બેથલહામમાં થયો હોવા છતાં યહૂદીઓના તારણહાર બન્યા.
કાળ મહત્ત્વનો નથી, કર્મો જ મહાન છે. કર્મ કરશો તેવા ફળ મળશે. ભગવાન કૃષ્ણે ભાગવત ગીતમાં આપેલા ઉપદેશને કંઠસ્થ રાખવો.
'નોબત'ના વાચકો અને ચાહકોને તારીખ ૧૫ ડિસેમ્બરથી શરૂ થતાં કમુરતા નડે નહીં અને માનસિક શાંતિ તથા શારીરિક સુખ જળવાઈ રહે તેવી શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial