Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સાડા ચાર, લાલપુરમાં સાડા ત્રણ, સડોદરમાં ત્રણ ઈંચ વરસાદ

ગાજવીજના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રીઃ વાતાવરણમાં ઠંડકઃ ખેડૂતો ખૂશઃ જલભરાવઃ વીજવિક્ષેપ

જામનગર તા. ર૪ઃ સમગ્ર હાલાર પંથકમાં જેની ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી તેવા મેઘરાજાનું ગઈકાલે વાદળોની ગડગડાટીઓ, વીજળીના ચમકારા સાથે આગમન થયું હતું. જેન લોકોએ મન મૂકીને માણ્યો હતો. શનિવાર સાંજથી સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ઝાપટાથી ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે, જો કે સૌથી સારો વરસાદ લાલપુર, ખંભાળિયા, કાલાવડ, જામનગર અને જામજોધપુરમાં વરસ્યો છે. તો ધ્રોળ, જોડિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકામાં હજુ સારો વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત અમુક ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ થવાના વાવડ મળી રહ્યા છે.

ગઈકાલે થોડા જ વરસાદમાં જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, જ્યારે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો રાબેતામુજબ ખોરવાયો હતો. આખરે હાલાર પંથકમાં પણ વાતાવરણ પલટાયું છે અને મેઘસવારીનું શાહી આગમન થઈ ચૂક્યું છે.

ગઈ સાંજે આઠેક વાગ્યે જામનગર શહેરમાં વરસાદ શરૃ થયો હતો અને થોડીવાર ધોધમાર વરસ્યો હતો. ગઈ સાંજે જામનગરમાં ૧૪ મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે સવારે વધુ ૧૬ મી.મી. વરસાદ થતા છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં ૩૦ મી.મી. એટલે કે સવા ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત કાલાવડમાં પણ પ૪ મી.મી. એટલે કે બે ઈંચથી વધુ વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયું હતું.

લાલપુરમાં આજે સવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં અને સવારે ૮ થી ૧૦ ના બે કલાકમાં ૬પ મી.મી. એટલે કે અઢી ઈંચ વરસાદ થયો હતો. અને છેલ્લા ર૪ કલાકમાં ૮૭ મી.મી. એટલે કે સાડાત્રણ ઈંચ પાણી વરસી જતા લાલપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત જામજોધપુર પંથકમાં રર મીમી (લગભગ એક ઈંચ) વરસાદ થયો છે. જ્યારે જોડિયામાં ૯ મીમીનું ઝાપટું વરસ્યુ છે તો ધ્રોલમાં હજુ મેઘરાજાનું આગમન થયું નથી.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઝાપટાથી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે. જેમાંથી સૌથી વધુ ખંભાળીયામાં ૯ર મીમી એટલે કે લગભગ ચાર ઈંચ જેટલો સારો વરસાદ ફરી એક વખત વરસી ગયો છે. ગત સપ્તાહે પણ ખંભાળીયામાં દસેક ઈંચ જેટલો વરસાદ થયો હતો. જ્યાં ફરી એક વખત સારો વરસાદ થતા પાણી ફરી વળ્યા છે.

આ ઉપરાંત ભાણવડમાં શનિવારે ૭ અને રવિવારે ૩૧ મળી કુલ ૩૮ મીમી એટલે કે પોણા બે ઈંચ વરસાદ થયો છે. જ્યારે કલ્યાણપુર દ્વારકામાં માત્ર વરસાદી ઝાપટા જ વરસ્યા છે. સડોદરથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે જામજોધપુર તાલુકાના સડોદર વિસ્તારમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ વરસતા વાવણીલાયક વરસાદ વરસી ગયો છે અને જળાશયમાં અને નવા પાણીની આવક પણ શરૃ થવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા ખંભાળીયાના પ્રતિનિધિના અહેવાલમાં જણાવાયા મુજબ ખંભાળીયા અને તાલુકા વિસ્તારોમાં મેઘરાજા ફરી પ્રેમ વરસાવવા આવી પહોંચ્યા છે. ગત રાત્રે ગાજવીજ સાથે ત્રણ ઈંચ વરસાદ થયો હતો જે પછી આજે સવારે વધુ એક ઈંચ પાણી વરસી ગયું છે. આ પછી પણ પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા કુલ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

ગઈકાલના વરસાદથી નગરગેઈટ, જોધપુર ગેઈટ, રામનાથ રોડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આમ  ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ગઈકાલે વીજળી ચાલી જતા અંધારપટની સ્થિતિમાં આકાશી વીજળીના ચમકારાઓ અને દાવળોની ગડગડાટીથી લોકોને ભયભિત થયા હતાં.

ગઈકાલે વરસાદથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે વીજ કંપનીના કાર્યપાલક ઈજનર શ્રી ટોલીયા અને નાયબ ઈજનેર શ્રી પંડ્યાએ તાબડતોબ મરામત માટે ટીમો રવાના કરી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો. જો કે હજુ અનેક વિસ્તારો વાવણી વગરના છે. તેમજ દ્વારકા, કલ્યાણપુરના પણ અનેક વિસ્તારોમાં વાવણી શરૃ થઈ નથી.

ખંભાળીયા આજુબાજુના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ધરમપુર, હર્ષદપુર, શક્તિનગર, હરીપર, સિંહણ, કેશોદ, વીજલપર, ભાડથર, શેરડી, સલાય, વિસોત્રી, કુહાડીયા, વિરમદળ, રામનગરમાં તમામ ચેક ડેમમાં પાણીની આવક શરૃ થઈ છે.

હવામાનના જાણીતા કાનુભાઈ કણઝારીયાએ જણાવ્યા મુજબ આ પ્રિમોન્સુન વરસાદ છે. રેગ્યુલર વરસાદ ર૭ કે ર૮ ના થશે. જે જામનગર દેવભૂમિ દ્વારકામાં પ થી ૧૦ ઈંચ થઈ શકે છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે સારો વરસાદ થયો હતો. જેમાં પડાણામાં ૪૦ મીમી, ધ્રાફામાં ૩૦, પરડવામાં ર૭ મીમી, શેડવડાળા ૪૬, મી, જામવાડી ૪૮ મીમી, મોટા પાંચ દેવડામાં પપ મીમી, નવાગામમાં ૪પ મીમી, ખરેડીમાં ૬પ મીમી નિકાવામાં ૪ર મીમી, મોટા વડાળામાં ૭પ મીમી ઉપરાંત અનેક ગામડામાં ૧૦ થી ર૦ મીમી દરસાદ થયો છે.

લાલપુરમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ ખુશ

લાલપુરના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે લાલપુરમાં ખેડૂતો વરસાદની રાહ જોતા હતાં તે મેઘરાજાનું ખરા ટાંકણે જ આગમન થતાં ખેડૂતો ખુશ થઈ ગયા છે.  વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વાવણી લાયક વરસાદ થયો હોવાથી હવે ખેડૂતો થોડા દિવસમાં વાવણી કાર્યમાં લાગી જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh