Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવારનવાર વીજપુરવઠો ખોરવાવો, લો-વોલ્ટેજ, વોલ્ટેજની વધ-ઘટ અને હવે વાયરો ધરાશાયી થવાની ઘટના!
જામનગરમાં ચોમાસું આવે અને વીજળીના ધાંધિયા શરૃ થઈ જાય તેવી ફરિયાદો ઊઠે છે, પરંતુ ઢીંચડા રોડ પર બે-ત્રણ હજારની વસતિ ધરાવતા રવિપાર્ક ટાઉનશીપમાં તો વીજળીના ધાંધિયા પ્રારંભથી જ યથાવત્ રહ્યા છે, અને ક્યારેય તંત્ર, સ્થાનિક કોર્પોરેટરો કે પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારને અપાતી વીજસુવિધાઓની દરકાર જ કરી નથી. આ વિસ્તારમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા માધાંતાઓ તથા બિલ્ડર લોબી પણ આ મુદ્દે લાચાર હોય તેમ જણાય છે, અને વીજધાંધિયાને કારણે ડિમાન્ડને પણ ફટકો પડી રહ્યો હોવાની ચર્ચા છે.
વર્ષ ર૦૧ર-૧૩ માં જમીન સમથળ કર્યા પછી ખેતીની એન.એ. કરાયેલી જમીનો પર પ્લોટ પાડીને જુદા જુદા બિલ્ડરોએ અહીં સંખ્યાબંધ ટેનામેન્ટ બાંધ્યા અને અત્યારે અનેક સોસાયટીઓમાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે, અને પીવાનું પાણી, ગેસલાઈન, ભૂગર્ભ ગટર વગેરેના કામો ક્રમશઃ થઈ રહ્યા છે, પરંતુ વીજળી પુરવઠાની સમસ્યા કાયમી બની ગઈ છે. તેમાં પણ ત્રણેક હજારથી વધુ વસતિ ધરાવતા રવિપાર્ક ટાઉનશીપને તો પીજીવીસીએલ દ્વારા માત્ર ઈજારાશાહીના ભરોસે જ છોડી દીધો છે અને કોન્ટ્રાક્ટરોના જમીની સ્તરના કર્મચારીઓ સિવાય આ વિસ્તારની વીજ સમસ્યા ઉકેલવા પીજીવીસીએલના કોઈ જવાબદાર ઉચ્ચ અધિકારી તો ફરકતા જ નથી, પરંતુ જુનિયર એન્જિનિયર કક્ષાના પીજીવીસીએલ કક્ષાના અધિકારીઓ પણ ફરકતા હોતા નથી, તેથી એરકન્ડીશન્ડ ચેમ્બરોમાં બેઠા બેઠા લોકોની મુશ્કેલીઓની ખબર કેવી રીતે પડે? તેવો સવાલ આક્રોશિત સ્થાનિક રહીશોમાં ઊઠી રહ્યો છે.
આ ટાઉનશીપમાં કોરોના કાળ પછી ટેનામેન્ટો સતત બંધાતા રહ્યા છે અને ક્રમશઃ તેમાં લોકોનો વસવાટ વધ્યો છે, ત્યારે તે પ્રમાણમાં વીજ પુરવઠો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૃર છે.
રવિપાર્ક ટાઉનશીપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં જો કોઈ મુશ્કેલી પડતી હોય તો પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓએ સ્થાનિકો સાથે પરામર્શ કરીને વધારવી જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટરો કે તેના માણસોના ભરોસે છોડી દઈને એ.સી. ચેમ્બરમાં બેસી રહેલા પીજીવીસીએલના અધિકારીઓને કદાચ સ્થાનિક જનપ્રતિનિધિઓ કે શાસકો પણ ગણકારતા હોય તેમ જણાતું નથી.
તાજેતરનું જ એક દૃષ્ટાંત જોઈએ તો બે-ત્રણ દિવસ પહેલા બે થાંભલા વચ્ચેનો વાયર જમીન પર પડ્યો હતો, અને કોઈ જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી તે પછી એ વાયર લગાડવા રાત્રિના સમયે ટીમ આવી હતી, અને વાયર લગાવી દીધો હતો, અને તેમાં શેરી નં. ૬ (બી) માં રહેતા જાગૃત નાગરિકોની સહભાગીતા રહી હતી. તે પછી બે દિવસમાં જ તે જ શેરી નંબર ૬ બી માં એ જ થાંભલા સાથે જેટલા કનેક્શનો હતા, તેની લાઈટ ગુલ થઈ ગઈ, અને બપોરે બે વાગ્યાથી ફોન દ્વારા ફરિયાદો નોંધાવ્યા પછી છેક સાંજે સાડાછ-સાત વાગ્યે બે કર્મીઓ આવ્યા, અને તે પણ આ શેરીમાં રહેતા કેકટલાક જાગૃત નાગરિકોએ સતત ફોલો-અપ કર્યા પછી!
આ પ્રકારની ફરિયાદો રવિપાર્ક ટાઉનશીપમાં વધી ગઈ છે, અને તેના સંદર્ભે કેટલુક વિસ્તરણ પણ થઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોને ક્યા કારણે આટલી તકલીફ પડે છે, તેનું સંશોધન કરતા ઈજારેદાર તથા પીજીવીસીએલના વર્તુળો દ્વારા એવું જાણવા મળ્યું કે વીજવપરાશ વધી ગયો હોવાથી ટી.સી. વગેરે વધારવા પડે તેમ છે, પરંતુ સ્થાનિકો પોતાના ઘર કે દુકાન નજીક થાંભલા નાંખવા દેતા નથી, તેથી ઈજારેદાર કે કંપનીના માણસોને પાછું જવું પડે છે.
જો આ પ્રકારની સમસ્યા હોય તો આ પ્રકારની વિટંબણાઓ ઉકેલવાની જેની જવાબદારી છે, તે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ કે સંબંધિત જવાબદારો ફિલ્ડમાં આવીને લોકોને સમજાવવા જોઈએ અથવા કાનૂની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ, તેના બદલે જો માત્ર હેલ્પર કક્ષાના ઈજારેદારના જમીની કર્મીઓ કે જુનિયર અધિકારીઓના ભરોસે લોલંલોલ ચલાવાતું હોય તો જવાબદારી કોની?
આ પ્રકારના પ્રશ્નોમાં જે-તે વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ રસ લઈને તંત્ર અને વાંધો લેતા સ્થાનિકો વચ્ચે મધ્યસ્થી કરીને પ્રશ્નો ઉકેલવા જોઈએ, અને સંબંધિત સોસાયટીની સંચાલક સમિતિઓ, તંત્ર, ઈજારેદાર, પીજીવીસીએલ તથા સ્થાનિકો સાથે પરામર્શ કરીને કમ-સે-કમ આ ટાઉનશીપને પૂરતો વીજ પુરવઠો મળે, અને કન્પ્લેઈનનો નિવેડો લાવવામાં કલાકોની વાર ન લાગે, તેટલા પ્રબંધો તો કરાવવા જ જોઈએ ને? પીજીવીસીએલના અધિકારીઓ એ ન ભૂલે કે રવિપાર્ક ટાઉનશીપના કસ્ટમરો તોતીંગ વીજબીલો ભરે છે, તેથી જ તેઓનો તોતીંગ પગાર તથા એ.સી. ચેમ્બરો મળે છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial