Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.સી.એસ.ટી. કેટેગરી માટે રૂ. ૧૨૫
નવી દિલ્હી તા. ૩૧: વકીલતાની સનદ પેટે રૂ. ૭૫૦ની રકમ જ વસુલી શકાશે, તેનાથી વધુ નહીં તેવો ચૂકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો છે.
સુપ્રિમ કોર્ટે એક સીમા ચિહ્નરૂપ ચૂકાદા મારફતે ઠરાવ્યું હતું કે કાયદાશાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલતાની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂ. ૭૫૦ અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ. ૧૨૫થી વધુના હોઈ શકે.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવેથી જે-તે સ્ટેટ બાર કાઉન્સીલ વકીલાતાની સનદ માટે પરચુરણ ફી, સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિર્દિષ્ટ રકમ કરતાં કોઈપણ વધુ રકમ વસુલી શકાશે નહીં. સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા એડવોકેટસ એક્ટની કલમ-૨૪ (૧)(ક) હેઠળ નિર્દિષ્ટ રકમ કરતાં વધુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઈપણ વધારાની રકમ વસુલી શકતા નથી.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે એડવોકેટ એક્ટ-૧૯૬૧ની કલમ ૨૪ (૧)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી (નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂ. ૭૫૦ અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ. ૧૨૫ નિર્ધારીત કરાયેલી જ છે. તેનાથી વધુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા વસુલી શકે નહીં.
અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજ્યોના વકીલો ગૌરવ શર્મા તથા અન્ય તરફથી કરાયેલી જુદી જુદી રીટ અરજીઓની સુનાવણીના અંતે સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહતકર્તા ચૂકાદો આપ્યો હતો.
સુપ્રિમકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના જુદા-જુદા રાજ્યોમાં વિવિધ બાર કાઉન્સીલ દ્વારા વકીલો પાસેથી વકીલાતથી સનદ પેટે રૂ. રપ હજારથી લઈ રૂ. ૪૦ હજાર સુધીની મનસ્વી એનરોલમેન્ટ ફી ઉઘરાવાઈ રહી હોવાનું સામે આવ્યું છે, પરંતુ સંસદે એનરોલમેન્ટ ફી એક વખત નિર્ધારીત કરી હોય, તેનું જે-તે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા ઉલ્લંઘન કરી શકે નહીં.
કલમ-ર૪ (૧) (ક) એક રાજકોષીય નિયમનકારી જોગવાઈ હોવાથી તેનું ચુસ્તપણે અર્થઘટન કરવું જોઈએ અને સંસદે તેની સાર્વભૌમ સત્તાના ઉપયોગ માટે રકમ નિર્ધારિત કરી હોવાથી સ્ટેટ બાર કાઉન્સીલ અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પ્રતિનિધિ તરીકે કાયદા હેઠળ સંસદ દ્વારા નિર્ધારિત રાજકોષીય નીતિમાં ફેરફાર કરી શકે નહીં.
સુપ્રિમ કોર્ટે ખાસ નોંધ્યું હુતં કે, વકીલાતી સનદ માટે વધુ પડતી એનરોલમેન્ટ ફી વસૂલવાની ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના લોકો માટે તેમના વ્યવસાયને આગળ ધપાવવામાં અવરોધ સર્જાય. કાયદામાં નિર્ધારિત રકમ કરતાં કોઈપણ વધારાની વસૂલાત એ બંધારણની કલમ-૧૯ (૧) (ડી) અને વ્યવસાયિતાના અધિકારના ભંગ સમાન કહી શકાય.
સુપ્રિમકોર્ટે આ ચૂકાદાની સાથે-સાથે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, અત્યાર સુધી સ્ટેટ બાર કાઉન્સીલોએ સનદ પેટે વકીલો પાસેથી વૈધાનિક રકમ કરતા વધુ એકત્ર કરાયેલ નોંધણી ફી પરત કરવાની જરૂર નથી. સ્ટેટ બાર કાઉન્સીલે આ રકમ રિફંડ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે કાયદામાં નિર્દિષ્ટ ઉપરોક્ત રકમ જ ઉઘરાવી શકશે.
આ મામલે દેશની જુદી-જુદી હાઈકોર્ટમાં પણ રિટ અરજીઓ થઈ હતી અને બાદમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ તમામ મેટરો સુપ્રિમકોર્ટમાં ટ્રાન્સફર કરવા અને સુપ્રિમકોર્ટ જ સાંભળે તે માટેની પિટિશન કરી હતી, જે સુપ્રિમ કોર્ટે સાંભળી લંબાણપૂર્વકની સુનાવણીના અંતે મહત્ત્વનો ચૂકાદો જાહેર કર્યો હતો.
સુપ્રિમકોર્ટના આ મહત્ત્વના ચૂકાદાની અસરો વિશે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રિમકોર્ટના આ ચૂકાદાથી નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત મળી છે. દેશની કોઈપણ સ્ટેટ બાર કાઉન્સીલ હવે નવા વકીલો પાસેથી વકીલાતથી સનદ પેટે માત્ર રૂ. ૭પ૦ જ એનરોલમેન્ટ ફી પેટે ઉઘરાવી શકશે. સ્ટેટ બાર કાઉન્સીલની આવક પર આ નિર્ણયની સીધી અસર થશે.
જો કે, સુપ્રિમકોર્ટે બાર કાઉન્સીલ વકીલો માટે કામ કરતી માતૃ સંસ્થા હોય, અન્ય શુલ્ક લેવાની સ્વતંત્રતા ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યુ છે. પરંતુ એનરોલમેન્ટ ફી પેટે હવે કોઈપણ શીર્ષક હેઠળ વધારાની રકમ વસૂલી શકશે નહીં. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાં રૂ. રપ હજાર જેટલી ફી વસૂલાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial