Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૨૦૦ કિલો કોકેન ઝડપાયું: ચાર શખ્સોની ધરપકડ

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો માસ્ટર માઈન્ડ લંડન તરફ ભાગ્યોઃ દુબઈ સુધી જોડાયા છે તાર

નવી દિલ્હી તા. ૧૧: દિલ્હીમાંથી ર હજાર કરોડ રૂપિયાનું ર૦૦ કિલો કોકેન પકડાયું છે. અત્યાર સુધીમાં ૭૬૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાંથી મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ સાથે સંબંધિત સૌથી મોટું કન્સાઈનમેન્ટ છે, જેના સંદર્ભે ૪ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સ સિન્ડિકેટ દુબાઈ સાથે જોડાયેલું છે. માસ્ટરમાઈન્ડ લંડન તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળે છે.

દેશની રાજધાની દિલ્હીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ર૦૦ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું જે વેરહાઉસમાં રાખવામાં આવ્યું હતું.

રિકવર કરાયેલી દવાઓની કિંમત લગભગ ર હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સ્પેશિયલ સેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭ હજાર કરોડ રૂપિયા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રગ્સ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેકશન પણ સામે આવ્યું છે. ઈડી એ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ કેસની વિગતો પણ લીધી છે.

આ કેસમાં ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકેઈન લાવનાર વ્યક્તિ લંડન તરફ ભાગી ગયો છે. જે કારમાં કોકેઈન લાવવામાં આવ્યું હતું તેમાં જીપીએસ ફીટ કરવામાં આવ્યું હતું. જીપીએસ લોકોશેન ટ્રેક કરીને તે રમેશનગરના વેરહાઉસમાં પહોંચી. આ કોકેઈન પણ એ જ સિન્ડિકેટનું છે જે પ૬૦૦ કરોડ રૂપિયાના કોકેઈન સાથે ઝડપાયું હતું. ભારતમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સનું આ સૌથી મોટું કન્સાઈમેન્ટ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી જગ્યાએ દરોડા પડી શકે છે. સ્પેશિયલ સેલને ઘણી મહત્ત્વની લીડ મળી છે. દિલ્હી પોલીસે ગયા બુધવારે આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ર ઓક્ટોબરના પોલીસે દક્ષિણ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક વેરહાઉસમાંથી પ૬૦ કિલોથી વધુ કોકેઈન અને ૪૦ કિલો 'હાઈડ્રોપેનિક ગાંજો' જપ્ત કર્યો હતો. જેની કિંમત લગભગ પ૬૦૦ કરોડ રૂપિયા હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલા ૪ આરોપીઓની ઓળખ દિલ્હીના રહેવાસી તુષાર ગોયલ (ઉ.વ. ૪૦), હિમાંશુ કુમાર (ઉ.વ. ર૭) અને ઔરંગઝેબ સિદ્દીકી (ઉ.વ. ર૩) અને મુંબઈ નિવાસી ભરત કુમાર જૈન (ઉ.વ. ૪૮) તરીકે થઈ છે.

માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ હોવાનું કહેવાય છે. જે કથિત રીતે કોંગ્રેસમાં છે. પોલીસને માહિતી મળી હતી કે આ સિન્ડિકેટ દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોમાં કોન્સર્ટ અને રેવ પાર્ટીઓમાં મોટી માત્રામાં ડ્રગ્સનું વેંચાણ કરવા જઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ડ્રગ્સ સિન્ડિકેટની લિંક દુબઈ સાથે જોડાયેલી છે. સ્પેશિયલ સેલની તપાસમાં દુબઈના એક મોટા બિઝનેસમેનનું નામ સામે આવ્યું છે. જે કોકેઈનનો મોટો સપ્લાયર હોવાનું કહેવાય છે. આ અંગે કેન્દ્રિય એજન્સીઓ પણ ઊંડી તપાસ કરી રહી હોવાનું કહેવાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh