Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા તંત્ર નિંભરઃ નેતાઓમાં દીર્ઘદૃષ્ટિનો અભાવઃ પ્રજા લાચાર... ખિસ્સા ભરતી સરકાર...!
જામનગર તા. ૧પઃ જામનગર શહેરની કમનસીબી છે કે રાજકીય નેતાગીરીમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ ગણો કે સરકારી તંત્રની નિષ્ક્રિયતા... આ મહાનગરના ખૂબ જ મહત્ત્વના વિકાસ કામો કરવા માટે ક્યારેય દરકાર કરવામાં આવી નથી.
શહેરની મધ્યમાં અતિ વિશાળ પ્રદર્શન મેદાન આવેલું છે. જેનો વ્યાપ અગાઉ હાલની જિલ્લા હોમગાર્ડ કચેરીની દીવાલથી લઈ પાછલા તળાવના પાળા, સુમેર ક્લબ સુધીની દીવાલ સુધીનો હતો. કાળક્રમે આ મેદાનના ભાગોમાં ગવર્મેન્ટ કોલોની, જજના ક્વાર્ટર બન્યા, મીગ કોલોની તરફ જવાનો માર્ગ બની ગયો અને મેદાનમાં તેમજ મેદાન ફરતે ઝુંપડપટ્ટીવાળાના દબાણો થઈ જતા અતિ વિશાળ મેદાન નાની સાઈઝનું થયું. તેમ છતાં આજે આ મેદાન અંદાજે ચાર લાખ ચો.ફૂટનું રહ્યું છે.
આ મેદાનનું નામ જ પ્રદર્શન મેદાન છે અને અહીં વરસોથી સરકસ, જાદુગરના શો, નવરાત્રિના આયોજનો, મેળા, પ્રદર્શનો, એકસ્પ્લે જેવા આયોજનો, સમૂહલગ્નો, મેળાવડાઓ, ક્રિકેટ ટુર્નામેન્ટ વગેરે વરસભર થતા રહે છે અને તેમાં'ય સૌથી ઉલ્લેખનિય બાબત એ છે કે, મહાનગરપાલિકા દ્વારા આ વિશાળ મેદાનમાં શ્રાવણી મેળાઓ યોજાય છે. એટલું જ નહીં, ચૂંટણી ટાણે જાહેર સભાઓ કે લોકાર્પણ, સંમેલન જેવા કાર્યક્રમોના મોટાપાયે આયોજનો થાય છે અને તેમાં વડાપ્રધાન જેવા ઉચ્ચ રાજકીય નેતાઓ આવે છે... ધર્મકથાઓના વિશાળ મંડપો સાથે આયોજનો થાય છે...
અર્થાત્... આ મેદાન અત્યંત ઉપયોગી પૂરવાર થઈ રહ્યું છે, અને આ મેદાન જિલ્લા કલેક્ટર (જિલ્લા વહીવટી તંત્ર) હસ્તક છે. આ મેદાનમાં ઉપર દર્શાવેલા આયોજનોથી જિલ્લા કલેક્ટર કચેરી (સરકાર) ને વરસે દા'ડે લાખ્ખો રૃપિયાની આવક થાય છે.
તેમ છતાં... આ મેદાનની અવદશા યથાવત્ જ રહી છે, વરસોથી! આ મેદાન ફરતે ઊંચી સુરક્ષિત દીવાલ બની નથી, નથી એન્ટ્રી-એક્ઝીટના ગેઈટ બન્યા... નથી ગ્રાઉન્ડ સમથળ કરવાની દરકાર થઈ... પરિણામે આ મેદાનમાં બિન્દાસપણે દબાણો, ગંદકી થાય છે અને જ્યારે કોઈ રાજકીય પક્ષનું અને ખાસ કરીને સત્તાધારી પક્ષનું આયોજન હોય ત્યારે બે-ચાર દિવસ માટે ત્યાંથી દબાણો હટાવવાની કાર્યવાહી થાય છે! કાર્યક્રમ પતે કે તરત જ ફરીથી દબાણો આવી જાય છે...
આ મેદાનની કાયાપલટ કરવા માટે અખબારોમાં અનેક વખત જિલ્લા વહીવટી તંત્રનું તેમજ ચૂંટાયેલા નેતાઓનું ધ્યાન દોરવામાં આવ્યું જ છે, તેમ છતાં દીર્ઘદૃષ્ટિનો અભાવ અને સત્તાના અહમ્માં કોઈને આ મેદાનનું નવીનિકરણ કરવાની ફુરસદ નથી અથવા બીલકુલ રસ નથી!
આ મેદાનમાં ખરેખર તો ઘાસ ઉગાડી લોન બનાવવાની જરૃર છે... મેદાનમાં યોગ્ય કોર્નરો પર લેડીઝ/જેન્સ્ટ માટેના ટોયલેટ બ્લોક બનાવવાની જરૃર છે... આ મેદાનમાં યોગ્ય પોઈન્ટ ઉપર પીવાના પાણીના સ્ટેન્ડ બનાવવાની જરૃર છે. વાપરવા માટેના પાણીની પર્યાપ્ત સુવિધા કરવાની જરૃર છે. મેદાનમાંથી દબાણો કાયમ માટે હટાવી ઊંચી સુશોભિત દીવાલ બનાવવાની જરૃર છે. મેદાનમાં પરમેનન્ટ લાઈટના ઊંચા પોલ સાથે લાઈટીંગની સુવિધાની જરૃર છે. મેદાનમાં નાના-મોટા કે મેગા પ્રોજેક્ટ જેવા કાર્યક્રમો સમયે ટેમ્પરરી લાઈટ પેનલ બોર્ડ મૂકવામાં આવે છે તેના બદલે કાયમી વ્ય્વસ્થાની જરૃર છે. મેદાન ફરતે ર૪ કલાક કડક સિક્યોરીટીની જરૃર છે.. વગેરે વગેરે...
આટલી વ્યવસ્થા/સુવિધા ઉભી કરવા માટે જિલ્લા કલેક્ટર ધારે તો સરકારમાં દરખાસ્ત રજૂ કરીને મેદાનની કાયાપલટ કરી જ શકે છે... અને સરકારને દર વરસે લાખ્ખો રૃપિયાની આવક તો થાય જ છે, ત્યારે કદાચ બે-ચાર કરોડનો પ્રોજેક્ટ રજૂ થાય તો સરકારે પણ મંજુર કરીને જામનગરની જનતાને એક અનુપમ ભેટ આપવાનો 'અવસર' ઝડપી લેવાની જરૃર છે...
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો-અબજો રૃપિયાના વિકાસ કામોની હારમાળા ચાલી રહી છે અને વિકાસના લોકાર્પણ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવા-નવા વિક્રમો સર્જી રહી છે. આગામી ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કાયમ મંજુર માટે ઉપેક્ષિત પ્રદર્શન મેદાનની કાયાપલટ સત્તાધારી ભાજપ પક્ષ માટે એક મહત્ત્વનો પ્રચાર મુદ્દો પણ બની શકે છે...
ઉપરોક્ત તસ્વીરોમાં પ્રદર્શન મેદાનની બદતર/ભંગાર હાલત દૃષ્ટિમાન થાય છે, અને આવી હાલત દર્શાવતી તસ્વીરો સાથેના અહેવાલો સમયાંતરે પ્રસિદ્ધ થતા જ રહે છે... જોઈએ... જામનગરની વિકાસ યાત્રામાં પ્રદર્શન મેદાનને જગ્યા મળે છે કે કેમ!
આ મેદાન રમતગમત માટે ખાસ કરીને ટેનિસ બોલથી ક્રિકેટ રમતા બાળકો-યુવા વર્ગ માટે એક માત્ર જાહેર મેદાન રહ્યું છે, અને તેમાંય બસોના પાર્કિંગ, વાહનોના ટેસ્ટીંગ, અવિરત કાર્યક્રમો વગેરેના કારણે ક્રિકેટની રમત રમવા ક્યાં જવું? સ્પોર્ટસ સંકુલો બનાવવાના ભલે આયોજનોની જાહેરાતો થાય, (ક્યારે બનશે તે તો 'રામ' જાણે!) બાકી આ મેદાનમાં ટોકન ચાર્જ લઈને ક્રિકેટ પ્રેમીઓ ટેનિસ બોલથી ક્રિકેટ કે અન્ય રમતો રમી શકાય તેવી કાયમી વ્યવસ્થાની પણ એટલી જ જરૃર છે... અત્યારે તો ટેનિસ બોલથી ક્રિકેટ રમવાના શોખીનો બે-ત્રણ કલાકના ૧પ૦૦-ર૦૦૦ જેવું ભાડા ભરી બોક્સ ક્રિકેટમાં રમીને સંતોષ માની રહ્યા છે...
પ્રદર્શન મેદાન રાહ જોઈ રહ્યું છે સંપૂર્ણ સુવિધા/વ્યવસ્થા સાથે કાયાપલટની!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial