Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલ દ્વારા ગાઝા-સીરિયા અને લેબેનોન પર હવાઈ હુમલાઓમાં હીઝબુલ કમાન્ડરો સહિત છેતાલીસના મોત

હિઝબુલ્લાને નહીં રોકે, તો લેબેનોનની હાલત ગાઝા જેવી થશેઃ નેતન્યાહૂ

તેલઅવિવ તા. ૧૧: ઈઝરાયલે લેબેનોન-ગાઝા અને સીરિયામાં સતત હવાઈ હુમલા કરતા ૪૬ ના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધી રહી છે. હુમલામાં હથિયાર ડેપો તબાહ થયો છે. બે ઈમારતો ધ્વસ્ત થઈ છે. મૃતકોમાં હીઝબુલ્લાના બે કમાન્ડરોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલે હવાઈ હમુલા કરીને લેબેનોન પર બોમ્બમારો કર્યો હતો. હિઝબુલ્લાહ સામે તેનું આક્રમણ ચાલુ રાખ્યું હતું. સીરિયા અને ગાઝામાં પણ ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. બે હિઝબુલ કમાન્ડર સહિત કુલ ૪૬ નાગરિકોના મોત થયા છે. બીજી તરફ ઈરાન દ્વારા ૧ ઓક્ટોબરે છોડવામાં આવેલી મિસાઈલો સામે જવાબી કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

એવું માનવામાં આવે છે કે ઈરાની હુમલાના જવાબમાં ઈઝરાયેલ દ્વારા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઈઝરાયેલની કેબિનેટની બેઠકમાં ઈરાન વિરૂદ્ધ જવાબી કાર્યવાહીનો મામલો વિચારવમાં આવનાર છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ છે. બન્ને નેતાઓ વચ્ચે આ વાતચીત લગભગ પ૦ દિવસ પછી થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઈરાન પર સંભવિતઃ હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વ્હાઈટ હાઉસે આ વાતચીતને સકારાત્મક ગણાવી હતી.

ઈઝરાયેલના હવાઈ હુમલાઓમાં ગયેલા હિઝબુલ્લા કમાન્ડરોના નામ અહેમદ મુસ્તફા અને મોહમ્મદ અલી હમદાન હોવાનું કહેવાય છે. હમદાન હિઝબુલ્લાહની એન્ટી ટેન્કનો કમાન્ડર હતો. ઈઝરાયેલે લેબેનોનમાં તેના મિસાઈલ હુમલામાં દહેહ, બેરૂતમાં હિઝબુલ્લાહના અનેક હથિયારોના ડેપોને પણ નષ્ટ કરી દીધા છે.

આ દરમિયાન નેતન્યાહૂએ લેબેનોન અને ઈરાનની સાથે ઈઝરાયેલે પેલેસ્ટાનમાં આતંકવાદીઓના ટાર્ગેટને નિશાન બનાવવાનું બંધ કર્યું નથી. આ ક્રમમાં તેણે દેર અલ-બલાહમાં આશ્રયસ્થાનમાં હમાસ દ્વારા સંચાલિત કામચલાઉ પોલીસને નિશાન બનાવ્યું. વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા પર ઈઝરાયેલના હુમલામાં ર૮ લોકોના મોત થયા હતાં.

લેબેનોનના હુમલામાં ૧૮ લોકો માર્યા ગયા છે અને ૯૮ લોકો ઘાયલ થયા છે. ગુરુવારે બેરૂતમાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ નેતાની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા મોટા હવાઈ હુમલાનો એક ભાગ હોવાનું કહેવાય છે, જેમાં રર લોકો માર્યા ગયા હતાં.

આ હુમલાઓએ ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને વધુ વેગ આપ્યો છે. આ હવાઈ હુમલા છેલ્લા વર્ષમાં સૌથી ભયંકર હતા, જેમાં બે ઈમારતોનો નાશ થયો હતો અને ડઝનેક લોકો માર્યા ગયા હતાં. આ હુમલાઓએ દક્ષિણ લેબેનોનમાં યુએન પીસકીપર્સને પણ જોખમમાં મૂક્યો છે. આક્રોશની લહેર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનના આરોપો લગાવ્યા છે. ઈઝરાયેલના હુમલામાં મુખ્ય નિશાન હિઝબુલ્લાહના કોમ્યુનિકેશન યુનિટના વડા વફીક સાફા હતાં, પરંતુ તે હુમલામાં બચી ગયા હતાં.

હિઝબુલ્લાહના અલ મનાર ટીવીએ પુષ્ટિ કરી કે હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો, કારણ કે હુમલા સમયે સફા બિલ્ડિંગમાં હાજર ન હતાં. ગઈકાલે ઈઝરાયેલના હવાઈ હુમલામાં બેરૂતના બે અલગ અલગ રહેણાંક વિસ્તારોમાં ઈમારતોને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં રર લોકો માર્યા ગયા હતાં અને ડઝનેક ઘાયલ થયા હતાં. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાની માહિતી આપી છે.

હવાઈ હુમલામાં એક આઠ માળની ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી, જ્યારે બીજી ઈમારતના નીચેના માળનો નાશ થયો હતો. આ ઘટનાએ બેરૂતમાં વિસ્થાપન સંકટને વધુ ઘેરી બનાવ્યું છે.

ઈઝરાયેલી દળોએ દક્ષિણ બેલેનોનમાં યુએન શાંતિ રક્ષકો પર પણ ગોળીબાર કર્યો હતો, જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતાં. આ ઘટનાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને ઈટાલીએ ઈઝરાયેલના રાજદૂતને બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.

યુનિફિલના પ્રવક્તા એન્ડ્રીયા ટેનેટીએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલના હુમલા છતાં યુએન પીસકીપર્સ દક્ષિણ લેબેનોનમાં રહેશે. તેણે તેને પાછલા વર્ષની 'સૌથી ગંભીર ઘટનાઓ' પૈકીની એક ગણાવી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રવક્તાએ જણાવ્યું હતું કે ઈજરાયેલે તેના લશ્કરી કાર્યવાહી દરમિયાન નાગરિકોની સુરક્ષા માકબટે 'સંભવિત તમામ પગલાં લેવા જોઈએ, યુએસએ હિઝબુલ્લાહ સામે ઈઝરાયેલના સ્વ-બચાવના અધિકારને ટેકો આપ્યો હતો, પરંતુ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે તે કેવી રીતે કરે છે તે પણ મહત્ત્વપૂર્ણ છે.'

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની વાતચીત પછી બન્ને દેશો મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક પડકારો પર સહમત થયા છે. આ કોલમાં તેહરાનના ૧ ઓક્ટોબરના મિસાઈલ હુમલાના ઈઝરાયેલના-તિભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આ મુદ્દા પર વધુ ચર્ચા કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh