Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બેઠક પર ગત્ બે ચૂંટણીમાં રાજ્યની સરેરાશથી ઓછું મતદાન થયેલુંઃ હવે વધશે?

હાલારમાં વર્ષ ર૦૧૪ અને ર૦૧૯ માં પ૮ ટકાની આજુબાજુ મતદાન નોંધાયું હતુંઃ

જામનગર તા. ૪ઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે, અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીઓનો રંગ જામવા લાગ્યો છે, ત્યારે હાલારમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોમાં ચહલપહલ વધવા લાગી છે. એટલું જ નહીં, પક્ષાંતરોનો નવો દોર પણ શરૃ થઈ રહ્યો હોય તેમ જણાય છે.

આ સાથે જ આ વખતે રાજ્યની તમામ બેઠકો જીતવા ભાજપના પ્રયાસો સફળ થશે ખરા? રૃપાલા ફેક્ટર અને અન્ય રાજકીય મુદ્દાઓ તથા સમસ્યાઓ કેટલીક નડશે? ઈન્ડિયા ગઠબંધન હેઠળ રાજ્યની બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવાનો પ્રયોગ સફળ થશે ખરો? ભાજપની દરેક બેઠક પર પાંચ લાખથી વધુ લીડથી જીતવાની મુરાદ બર આવશે ખરી? કેટલીક બેઠકો પર છૂપો અને જાહેર અસંતોષ કેટલી અસર કરશે? વગેરે પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

તેવી જ રીતે છેલ્લા કેટલાક મહિનાઓમાં દિગ્ગજોના પક્ષાંતર પછી કોંગ્રેસ રાજ્યમાં કેવી અને કેટલી ફાઈટ આપી શકશે? જે બે બેઠકો 'આપ'ને ફાળવી છે, તેમાં કોંગ્રેસના મતો 'આપ'માં ટ્રાન્સફર થશે ખરા? ભરૃચની બેઠક પર આમ આદમી પાર્ટીને મરહુમ અહેમદ પટેલના કમિટેડ વોટ ટ્રાન્સફર થશે ખરા? કોંગ્રેસ અને 'આપ' રાજ્યમાં તૂટી રહ્યા હોય, તેવી સ્થિતિમાં વિપક્ષો એનડીએને રાજ્યમાં કેવી અને કેટલી ફાઈટ આપશે, તેવા સવાલો પણ સ્વાભાવિક રીતે જ ચર્ચાઈ રહ્યા છે.

જામનગર, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આ વખતેની ચૂંટણીમાં બદલી રહેલા સમીકરણોની પણ જોરદાર ચર્ચા રહી છે, અને અત્યારની સ્થિતિમાં ઉભયપક્ષે ઊભા થયેલા નવા પડકારો જોતા ચૂંટણી રસપ્રદ બની રહેલી જણાય છે.

વર્ષ ર૦૧૪ માં રાજ્યની તમામ ર૬ બેઠકો ભાજપે જીતી હતી અને વર્ષ ર૦૧૯ માં તેનું પૂનરાવર્તન કર્યું હતું. આ વખતે આ જ પ્રકારની સફળતાની હેટ્રીક ભાજપ મારી શકશે કે કેમ? તેવી ચર્ચા પણ થઈ રહી છે.

વર્ષ ર૦૧૪ માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૬૩.૬૬ ટકા મતદાન નોંધાયું હતું, અને વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ૬૩.૭૩ ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં જો મતદાન વધે, તો કોને ફાયદો થાય અને મતદાનની ટકાવારી ઘટે તો કોને નુક્સાન થાય, તેની ચર્ચા વચ્ચે ચૂંટણીપંચ તથા રાજકીય પક્ષો તથા ડેમોક્રેડિટ અવેરનેશ સંસ્થા દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય, તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. હજુ મતદારો મન કળવા દેતા નથી, તેથી મતદાનની તારીખ ૭ મી મે નજીક આવશે, તેમ માહોલ જામશે, તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે, અને ઊભા થતા નવા ઘટનાક્રમોના કારણે બદલી રહેલા સમીકરણોના કારણે રાજ્યમાં તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાના ભાજપના દાવાઓ તથા રાજ્યમાં ડઝનેક બેઠકો કોંગ્રેસ અને એકાદ-બે બેઠકો આમ આદમી પાર્ટી જીતશે, તેવા અંદાજોનું શું થાય છે, તે જોવું રહ્યું.

જામનગરની બેઠક પર વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં પ૮ ટકા જેટલું મતદાન થયું હતું, અને વર્ષ ર૦૧૯ માં તેમાં નજીવો વધારો થયો હતો, તેના વિવિધ કારણો પણ ચર્ચામાં હતાં. આ વખતે હીટવેવની આગાહીઓ થઈ રહી છે, ત્યારે તેની અસર મતદાન પર ઓછામાં ઓછી પડે, તેવા પ્રયાસો સામૂહિક રીતે કરવા જ પડશે અને ખાસ કરીને ચૂંટણી તંત્રે અને ઈલેક્શન કમિશનરે પણ આ મુદ્દો ગંભીરતાથી વિચારીને જરૃરી પ્રબંધો કરવા પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh